Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

મુખ્યમંત્રીની મુલાકાતના 48 કલાક બાદ મોરબીવાસીઓ હજુ પણ લાચાર જ, પરિસ્થિતિ જૈ સે થે…: મુલાકાત વેળાએ થયેલી જાહેરાતો બણગા સાબિત થયા : હોસ્પિટલમાં હજુ કોઈ બેડ વધ્યા નથી, રેમડીસીવીર ઇજેક્શન હજુ પણ મળતા નથી : કટોકટી વેળાએ તંત્ર સંપૂર્ણ નાકામ થતા ભારે લોકરોષ

ઓક્સિજનવાળા બેડ માટે વલખાં મારતા દર્દીના પરિવારજનો : મોરબી આખું ભગવાન ભરોષે

મોરબી : મોરબીમાં કોરોનાએ રીતસરનો કહેર મચાવ્યો હોય તંત્ર સંપૂર્ણ રીતે અસમર્થ સાબિત થયું છે. છતાં પણ તંત્ર પરિસ્થિતિ કાબુમાં હોવાના આસમાની દાવા કરી પ્રજાને સત્યથી ભટકાવી રહ્યું છે. આ દરમિયાન સીએમએ પણ મોરબીની મુલાકાત લઈને મોટી મોટી જાહેરાતો કરી હતી. પણ 48 કલાક વીત્યા છતાં આ જાહેરાત પ્રમાણે કોઈ વ્યવસ્થા હજુ સુધી થઈ ન હોય સીએમની જાહેરાતો માત્ર બણગા જ સાબીત થયા છે.
મોરબી જિલ્લામાં કોરોના આતંક મચાવી રહ્યો છે. તંત્ર સંપૂર્ણ રીતે નાકામ રહ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ મોરબીની મુલાકાત લઈને 48 કલાકમાં લેબ ઉભી કરવા, રેમડેસીવીર ઈન્જેકસનનો જથ્થો મોકલવા અને બેડની સંખ્યા વધારવાની મસમોટી જાહેરાત કરી નાખી હતી. ઉપરાંત તેઓએ જમીની વાસ્તવિકતા જાણ્યા વગર જ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરી નાખ્યો હતો.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જાહેરાત બાદ પ્રજામાં આશા જાગી હતી કે તેઓની સૂચનાથી મોરબીમાં તંત્ર પૂરતી વ્યવસ્થા ગોઠવશે. પણ 48 કલાક વીતી ગયા હોય માત્ર તબીબોની ટીમ આવ્યા સિવાય બીજી કોઈ વ્યવસ્થા થઈ ન હોવાનું સામે આવ્યું છે. એટલે મુખ્યમંત્રી વિજયભાઈની મુલાકાત કોઈ કાંદો કાઢી શકી ન હોય પ્રજામાં પણ ભારોભારની રોષની લાગણી જન્મી છે.
હાલ મોરબીની પરિસ્થિતિ સંપૂર્ણ રીતે ભગવાન ભરોષે છે. મોરબીમાં દર્દીઓના પરિવારજનો ઓક્સીજન બેડ અને વેન્ટિલેટર માટે જામનગર, રાજકોટ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં રઝળપાટ કરી રહ્યા છે. બીજી તરફ મોરબીમાં મોતનું તાંડવ પણ યથાવત રહ્યું છે. ઓક્સીજનની સુવિધા કે અન્ય કોઈ સુવિધા સમયસર ન મળવાથી દરરોજ દર્દીઓના મોત નિપજી રહ્યા છે. અને તંત્ર વ્યવસ્થા વધારવાના માત્ર દાવા કરીને આ મોતને છુપાવવામાં વ્યવસ્ત હોવાનું લાગી રહ્યું છે.
મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત પરિસ્થિતિની ભયાનકતાનું વાસ્તવિક ચિત્ર રજૂ કરી દયે છે. જે કોઈ અધિકારી કે નેતા મોરબીની પરિસ્થિતિ કાબુમાં હોય તેવા દાવા કરી રહ્યા છે તેઓ એક વખત માત્ર સિવિલ હોસ્પિટલની મુલાકાત લ્યે તેવો અનુરોધ છે. ઉપરાંત હાલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ જેટ ગતિએ વધી રહી છે તે પણ ચિંતાનો વિષય છે. માટે લોકો શક્ય હોય ત્યાં સુધી બહાર નિકળવાનું ટાળે અને તમામ તકેદારી રાખે તેવી અપીલ કરવામાં આવે છે.
મોરબીના સ્મશાનોમાં વેઇટિંગની સ્થિતિ છે. દર્દીઓ યોગ્ય સારવારના અભાવે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. ત્યારે મોરબીને આ સ્થિતિમાંથી બહાર લાવવા રાજકીય અને સામાજિક તેમજ ઔદ્યોગિક આગેવાનો તાત્કાલિક આગળ આવે તે અત્યંત જરૂરી છે.
બીજી તરફ મોરબીમાં હજુ પણ કોરોનાના ક્રિટિકલ દર્દીઓની સારવાર માટે જરૂરી રેમડીસીવીર ઇજેક્શન જરૂરિયાત મુજબ મળતા નથી. અને એક ચર્ચા મુજબ ભાજપના સાંસદ મોહન કુંડરિયાનાની ભલામણ વાળા લોકોને આસાનીથી મેડિકલ સ્ટોર માંથી ઇંજેક્શન મળી રહ્યા છે. જોકે આ મુદ્દો તંત્રના ધ્યાને આવતા હાલ મળતી માહિતી મુજબ તંત્રએ મેડિકલ સ્ટોરમાં રેમડીસીવીર ઇજેક્શનનું વેચાણ અટકાવી આ જથ્થો સીધો કોવિડ હોસ્પિટલમાં ફાળવી દેવાયો છે. જોકે આ મૂદે કલેકટર તંત્ર કે મોહન કુંડારીયાનું કોઈ ઓફિશિયલી નિવેદન આવ્યું નથી.
જ્યારે મોરબી સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા ઓક્સીઝન બેડ વધારવા માટે કામગીરી શરૂ કરાયાનું જાણવા મળ્યું છે. જોકે રવિવાર સુધી કોઈ બેડ વધ્યા નથી. અને આગામી ત્રણ-ચાર દિવસ સુધી સિવિલમાં નવા બેડ વધે તેવી કોઈ શકયતા દેખાતી ન હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું.
જ્યારે મુખ્યમંત્રીએ મોરબી સિવિલમાં 48 કલાકમાં કોરોનાની લેબ શરૂ કરવાના દાવાની વચ્ચે મોરબીમાં આ લેબ મંગળવાર સુધીમાં શરૂ થાય તેવી શકયતા છે. આમ તંત્ર મોરબીમાં સબ સાલામત હોવાના અને જરૂરી સુવિધા વધારવાના કરેલી જાહેરાતો જમીની હક્કીક્ત પર ક્યાંય જોવા મળતી નથી.
મોરબીમાં કોરોનાના દર્દીઓ રોકેટ ગતિએ વધી રહ્યા છે. અને તેમાં પણ કોરોનાના ક્રિટિકલ દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહ્યા છે. અને આ દર્દીઓને સરકાર યોગ્ય સારવાર આપવામાં સંપૂર્ણ નિષ્ફળ ગયું છે. અને દર્દીઓ હાલ રામભરોષે હોય તેવી ગંભીર સ્થિતિનું મોરબીમાં નિર્માણ થયું છે. ત્યારે હવે તંત્ર જમીની વાસ્તવિકતાનો સ્વીકાર કરી તાબડતોબ લોકોને યોગ્ય સારવાર મળે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરે તે અત્યંત જરૂરી છે

