Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ખેડુતોના પ્રશ્ને સંખ્યાબંધ ગામડા બંધઃ ઠેર-ઠેર ચક્કાજામ

કોંગ્રેસ દ્વારા ખેડુતોને ન્યાય આપવા ઉગ્ર માંગણીઃ ભારે આક્રોશ

પ્રથમ તસ્વીરમાં વડીયામાં ચક્કાજામ કરીને રોષ ઠાલવ્યો હતો જે નજરે પડે છે. બીજી તસ્વીરમાં હળવદ, ત્રીજી તસ્વીરમાં ઉપલેટા, ચોથી તસ્વીરમાં બોટાદ, પાંચમી તસ્વીરમાં અમરેલી, છઠ્ઠી તસ્વીરમાં વેરાવળમાં ચક્કાજામ  કરાયો તે નજરે પડે છે.

રાજકોટ તા.૧૧: ખેડુતોના અણઉકેલ પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો સાથે રોષ ઠાલવવામાં આવ્યો હતો. ગઇકાલે સંખ્યાબંધ ગામડા બંધ રાખીને રોષ વ્યકત કરીને ખેડુતોના પ્રશ્નો હલ કરવા ઉગ્ર માંગણી કરવામાં આવી હતી.

ગ્રામ્ય વિસ્તારોમા ંચક્કાજામ કરીને  કેન્દ્ર અને રાજય સરકાર સમક્ષ ન્યાય આપવા માંગણી કરી હતી.

સંયુકત રાષ્ટ્રીય ખેડુત મહાસંઘે આપેલા ભારતબંધના દિવસે ઉપલેટામાં ખેડુતો સડકો ઉપર આવી ગયા હતા ખેત ઉત્પાદન ખર્ચના દોઢા ભાવ વૃધ્ધ અવસ્થામાં ખેડુતોને પેન્શન આપો સ્વામીનાથન કમિટીની ભલામણનો અમલ કરો કપાસનો પાકવિમો આપોની માંગણી માટે આજ રોજ ખેડુતો કિશાનસભાના નેતૃત્વમાં આંદોલનમાં આવી ગયા હતા રાજકોટ જિલ્લામાં ચક્કાજામ આંદોલનનું કેન્દ્ર ઉપલેટા જાહેર કરવામાં આવેલ હતું. જાહેર થયા મુજબ ઉપલેટાના નાગનાથ ચોકમાં બાયપાસ હાઇવે ચક્કાજામ કરવા માટે ખેડુતો ઉમટી પડયા હતા સરકારની ખેડુત વિરોધી નીતિનો વિરોધ કરવા આવેલા ખેડુતો આક્રોશમાં હતા નાગનાથ ચોક બાયપાસ હાઇવેને ચક્કાજામ કરી દેતા વાહનો વયવહાર વારંવાર થંભી ગયો હતો ખેત પેદાશોના ભાવ નહી મળતા મોદી હોશમાં આવો ના નારાઓથી આંદોલન ઉગ્ર બની ગયું હતું. કાયદો વ્યવસ્થા જાળવવા આવેલી પોલીસે આંદોલનકારી ખેડુતોની ધરપકડ કરીને બાયપાસ હાઇવે ખુલ્લો કરાવેલ હતો.

અમરેલી

અમરેલીમાં રાજકમલ ચોકમાં કોગ્રેસ દ્વારા ધરણા રેલી આવેદનપત્ર ઘંટાવર ચક્કાજામ જેલભરો આંદોલન સહિત કાર્યક્રમોનું આયોજન કરેલ જેમાં લલીત કુમાર ટાકુભાઇ વરૂ, અર્જુનભાઇ સોસા, જવાહર ભાઇ મકવાણા, ચંદુભાઇ બારૈયા પ્રકાશભાઇ લાખાણી, સંદિપપંડયા, સંજય ગજેરા, સહિતના આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહયા હતા. રાજકમલ ચોકમાં સુત્રોચ્ચાર કરી રસ્તા રોકો આંદોલન કરતા પોલીસે ટાકુભાઇ વરૂ લલીતકુમાર સહિત ૧૫ કાર્યકરોની અટકાયત કરી હતી.

વડીયા

વિપક્ષના નેતા પરેશ ધાનાણી એ વડિયાના જાહેર માર્ગો પર રેલી કાઢી ક્ષણિક રસ્તો બ્લોક કર્યો હતો રોડ રસ્તા પર પલોઠી વાળીને સરકાર વિરુધ્ધ સુત્રોચ્ચાર કરીને ખેડુતોના દેવા માફ કરવાનીં માંગણી સતત ત્રીજા દિવસે પણ વિપક્ષના નેતા એ કરી હતી પોલીસ કાફલો ઉપસ્થિત રહયા હતા. પોલીસે વિપક્ષાના નેતાની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી ત્યારે વિપક્ષ નેતાએ સરકાર સામું ખેડુતોની વ્યથાઓ જણાવતા કહયું હતું કે ખેડુતોને શાકભાજી, દૂધ, કઠોળ સહિતની ચીજ વસ્તુઓ ના ભાવ મળતા નથી ત્યારે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી સરકારને આંખો ખોઇવાના પ્રયત્નો કરેલ જેમાં વડિયા પોલીસે પરેશ ધાનાણી સહિત કુલ ૬૨ કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

