Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

'ઓમ ખોડિયાર માતાય નમઃ'ના ૮૫ હજાર મંત્ર જાપથી ખોડલધામ ગુંજી ઉઠયુ

રાજકોટઃ. ચૈત્રી નવરાત્રીમાં વિશેષ રીતે ઉજવણી કરવાનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કરાયું છે. વિશ્વ પ્રસિદ્ધ ખોડલધામ મંદિર-કાગવડ ખાતે ચૈત્રી નવરાત્રીના નવે નવ દિવસ ભકિતમય કાર્યક્રમો થકી માં ખોડલની આરાધના કરાઈ રહી છે. પાંચમાં નોરતે પણ માં ખોડલની આરાધના કરવા મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડયા હતા. ખોડલધામ ખાતે માં ખોડલની વિશેષ પૂજા-અર્ચના કરવા ખોડલધામ મહિલા સમિતિ દ્વારા ભકિતમય કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. દરરોજ હજારો મહિલાઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા આવી રહી છે. પાંચમા નોરતે જેતપુર, ચાંદલી અને તોરી અને રાજકોટ મહિલા સમિતિની મોટી સંખ્યામાં મહિલાઓ ખોડલધામ ખાતે આવી હતી અને રંગોળી, રાસ-ગરબા, કિર્તન અને માતાજીને ચુંદડીઓ અર્પણ કરી હતી. જેતપુર, ચાંદલી અને તોરીથી આવેલી મહિલા સમિતિની બહેનોએ માતાજીને ચુંદડી અર્પણ કરી હતી અને ખોડલધામ મંદિર પરિસરમાં સરસ મજાની રંગોળી તૈયાર કરી હતી. ખોડલધામમાં ચૈત્રી નવરાત્રીના નવ દિવસ સુધી દરરોજ મા ખોડલના મંત્ર જાપ કરવામાં આવી રહ્યા છે. 'ઓમ ખોડિયાર માતાય નમઃ' ૮૫ હજાર જેટલા મંત્ર જાપ પાંચમાં નોરતે કરવામાં આવ્યા હતા. મંત્ર જાપના કારણે મંદિર પરિસરમાં ભકિતમય માહોલ સર્જાયો હતો. આ પ્રકારના ભવ્ય કાર્યક્રમો ચૈત્રી નવરાત્રીના નવે નવ દિવસ કરવાનું આયોજન કરાયું છે. ચૈત્રી નવરાત્રીના નવ દિવસ સુધી મહિલા સમિતિ દ્વારા આયોજીત ભકિતમય કાર્યક્રમોની સાથે દરરોજ હજારો શ્રધ્ધાળુઓ મા ખોડલના ધામમાં આવી રહ્યા છે. જેથી કાર્યક્રમમાં આવનાર બહેનો અને દર્શનાર્થીઓને કોઈ દુવિધા ઉભી ન થાય તે માટે ખોડલધામ મહિલા સમિતિની બહેનો ખડેપગે હોય છે.

(1:28 pm IST)