Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ગોંડલ પાલિકામાં પ્રથમ મહિલા ઉપ પ્રમુખ બનતા અર્પણાબેન

ગોંડલ તા. ૧૧: ગોંડલ નગરપાલિકામાં મહિલા પ્રમુખ મુનીષાબેન માવલીયાની અઢી વર્ષની મુદત પુર્ણ થતા યોજાયેલ ચુંટણીમાં અશોકભાઇ પીપળીયા પ્રમુખ તરીકે ચુંટાયા હતા. જયારે ઉપ પ્રમુખ તરીકે અર્પણાબેન જીતુભાઇ આચાર્ય ચુંયાયા છે સદસ્યો સાથેની ગોંડલ નગરપાલિકામાં ર૯ સદસ્યો સાથે ભાજપ બહુમતિ ધરાવે છે. તથા પ્રમુખ અશોકભાઇ પીપળીયા એ યુવા ભાજપ પ્રમુખ તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી નગરપાલિકામાં છેલ્લા ત્રણ ટર્મથી ભોજરાજપરા વિસ્તારમાંથી ચુંટાતા રહે છે. પ્રદેશ ભાજપ કારોબારીના સભ્ય તથા પાલીકાના ઉપ પ્રમુખ રહી ચુકયા છે. તેઓ ભાજપ મોવડી જયંતિભાઇ ઢોલ તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના સમર્થક ગણાય છે. જયારે અર્પણાબેન આચાર્ય મહિલા કોલેજ કમીટીના ચેરમેન તરીકે કામગીરી બજાવી ચુકયા છે. વધુમાં નગરપાલિકાના ઇતિહાસમાં અર્પણાબેન આચાર્ય એ પ્રથમ મહિલા ઉપ પ્રમુખ તરીકે બહુમાન મેળવ્યું છે.

નગરપાલિકામાં પ્રથમ મહિલા ઉપપ્રમુખ બનનાર અર્પણાબેન ગોંડલના પત્રકાર અને બ્રહ્મ સમાજના પ્રમુખ જીતુભાઇ આચાર્યના ધર્મ પત્નિ છે. જીતુભાઇના પિતા સ્વ. રમેશભાઇ આચાર્ય પણ નગરપાલિકા તથા તાલુકા પંચાયતના સદસ્ય રહી ચુકયા હતા તેઓ ગોંડલના પીઢ પત્રકાર તથા આગેવાન હતા જયારે જીતુભાઇના માતૃશ્રી સ્વ. પ્રભાકિરણબેન પણ નગરપાલિકાના સદસ્ય રહી ચુકયા હતા. (૭.૧૪)

(12:10 pm IST)