Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

પરિવારમાં માતા-પિતા પોઝીટીવ આવ્યા તેમ છતાં પોતાની ફરજ ચુકયા નથી પાટડીના સ્ટાફ નર્સ સાહરભાઈ શેખ

સુરેન્દ્રનગર, તા.૧૧: સાહરભાઈ શેખા પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ટાફ નર્સ તરીકે છેલ્લા એક વર્ષથી કોવિડ વોર્ડમાં કામ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલાં જ પાટડી સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે કોવિડ કેર સેન્ટર બનાવાયું અને સાહરભાઈને ત્યાં ડ્યુટી સોંપવામાં આવી. આવા સમયે તેમના માતા-પિતા બંને એકસાથે પોઝિટિવ આવે છે, પરિવાર પર આવું સંકટ આવે ત્યારે માણસ ચિંતિત થાય એ સ્વાભાવિક છે. તેમ છતાં સાહરભાઈ પોતાની ફરજનિષ્ઠા કયારે ભૂલ્યા નથી. અને બિનચૂક કોવિડ વોર્ડમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ડ્યુટી સિવાયના સમયગાળામાં પણ જો કોઈનો ફોન આવે તો ત્યાં તરત જ પહોંચીને દર્દી ઝડપથી સાજો થઈ જાય તેવી તત્પરતાથી સેવા કરી રહ્યા છે.

સાહરભાઈ જણાવે છે કે, શરૂઆતમાં હું પાટડી સામૂહિક કેન્દ્ર ખાતે આવેલ કોવિડ વોર્ડમાં ફરજ બજાવતો હતો, ત્યારબાદ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે બનાવવામાં આવેલ કોવિડ કેર સેન્ટરમાં દિવસ અથવા રાત્રીના કોઈપણ સમયે બાર કલાકની ડ્યુટી કરું છું. અહીં આવનાર તમામ દર્દીઓને દવા, ઓકિસજન લેવલ તપાસવા જેવી સારવાર અમે બધા આરોગ્ય કર્મી સાથે મળીને કરી રહ્યા છીએ.

(10:59 am IST)