Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ગોંડલમાં રાત્રે પોરબંદરમાં સવારે છાંટા

રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર કચ્છમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો-બફારો યથાવત

રાજકોટ તા.૧૧: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે. અને વાદળાનું પ્રમાણ વધવા લાગતા ગરમી ઘટી છે. જો કે બફારાને કારણે લોકો પરસેવે રેબઝેબ થઇ રહયા છે.

મહત્તમ તાપમાનનો પારો પણ નીચે ઉતરી જતા ૪૦ ડિગ્રી નજીક પહોંચી ગયો છે. અને આ કારણે ગરમીમા ઘટાડો થઇ રહયો છે.

ગઇકાલે મોડી રાત્રીનાં ગોંડલમાં ૨ વખત હળવા છાંટા વરસ્યા હતા. જયારે પોરબંદરમાં આજે વહેલી સવારે છાંટા પડયા હતા જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

કાલે સોૈરાષ્ટ્રભરમાં રવિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉના અને કોડીનાર પંથકમાં ઝરમર ઝાંપટા વરસ્યા હતા. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ સોૈરાષ્ટ્રમાં મેઘમહેર થઇ નથી. જેના કારણે લોકો ચાતક નજરે મેઘરાજાની રાહ જોઇ રહયા છે.

રાજકોટ સહિત સોૈરાષ્ટ્રભરમાં ચોમાસાના પગરવ વહેલા થવાના હવામાન વિભાગે આપેલા સમર્થન બાદ ખાસ કરીને અમરેલી જિલ્લામાં જોરદાર ઝાંપટા વરસી ગયા હતા. દરમિયાન રવિવારે પણ સૂર્ય નારાયણ દિવસભર વાદળો વચ્ચે રહયા હતા. જેથી વાદળછાયાં વાતાવરણના કારણે લોકોએ ગરમીથી આંસિક રાહત અનુભવી હતી. મોડી સાંજે ઉના અને કોડીનાર પંથકમાં પલટાયેલા હવામાન વચ્ચે ઝરમર ઝાંપટા વરસ્યા હતા. ઉના પંથકના કોબ, ચિખલી સહિતના ગામોમાં વરસાદી ઝાંપટાથી રસ્તા ભીના થઇ ગયા હતા. જયારે કોડીનારના કડોદરા, છારા, કાજ જંત્રાવડી, નાનાવડા અને બાવાના પીપળીયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાંપટા વરસતા વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઇ હતી.

ગીર સોમનાથ જિલ્લા સિવાયના સોૈરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ છવાયું હતું. એક તબકકે સુસવાટા મારતો પવન ફુંકાતા લોકહેૈયે મેઘમહેરની આશા બંધાઇ હતી. પરંતુ મેઘરાજાનું આગમન ન થતા લોકો આભ ભણી ચાતક નજરે મેઘમહેરની રાહ જોઇ રહયાં છે.

(11:14 am IST)