Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

કચ્છમાં નવા ૨૪૪ કેસ સાથે કોરોનાના કુલ દર્દીઓનો આંક ૧૦,૦૦૦ને પાર

વધતાં જતાં કેસ અને તબીબી અસુવિધાને પગલે મીડિયાના ટીકાત્મક અહેવાલો બાદ હરકતમાં આવેલ તંત્ર અને નેતાઓની દોડાદોડ, હવે તાલુકા, જિલ્લા કક્ષાએ બેડ, ઓકિસજન, ટેસ્ટ માટે વ્યવસ્થા વધી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૧ : કચ્છમાં કોરોનાના નવા ૨૪૪ કેસ સાથે સારવાર હેઠળ ૩૪૦૬ દર્દીઓ છે. જયારે વધુ ૫ મોત થયા છે. આ વખતે કચ્છમાં કોરોનાની બીજી લહેરની અસર ઘણી ગંભીર જોવા મળી છે. કુલ કેસ ૧૦૦૦૦ને પાર થયા છે. પણ, બીજી લહેરની ગંભીર અસરને પગલે માત્ર ૪૧ દિવસમાં જ ૫૦૦૦ કેસ નોંધાયા છે.

જયારે અગાઉ ૩૭૫ દિવસમાં ૫૦૦૦ કેસ નોંધાયા હતા. ચુંટણી અને ત્યારબાદ સતત કાર્યક્રમોમાં વ્યસ્ત કચ્છના નેતાઓ વધી ગયેલા કોરોના પ્રકોપને પગલે સતત લોકોની ચર્ચા અને નિશાના પર છે. બીજી લહેરમાં કોરોના જીવલેણ બન્યો ત્યાં સુધી તંત્ર નિષ્ફળ રહ્યું અને નેતાઓ નિષ્ક્રિય!! જોકે, કોરોના દરમ્યાન દર્દીઓની લાચારી અને લોકોની હાલાકી અંગે સતત મીડિયાના ટીકાત્મક અહેવાલોની સાથે બે પત્રકાર પરિષદો માં નેતાઓ અને તંત્ર ઉપર થયેલી સવાલોની ઝડી વરસી હતી. હવે, તંત્ર અને નેતાઓ દોડાદોડ કરી રહ્યા છે.

કોરોના પ્રકોપ દરમ્યાન લોકોની મુશ્કેલીઓ વચ્ચે પણ જિલ્લા અને તાલુકા કક્ષાએ સતત સમીક્ષા બેઠકો સાથે તંત્રને દોડતું રાખનાર નેતાઓ હવે તાલુકા અને જિલ્લા મથકે નવા કોવિડ કેર સેન્ટરના ઉદ્દઘાટન, મુલાકાત સાથે તંત્રને વ્યસ્ત રાખી રહ્યા છે. ખરેખર તો જયાં તબીબી અસુવિધા અને રસીની અછત અંગેની ફરિયાદો છે ત્યાં જવું જોઈએ.

જોકે, અગાઉની જેમ જ કચ્છમાં ફરી એક વખત આપત્તિના આ સમયે સ્વૈચ્છિક સંસ્થાઓ તેમ જ ઉદ્યોગ ગૃહો લોકસેવા માટે આગળ આવ્યા છે. કોવિડ કેર સેન્ટર માં બેડ સાથે ઓકિસજન વ્યવસ્થા વધી છે. પણ, હજીયે ઈન્જેકશન અને વેન્ટિલેટર બેડ માટે દર્દીઓને મુશ્કેલી છે.

(11:02 am IST)