Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

સંતાનોને મોબાઇલ નહી પરંતુ તમારો કિંમતી સમય આપો : શૈલેષ સગપરીયા

ટંકારાની ન્યુ વિઝન સ્કુલમાં સિધ્ધી સન્માન સમારોહ યોજાયો

ટંકારા તા.૧૧ : ન્યુ વિઝન સ્કુલમાં સિધ્ધી સન્માન અને પ્રેરણા પાથેય સમારોહ યોજાયેલ. આ વર્ષે ન્યુ વિઝન સ્કુલનું ધો.૧૦ અને ૧૨નુ ઝળહળતુ પરિણામ આવેલ છે. ધો. ૧૦માં એ૧ ગ્રેડ ૯ વિદ્યાર્થીઓએ મેળવેલ છે. પ્રથમ નંબરે કેવીન રમેશભાઇ ૯૯.૯૪ પીઆર સાથે આવેલ છે. ભીમાણી સંજના કે. ૯૯.૯૦ પીઆર સાથે ત્રીજા નંબરે આવેલ. ધો.૧૨માં ત્રણ વિદ્યાર્થીઓ ૯૫ પીઆર થી વધુ પીઆર મેળવેલ છે.

તેજસ્વી છાત્રોના સન્માન સમારોહમાં સૌરાષ્ટ્ર કચ્છઝોનના નાયબ નિરીક્ષક શૈલેષભાઇ સગપરીયાએ જણાવ્યુ કે ન્યુ વિઝન સ્કુલનું જવલંત પરિણામ ફકત વિદ્યાર્થીઓનુ જ નથી પરંતુ સાથોસાથ માતાપિતાનું પણ છે. પોતાના સંતાનોને બીજા બાળકોથી ઉતરતો ન ગણો કે તેની સરખામણી ન કરો.

તેમણે માતાપિતાને મોબાઇલ નહી પરંતુ તમારો કિંમતી સમય આપો. તમારી હુંફ પ્રેમ અને માર્ગદર્શન જ ઉજજવળ ભવિષ્ય બનાવશે. મોબાઇલ આપો તો તેના વાપરવાની સમય મર્યાદા મુકો. તમારા સંતાનોને લાડ લડાવો પરંતુ એટલી બધી સુવિધા ન આપો કે તે માયકાંગલો બને માતાપિતા ર્નિવ્યસની બને અને બાળકોને સંસ્કાર આપે.

વિદ્યાર્થીઓને નકારાત્મક વિચારોથી દૂર રહી સખત મહેનતથી અભ્યાસ કરવા જણાવેલ. ધો.૧૦માં પ્રથમ ૩ નંબરે આવનાર વિદ્યાર્થીઓ ઢેઢી કેવીન રમેશભાઇ, કામરીયા પ્રિઝસ અશોકભાઇ તથા ભીમાણી સંજના કે ને શૈલેષભાઇ સગપરીયા તથા દિલીપભાઇ બારૈયાના હસ્તે લેપટોપ તથા પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા હતા.

બાકી એ૧ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને ટેબલેટ તથા પ્રમાણપત્રો, ટ્રસ્ટી આર.પી.મેરજા, જગદીશભાઇ બારૈયા, મુકેશભાઇ બારૈયાના હસ્તે અપાયેલ.

કેજીથી ધો.૧૨ સુધીમાં નંબર મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા ઇનામો અપાયેલ. માર્કેટીંગ સેમીનાર અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા સ્ટોલો ઉભા કરી વસ્તુઓનું વેચાણ કરાવેલ. તેમાં ૭૭ હજારનો નફો થયેલ જે આર્મી ફંડમાં અપાયેલ. તે વિદ્યાર્થીઓનુ વિશિષ્ટ રીતે સન્માન કરાયેલ.

સન્માન સમારોહમાં જુડોના દાવ રજૂ કરાયેલ. નાની વિદ્યાર્થીની ધ્રુવી દ્વારા રાજયકક્ષાએ ભાગ લઇ રજૂ કરેલ ગીતો રજૂ કરેલ.

સન્માન સમારોહમાં પ્રિન્સીપાલ કે.ટી.પટેલ, આનંદભાઇ, મનોજભાઇ ઓગાણજા, મોરબી સ્વનિર્ભર શાળા મંડળના પ્રમુખ યોગેશભાઇ ધેટીયા, ટંકારા તાલુકા સ્વ.નિર્ભર શાળા મંડળના પ્રમુખ નિલેશભાઇ કુંડારીયા, (નર્મલ વિદ્યાલય), નરેશભાઇ સાણજા (તપોવન વિદ્યાલય), ત્રંબકભાઇ પંડયા, કલ્પેશભાઇ ફેફર, બીઆરસી ભીમજીભાઇ બારૈયા, વસરામભાઇ જીવાણી, ડો.જયંતિભાઇ જીવાણી તથા ટંકારા સિવીલ કોર્ટના જજ નિરજકુમાર યાદવના હસ્તે ઇનામો પ્રમાણપત્રો અપાયેલ.

ન્યુ વિઝન સાયન્સ એન્ડ કોમર્સ કોલેજના શિક્ષકો દ્વારા કરાયેલ સખત પરિશ્રમથી શાળાનું સુંદર પરિણામ આવેલ. શિક્ષકોનું વિશિષ્ટ સન્માન કરાયેલ હતુ.(૪૫.૯)

 

(12:02 pm IST)