Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

જસદણ પાલિકાના સત્તાધિશોની દિર્ધ દ્રષ્ટીના અભાવે ફરી પાણી માટે ટેન્કર યુગનો પ્રારંભ

ઉનાળાના પ્રારંભે જ આ સ્થિતિ છે તો ભવિષ્યમાં શું થશેઃ લોકોને ચિંતા ૨૪ વર્ષના શાસનમાં એકપણ ચીફ ઓફિસરે પાણી પ્રશ્ન ઉકેલ્યો નથી

જસદણવાસીઓને ટેન્કર દ્વારા પાણી વિતરણ થતું નજરે પડે છે.(તસ્વીરઃ હુસામુદ્દીન કપાસી)

જસદણ તા.૧૧: જસદણમાં આધુનિક સમયમાં કેટલાક વિસ્તારોમાં પાણીના ટેન્કરો હજુ ઉનાળાના પ્રારંભે થતાં લોકોમાં ભારે અચરજ ફેલાયું છે. ઝડપી યુગમાં વિકાસની વાતો વચ્ચે હાલમાં જસદણને આઠ દસ દિવસે પાણી મળી રહ્યું હોવાથી લોકોમાં રાડ બોલી ગઇ છે.

૧૯૯૫થી જસદણને નગરપાલિકાનો દરજજે પ્રાપ્ત થયાં બાદ પ્રજાને દરરોજ પાણી મળતું નથી. એ હકીકત છે. અને પાલિકાએ આ ગાળામાં વિવિધ વેરાઓ વધારી બિનજરૂરી ખર્ચા કર્યા છેે. બે ચાર છ આઠ દસ દિવસે પાણી આપી વર્ષમાં માત્ર ૭૫ દિવસ પાણી આપી બારેમાસનો વેરો વસુલ કરે છે. શહેરમાં અનેક વિસ્તારોમાં હજારોની સંખ્યામાં લોકોએ પોતાના બંગલા, ઘર, કારખાના અને શાળા, ફેકટરીઓ, દુકાનોમાં ભુતિયા નળ જોડાણ લઇ લીધા છે. અને એમાંથી માત્ર બેપાંચની સંખ્યામાં નવા જોડાણ કપાયા છે.

છેલ્લા ૨૪ વર્ષના ગાળામાં એકપણ ચીફ ઓફિસર અને પ્રમુખે જસદણને ભવિષ્યમાં પાણીની તંગી ઉભી થશે. એવા વિચારથી કાયમી પોતાનો કહી શકાય એવા વિચારથી કાયમી પોતાની કહી શકાય તેવો પાણીનો સ્ત્રોત શોધી શકયા નથી. પાલિકા પાણી મેળવે છે તે આલણસાગર તળાવ પણ નાની સિંચાઇ હસ્તક છે.

જયારે જયારે શહેરમાં પાણીની તંગી ઉભી થાય ત્યારે અમુક લત્તાઓમાં પાણીના દાર બનાવી ટાંકી મુકી સ્ટેન્ડ પોષ્ટો પણ મુકાવ્યા પણ આ સ્ટેન્ડ પોષ્ટો કેટલાય વિસ્તારોમાંથી ગુમ થયાને વર્ષો વિતી ગયા તો પણ એકપણ પોલીસ ફરીયાદ થઇ નથી. પાણી માટે જસદણમાં સમ્પ, ઓવરહેન્ડ ટેન્ક, પાઇપલાઇન, મોટરોમાં અબજો રૂપિયાનો ખર્ચ કર્યો પણ જસદણમાં હજુ કેટલાંય વિસ્તારોમાં લોકોને ઇલે. મોટરથી પાણી ખેંચવું પડે છે ત્યારે જ નળમાં પાણી આવે છે.

 નવાઇની વાત એ છે કે પાલિકા આને પાણી ચોરી ગણતી જ નથી! એકપણ નાગરિકને ઇલે.મોટર વડે પાણી ખેંચવાનો આજ સુધી પાલિકાએ દંડ કર્યો નથી!!

શાસકો પાણીની લાંબા ગાળાની યોજના સાકાર કરી શકયા નથી. હવે સરકાર પાસે ખોળો પાથર્યો છે કે અમને નર્મદાનું પાણી આપો. અત્યારે પાલિકાએ લાખો રૂપિયાના બિલોના ચુકવણાં બંધ રાખી જસદણના નાગરિકોને ત્રણ દિવસે પાણી આપવું જોઇએ અને ટેન્કટર પ્રથા બંધ કરવી જોઇએ. એવી લોકોમાં વ્યાપક માંગણી ઉઠવા પામી છે.

(11:50 am IST)