Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

વિંછીયાના હડમતીયાના કોંગી કાર્યકરને પોલીસે માર મારતાં રાજકોટ દાખલ કરાયો

લોકસભાના કોંગી ઉમેદવારે રાજકોટ હોસ્પિટલે પહોંચી ખબર અંતર પુછ્યાઃ પેટ્રોલ પંપ સંચાલક જયંતિ જાડા કોંગી કાર્યકર પણ છેઃ પોલીસે તેના સહિત છને જૂગાર રમતાં પકડ્યા બાદ મારકુટ કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૧: વિંછીયાના મોટા હડમતીયા ગામે રહેતાં અને ગામમાં પેટ્રોલ પંપ ધરાવતાં તેમજ કોંગી કાર્યકરની છાપ ધરાવતાં જયંતિભાઇ નાથાભાઇ જાડા (ઉ.૩૬) નામના કોળી યુવાન સહિતનાને વિંછીયા પોલીસ મથકમાં માર મારવામાં આવતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ છે. આ યુવાનના ખબર અંતર પુછવા રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઇ કગથરા હોસ્પિટલે દોડી આવ્યા હતાં.

જયંતિભાઇ જાડાએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલા પોતાના સહિત છ જણાને વિરજી શીવાભાઇ જાડાની વાડીમાં જૂગાર રમતી વખતે પોલીસે પકડ્યા હતાં. એ પછી વિંછીયા પોલીસ મથકમાં પોલીસમેને મુકેશભાઇએ પટ્ટાથી માર માર્યો હતો. બધાને મારકુટ કરવામાં આવી હતી. પરંતુ પોતાને વધુ ઇજા થઇ હોઇ સારવાર માટે દાખલ થવું પડ્યું છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે વિંછીયા પોલીસને જાણ કરી હતી. જયંતિભાઇના સગા હરસુખભાઇ કેશુભાઇના કહેવા મુજબ જયંતિભાઇ કોંગી કાર્યકર છે.

(11:50 am IST)