Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

દેવાના ડુંગર હેઠળ પીસાતા ખેડુતો પ્રત્યે સરકારે ઉદાર બનવું જરૂરી : વિરજીભાઇ ઠુંમર

બાબરાના ચમારડીમાં સ્નેહમિલન-ભોજન પ્રસાદ કાર્યક્રમ

બાબરા તા.૧૧ : બાબરા લાઠી ૯૬ વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરની ઉપસ્થિતીમાં બાબરાના ચમારડી નજીક આવેલ શ્રી લક્ષ્મીમાતા, મેલડીમાતાજીના સ્થાનકે કોંગ્રેસ કાર્યકર્તાઓનું વિશાળ સ્નેહમિલન અને તાવા પ્રસાદનું આયોજન બાબરા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી કુલદિપભાઇ બસીયા તથા બાબરા તાલુકા કોંગ્રેસમાં પૂર્વ પ્રમુખ જસમતભાઇ ચોવટીયા દ્વારા થવા પામ્યુ હતુ.લાઠી બાબરા વિસ્તારમાંથી ૧૦૦૦ જેટલા માનવ મહેરામણ વચ્ચે નિવૃત વિસ્તરણ અધિકારી અને બાબરા વિસ્તારના અડીખમ કોંગ્રેસી આગેવાન પ્રભાતભાઇ કોઠીવાળ દ્વારા કાર્યક્રમની બાંગડોર સંભાળી પ્રથમ ચરણમાં આવકાર પ્રવચન બાદ વિવિધ આગેવાનોનું સન્માન થવા પામ્યુ હતુ.

ધારાસભ્ય ઠુંમરે જણાવ્યું કે, હુ કોઇ નાતી જાતિના ભેદભાવ વગર છેલ્લા ૩૫ વરસથી સક્રીય રાજકારણી છુ. કોઇપણ સમાજ માટે સેવાના અભિગમથી આગળ વધવા જાહેર કોલ આપ્યા બાદ રાજયની અને કેન્દ્રની ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરવા જણાવ્યુ હતુ કે, ભાજપ સરકાર દિવસ દાડે મોંઘવારીનો આકરો બોઝ પ્રજાની કમર ઉપર મુકી રહી છે.

કૃષિ પ્રધાન ગણાતા દેશમાં ખેડુત આપઘાત કરે છે. દેવાના ડુંગર હેઠળ પીસાતા ખેડુત પ્રત્યે સરકારે ઉદાર બનવુ જરૂરી છે. પેટ્રોલ, ડીઝલ, ગેસ જરૂરી ખાદ્ય સામગ્રીના ભાવ રાતોરાત  વધી રહ્યા છે. ખેડુતોને પોષણક્ષમ ભાવો મળતા નથી.

ટેકાના ભાવે ખરીદેલી મગફળીમાં ભાજપના આગેવાનોની ગોલમાલ, કરોડોની લોન ઉપાડી દેશ છોડી જતા તત્વો સામે નરમાશ અને ખેડૂતોને આકરૂ વ્યાજ, સિંચાઇ માટે પુરતુ પાણી પીવા માટે પાણી મળતુ નથી પાક વિમો, સેટેલાઇટ માપણી આકરી જંત્રીથી જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે.

નોટબંધી, કાળુનાણુ, ૫૬ની છાતીની વાતો કરનારી સરકારના વળતા પાણી થયા છે. ૨૦૧૯ સાંસદ ચુંટણીમાં ભાજપનું કમળ મુરજાવા પામશે તેવા ચોકકસ નિર્ધાર સાથે કોંગ્રેસી શાસન પધ્ધતી પ્રજા સમક્ષ શ્રી ઠુંમર દ્વારા રજૂ કરવામાં આવી હતી.

ખેડુત આગેવાન મનસુખભાઇ પલસાણા, લાઠી તાલુકા પંચાયત ઉપપ્રમુખ જનક તળાવીયા, આંબાભાઇ કાકડીયા, બાબરા તા.પં.પ્રમુખ અશ્વિન સાકરીયા, રામજીભાઇ ઇસલામીયા, હીંમતભાઇ રાસડીયા, બાબરા તાલુકા કોંગ્રેસના બુઝુર્ગ આગેવાન ડાયાલાલ ડી.પટેલ, બક્ષીપંચ સમાજ અગ્રણી અનકભાઇ મામૈયાભાઇ વાળા, મુસાભાઇ પરમાર, લાઠી શહેર કોંગ્રેસ પ્રમુખ ધીરૂભાઇ પટેલ, બાબરા શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઇ સિંધવ, અગ્રણી દિલીપભાઇ ખાચર, ધીરૂભાઇ વહાણી, વીહાભાઇ શીરોળીયા, કિશોરભાઇ દેથળીયા, વિવેકભાઇ સાકરીયા, લખુભાઇ બસીયા, અશોકભાઇ ખાચર, હસમુખભાઇ સરખંદી, ભુપતભાઇ વાવડીયા, બિપીન વસાણી, અરવિંદભાઇ મેમકીયા, વિનુભાઇ ચોવટીયા, રાજુભાઇ ખાત્રોજા, કાનજીભાઇ શેખ, બટુકભાઇ મુંધવા, કાળુભાઇ રાદડીયા, વલ્લભભાઇ પરવાડીયા સહિત ગ્રામ્ય સરપંચો, વિવીધ સંસ્થાના મોવડીઓ, ચુંટાયેલા કોંગ્રેસી સદસ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.(૪૫.૩)

(12:04 pm IST)