Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

મહિકામાં લેઉવા પટેલ પરિવારના બ્રહ્માણી માતાજીના મઢમાંથી ૧.૯૫ લાખની ચોરી

તસ્કરો વાડીના મકાનના તાળા તોડી માતાજીની છબી પરની સોનાની માળા, ચાંદીની માળા, કડુ અને કબાટમાંથી પરચુરણ ચોરી ગયાઃ રાજકોટ રહેતાં વાલજીભાઇ આંબલીયાની ફરિયાદ પરથી તપાસ : લોખંડનો નાનો કબાટ પણ ઉપાડી ગયાઃ મોટા વાહનનો ચોરીમાં ઉપયોગ થયાની શંકાઃ ડોગ પગેરૂ સુંઘી પુલ પાસે અટકી ગયો

જ્યાં ચોરી થઇ તે મઢનું મકાન, માતાજીનો મઢ અને ઇન્સેટમાં તૂટેલો આગળીયો જોઇ શકાય છે. તસ્વીરો વાલજીભાઇ આંબલીયાએ મોકલી હતી

રાજકોટ તા. ૧૧: રાજકોટ-ભાવનગર હાઇવે પર આજીડેમ ચોકડીથી ત્રણેક કિ.મી. આગળ આવેલા મહિકા ગામમાં લેઉવા પટેલ (આંબલીયા) પરિવારના માતાજી બ્રહ્માણી માના મઢના તાળા તોડી તસ્કરો રૂ. ૧,૯૫,૦૦૦ના સોના-ચાંદીના દાગીના અને પરચુરણ રકમ ચોરી જતાં પોલીસને જાણ કરવામાં આવી છે. ઉઠાવગીરો નાનો લોખંડનો કબાટ પણ ઉઠાવી ગયા હોઇ ચોરીમાં કોઇ મોટા વાહનનો ઉપયોગ થયાની શકયતા છે.

બનાવ અંગે રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ પર દિપવન પાર્ક શેરી નં. ૨માં રહેતાં વાલજીભાઇ રણછોડભાઇ આંબલીયા (પટેલ) (ઉ.૫૩)ની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે ચોરીનો ગુનો નોંધ્યો છે. વાલજીભાઇના કહેવા મુજબ આંબલીયા પરિવારના માતાજી શ્રી બ્રહ્માણી માતાજીનો મઢ-પુજા રૂમ ભાવનગર હાઇવે પર મહિકામાં રઘુનંદન સોસાયટી પાછળ વાડીમાં આવેલો છે. પોતે આ મઢ ખાતે દરરોજ સાંજે ધૂપદીવા કરવા જાય છે. આ મઢ ખાતે પંદરેક કુટુંબીજનો પગે લાગવા આવે છે. ગઇકાલે રવિવારે સવારે આ રૂમના તાળા તૂટેલા હોવાની જાણ થતાં પોતે ત્યાં પહોંચ્યા હતાં. તપાસ કરતાં તસ્કરો માતાજીની છબી પરથી સોનાની માળાી સાડાતેર તોલાની રૂ. ૧,૮૦,૦૦૦ની, ચાંદીની માતાળ, ચકદુ, કડુ આશરે ૪૦૦  ગ્રામ રૂ. ૧૨૫૦૦ના તથા લોખંડનો કબાટ રૂ. ૫૦૦નો પણ ગાયબ જણાયા હતાં. આ કબાટમાં રૂ. ૨૦૦૦નું પરચુરણ પણ હતું.

તસ્કરો કુલ રૂ. ૧,૯૫,૦૦૦ની માલમત્તા ચોરી ગયાની પોલીસને જાણ કરવામાં આવતાં આજીડેમના પીએસઆઇ આર. બી. વાઘેલાએ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે ડોગ સ્કવોડની મદદથી તપાસ કરતાં ડોગ ઘટના સ્થળે પગેરૂ સુંઘી ત્યાંથી નજીકના પુલ સુધી પહોંચ્યો હતો. તસ્કરો મોટુ વાહન પુલ પાસે રાખી ત્યાંથી ચાલીને આવ્યા બાદ દાગીના-કબાટ ચોરી ગયાનું તારણ છે.

(2:39 pm IST)