વેરાવળ-પ્રભાસપાટણ

વેરાવળ-પ્રભાસપાટણઃ અહીં કોંગ્રેસના અગ્રણીઓમાં ગીર સોમનાથ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અને તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, કોડીનારના ધારાસભ્ય મોહનભાઈ વાળા, પીન્ટુભાઈ બારડ, તાલાલા તા.પ.ના પ્રમુખ ડાયાભાઈ વઘાસીયા, વેરાવળ તા.પં.ના પ્રમુખ વલ્લભભાઈ માકડીયા, વેરાવળ તાલુકા કોંગ્રેસના પ્રમુખ કરશનભાઈ બારડ, સુત્રાપાડાના તાલુકા પ્રમુખ પ્રતાપભાઈ બારડ, તાલાલાના તાલુકા પ્રમુખ બી.બી. સોલંકી સહિત કોંગ્રેસીના કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજર રહી અને ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓનો વિરોધ કરેલ હતો.

મોરબી

મોરબીઃ હાલ રાજ્ય અને દેશભરમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે જે આંદોલનને સમર્થન આપવા પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જેમાં આજે મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર શાકભાજી ફેંકી વિરોધ દર્શાવ્યો હતો અને સરકાર વિરૂદ્ધ નારેબાજી કરી હતી તો રસ્તા પરથી પસાર થતા વાહનો રોકી ચક્કાજામનો પ્રયાસ કર્યો હતો. જો કે કોંગ્રેસ જે ખેડૂતો માટે આંદોલન ચલાવે છે તેના આંદોલનમા ખેડૂતોને સાથે રાખવામાં આવ્યા ન હતા તો કોંગ્રેસના વિરોધને પગલે સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબી અને એસઓજી ટીમ સાથે આરએએફ પ્લાટૂનનો ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો અને વિરોધ કરી ચકકાજામનો પ્રયાસ કરતા ૩૦ જેટલા કોંગ્રેસી કાર્યકરોને એ-ડિવીઝન પોલીસ ડીટેઈન કરીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.

હળવદ

અહીંની વૈજનાથ ચોકડી પાસે શાકભાજી રોડ પર ઢગલા કરી મોંઘવારીનું પૂતળુ સળગાવી ભાજપ સરકાર વિરૂદ્ધ નારા લગાવીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પર તૈનાત રહીને ૪૦ જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી. આ કાર્યક્રમમાં હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, ડો. કે.એમ. રાણા, શૈલેષભાઈ દવે, હેમાંગભાઈ રાવલ, ધ્રુવભાઈ રાવલ, દિનેશ મકવાણા (સરપંચ) તથા જીલ્લા પંચાયત તાલુકા પંચાયત પાલિકાના કોંગ્રેસ ચૂંટાયેલા સદસ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

ચક્કાજામને ધ્યાનમાં લઈ હળવદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, જેમાં હળવદ પીઆઈ એમ.આર. સોલંકી, ૪ પીએસઆઈ, ૪૦ પોલીસ જવાનો સહિતનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો.

બોટાદ

બોટાદ : જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જયોતીગ્રામ સર્કલથી દિનદયાળ ચોક સુધી રેલી કાઢીને ત્યારબાદ રસ્તા રોકીને જેલ ભરો આંદોલન કાર્યક્રમ કરેલ હતો જેમાં (૮૭) લોકો ડીટેઇન થયા હતાં.

જેમાં ડી. એમ. પટેલ (પ્રમુખ બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ) હુસૈનભાઇ શ્યામ, રાજેશભાઇ બારૈયા, જોરૂભાઇ ધાધલ, અમૃતભાઇ પટેલ, મહેન્દ્રસિંહ પઢીયાર ઇશ્વરભાઇ ભરાડીયા, ભીખાભાઇ રાઠોડ, કનુભાઇ ધાધલ, ભારતીબેન ચાવડા, અલ્પાબા ચુડાસમા, હંસાબેન વડીયા, કરસનભાઇ ચૌહાણ, દામજીભાઇ મકોડભાઇ, રમેશભાઇ વાજા, પ્રવિણભાઇ ડેરવાળીયા, વિજયસિંહ ચુડાસમા, ઉસ્માનભાઇ ખડંુમરા, ધિરૂભાઇ પરમાર, સિકદરભાઇ જોખીયા, દિનેશભાઇ કણજરીયા, હરેશભાઇ પંચાલા, રફીકભાઇ શેખ, રવિભાઇ પાટસુરીયા, જગદીશભાઇ સવાણી, ધરમશીભાઇ રાઠોડ, ફૈઝલભાઇ ખલ્યાણી, તથા મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો તથા ખેડૂતો જોડાયા હતાં.

(12:08 pm IST)