Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

વિરપુર પાસેના મેવાસા ગામે ભકત પૂ.રામબાપાની જગ્યામાં રામનવમી ઉજવાશે

રામજન્મોત્સવ-યજ્ઞ-મહાપ્રસાદ-સન્માન-લોકડાયરાનું આયોજન

વીરપુર, તા.૧૧: સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના આસ્થાના પ્રતીક એવા મેવાસા ગામે આવેલ ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના સંત શ્રી ભકત રામબાપાની જગ્યામાં રામનવમી મહોત્સવ ધામધૂમથી ઉજવવા શ્રી સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે,જેમાં ભગવાન શ્રી રામના જન્મોત્સવને ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવશે તેમજ રામનવમીના પવિત્ર દિવસે પૂજય સંત શ્રી રામબાપાના મંદિરે ૧૦૮ કુંડી યજ્ઞ-હવન યોજાશે તેમજ ધ્વજારોહણ,મહાપ્રસાદ, સાથે સાથે એક સન્માન કાર્યક્રમ પણ યોજાશે.

 જેમાં ખાંટ રાજપૂત સમાજનું અને દેવધરીયા પરિવારનું પુરી દુનિયા નામ રોશન કરનાર સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સ-૨૦૧૯ અબુધાબી-દુબઈ ખાતે સાયકલિંગમાં સિલ્વર મેડલ વિજેતા નયન દેવધરીયાનનું સન્માન પણ જ્ઞાતિ આગેવાનો દ્વારા કરવામાં આવશે તેમજ પૂજય ભકત શ્રી રામબાપાની જગ્યામાં દાન રૂપે આપેલ પ્લોટના દાતાશ્રીઓનું સન્માન પણ કરવામાં આવશે, રાતે સત્યનારાયણ ભગવાનની કથા તથા રાત્રે ભવ્ય લોકડાયરો પણ યોજાશે.

 આ લોકડાયરામા પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી, નીતિનભાઈ મુળીયા, પૂનમબેન રાઠોડ(દેવધરીયા), પાયલબેન ગુજરાતી, સિધ્ધરાજ ચાવડા (બાળ કલાકાર), અરવિંદભાઈ સોલંકી, ધીરુભાઈ વાદ્યેલા, ભગવનજીભાઈ ગુજરાતી, સુધીરભાઈ રાઠોડ સહિતના નામી અનામી કલાકારો લોકસાહિત્ય તેમજ ભજન સંતવાણીમાં પોતાની કલા પીરસસે.

પૂજય સંત શ્રી રામબાપાની જગ્યા મેવાસા મુકામે ભવ્ય લોકમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમજ આ રામનવમી મહોત્સવ ધામધૂમથી ઉજવવા એક ઉત્સવ સમિતિની રચના પણ કરવામાં આવી હતી,આ રામનવમી મહોત્સવના અધ્યક્ષ સ્થાને ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના મુકેશભાઇ ઝાલા તેમજ પ્રમુખ તરીકે ભુપતભાઇ સોલંકીના માર્ગદર્શન હેઠળ ગામે-ગામથી ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના એક હજાર જેટલા યુવાનો સ્વય સેવક તરીકે આ રામનવમી મહોત્સવમાં સેવા આપશે.

પૂજય રામબાપાના મંદિરે રામનવમી મહોત્સવ ૨૦૧૯માં ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના આગેવાનો, અગ્રણીઓ, વડીલો, યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શ્રી રામનવમી ઉત્સવ સમિતિની એક યાદીમાં જણાવાયું છે.

(11:48 am IST)