(5:08 pm IST)
  • રાજકોટમાં એક કલાસીસ ઉપર દરોડો : દરોડાથી બચવા વિદ્યાર્થીઓને ચોપડા વગર આવવા અને બાઇક-સ્કુટર દૂર પાર્ક કરવા કહેવાયું હતું : દરોડા બાદ કલાસીસ સંચાલકો જવાબ ન આપી શકયા access_time 4:21 pm IST

  • કોરોનાનો કહેર વધતા ઈરાનમાં 10 દિવસનું લોકડાઉન જાહેર: ઓફિસમાં તેના ત્રીજા ભાગના કર્મચારીઓની હાજરીનો આદેશ: તેહરાન અને દેશના 250 અન્ય શહેરો અને નગરોને ‘રેડ ઝોન’ તરીકે ઘોષિત કરાયા : તમામ ઉદ્યાનો, રેસ્ટોરાં, બેકરીઓ, બ્યુટી પાર્લરો અને મોલ્સ પણ લોકડાઉન હેઠળ આવશે.: શનિવારે ઈરાનમાં 19,600 થી વધુ નવા કેસ નોંધાયા : 193 દર્દીઓનાં મોત નીપજ્યાં access_time 12:56 am IST

  • તામીલનાડુ ચુંટણી માટે બંદોબસ્તમાં ગયેલા ૩૯રમાંથી ૪૭ SRP ના જવાનો થયા સંક્રમિત : તમામના RTPCR ટેસ્ટ કરવા નિર્ણય : હાલ તમામને હોમ કોરોન્ટાઇન થવા આદેશ કરાયો access_time 4:22 pm IST