Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

તાંત્રિક વિધીથી સોનાની ઇંટોની લાલચ આપીને ૯૯ લાખની છેતરપીંડી

ભોગ બનેલા ભોગાતનાં ર વ્યકિતઓની કલ્યાણપુર તાલુકાના હનુમાનગઢ (કેનેડી)-જામનગરનાં પિતા હરીશ લાબડીયા અને પુત્ર આકાશ સામે પોલીસ ફરિયાદ

ખંભાળિયા તા.૧૧:કલ્યાણપુર તાલુકાના હનુમાનગઢ (કેનેડી) અને હાલ જામનગર ખાતે રહેતા પિતા-પુત્રએ તાંત્રિક વિધિના બહાને વધુ પૈસા કમાવાની  સાથે સોનાની ઇંટો આપવાની લાલચ આપી કટકે-કટકે ભોગાતના બે વ્યકિતઓ પાસેથી રૂ. ૯૯ લાખ ખંખેર્યા હોવાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવી છે.

અંધશ્રધ્ધા અને વધુ પેૈસાની લ્હાયમાં ગધી એન ફારીયું બન્ને જાય તે કહેવત સાચી ઠરે છે.કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા કનાભાઇ લખુભાઇ ભાટીયાએ પોલીસ ફીરયાદ નોંધાવી છે કે તે અને તેમના મિત્ર છગનભાઇ કરંગીયાને ગામના જ એક વ્યકિત મારફત કલ્યાણપુરના હનુમાનગઢ (કેનેડી) અને હાલ જામનગર રહેતા હરીશ મનુભાઇ લાબડીયા અને તેમનો પુત્ર આકાશ હરીશભાઇ લાબડીયા તાંત્રિક વિધી જાણતા હોય અને તમામ દુઃખ દર્દ દૂર કરી નશીબમાં રહેલ ગુપ્ત ધન વિશેની જાણકારી આપતા હોય આથી વધુ પેૈસાની લાલચમાં આવી ફરિયાદી તથા સાહેદ તેમની પાસે જતા સાચી-ખોટી વાતો કરી વિશ્વાસમાં લઇ ગાઢ સંબંધો બાંધી ફરિયાદી પાસેથી પ્રથમ રૂ. ૭૦,૦૦૦ ઉછીના પેટે લઇ વધુ વિશ્વાસ કેળવી તમારા નશીબમાં ગુપ્ત ધન છે અને પોતા પાસે રહેલી વિદ્યાથી સોનાની ઇંટો બનાવી આપશે તેવું કહી ખંભાળિયાના દાત્રાણા ગામે આવેલ મંદિર પાસે ગુપ્તધન દાટયું હોવાનું જણાવી ખોટા સોના જેવા સિક્કાઓ બતાવી ફરિયાદી પાસેથી ઇંટો મંગાવી અને તે વિધિ કરી થોડા સમયમાં ઇંટો સોનાની કરી આપશે તેવી લાલચ આપી કટકે કટકે ફરિયાદી કાનાભાઇ પાસેથી રૂ. અધધધ... ૮૦ લાખ અને સાહેબ છગનભાઇ પાસેથી રૂ. ૧૯ લાખ પડાવી લેતા હજુ પણ ફરિયાદી તથા સાહેબ વધુ વિશ્વાસ રાખી સોનાની ઇંટો માગતા ધતીંગ આચરતા તાંત્રિકે કાચી ઇંટો આપી અને કહયું કે તમે ઇંટો વહેલી લઇ લીધી છે આથી હજુ સોનાની થઇ નથી જે બાદ ફરિયાદી તથા સાહેદ છેતરાયા હોવાનું લાગતા કલ્યાણપુર પોલીસ મથકમાં ઉપરોકત બંન્ને પિતા પુત્ર વિરૂદ્ધ છેેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા પિતા-પુત્ર વિરૂદ્ધ કલમ ૪૦૬,૪૨૦, ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચાર મહીના પહેલા પણ કલ્યાણપુર પોલીસમાં  અરજી કરી હતી છતાં  કાર્યવાહી ન થઇ : ફરીયાદ

છેતરપિંડીનો ભોગ બનેલા ફરીયાદી ભાયાભાઇ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, બન્ને પિતા-પુત્રએ અમારી સાથે છેતરપીંડી કરી કટકે-કટકે રૂ. ૯૯ લાખ પડાવી લીધા હોવાનો પ્રથમ અરજી કલ્યાણપુર પોલીસ મથકમાં આપી હતી, પરંતુ આજદિન સુધી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા અંતે ગત તા. ૧૦ના વિધિવત રીતે ફરીયાદ નોંધાવવામાં આવી છે. આથી પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઉઠયા છે.

અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપીંડી કર્યા હોવાની આશંકા

ફરીયાદીના કહેવા પ્રમાણે ભોગાત ગામના જ પાંચથી છ વ્યકિતઓ આ તાંત્રીક પિતા-પુત્રની પાસે જતા હોતા તેઓ પાસે રહેલી વિદ્યાર્થી ઘરે આવનાર તમામને સંમોહિત કરી દેતા બધા લોકો તેમને જ જોતા હોવાથી તેની વાતોમાં આવી કટકે-કટકે લાખો રૂપિયા આપયા છે. જેના લીધે અનેક લોકો દેવાના ડુંગર નીચે પીસાઇ રહ્યા છે. તો અન્ય એક ખેડૂતે ૧૦ વર્ષની મોસમના પૈસા અને સોનાના ઘરેણા પણ વહેંચી દઇ તાંત્રીકને પૈસા આપતા હાલ ખેડૂત પર ૪૦ લાખનું કર્જ હોવાનું જણાવ્યું હતું. વધુમાં તાંત્રીકે માનવ બલી ચડાવવા માટેનું પણ ફરીયાદીને જણાવ્યું હતું. આથી પોલીસ દ્વારા તટસ્થ તપાસ હાથ ધરી બંન્ને પિતા-પુત્રને ઝડપી પાડી આકરી પૂછપરછ કરશે તો અત્યાર સુધીમાં કેટલાક લોકોને છેતરી લાખો-કરોડો રૂપિયા પડાવ્યા તે અંગેની વિગતો બહાર આવી શકશે.

(1:34 pm IST)