Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

તળાજાના નાની માંડવાળી ગામે એકમાત્ર આધારસમો બોર પણ ડુકી ગયો, ૨૦ દિ' થી પીવાના પાણીના ધાંધીયા

નર્મદાની લાઇન તો નંખાઇ.. પણ ૧૦-૧૨ વર્ષથી તુટેલી હાલતમાં: રાત્રે પણ વાડીઓમાં મહિલાઓને બેડા પાણી માટે જવુ પડતુ હોવાનો સુર

ભાવનગર તા.૧૧: ગુજરાતભરમાં ઉઠેલા ઠેર-ઠેર પાણીના પોકારો વચ્ચે તળાજાના નાની માંડવાળી ગામે પણ રોજીંદા જોઇતા પાણી માટે વોટર શેડ યોજનાનો એકમાત્ર બોર હતો, તે વીસ દિવસથી ડુકી જતા પીવાના પાણી માટે મહિલાઓને વાડીઓમાં જવું પડે છે.

આ અંગે સરપંચ ભુપતભાઇ ગઢવી અને સભ્યોએ જણાવ્યું છે કે, છેલ્લા વીસેક દિવસથી પાણીનો કકડાટ ભારે અછતને લઇ શરૂ થયો છે. ગામમાં વોટરશેડ યોજનાનો એકમાત્ર બોર ચાલુ હાલતમાં હતો તે છેલ્લા, વીસ દિવસથી તળીયા ઝાટક થયો છે.

નર્મદાના પાણીની લાઇન નાંખવામાં આવેલ છે. પણ છેલ્લા દસ-બાર વર્ષથી તુટેલી હાલતમાં હોવાથી પાણી જ મળતુ નથી!!

ગામમાં પીવાના પાણી માટે જાહેર સ્ત્રોત એકપણ નથી. પશુઓ માટે પાણી કયાંથી લાવવું? તેની હાડમારી છે, અવેડાઓ પણ ખાલીખમ હોવાથી સોૈ લોકોમાં ચિંતાનું મોજુ પ્રસરી વળ્યું છે.

દરમિયાન લોકો કહી રહયા છે કે પીવાના પાણી માટે આસપાસની વાડીઓમાં જવું પડે છે. રાત્રે લાઇટનો સમય હોય તો અડધી રાત્રે પણ વાડીઓમાં મહિલાઓને નાછુટકે પાણી ભરવા જવું પડે છે.

 પાણી વેદના એવી છેકે, અડધી રાત્રે પણ ગામની મહિલાઓ સીમ-સીમાડાઓમાં ભટકતી જોવામળે છે.

આ બાબતે સરકાર તાકીદે પાણી માટે કુવો અથવા બોરની વ્યવસ્થા કરે તેવી આગેવાનો એ ડે કલેકટરને પણ રજુઆત કરેલ છે.

(1:13 pm IST)