Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

કચ્છ જિલ્લામાં લોકોને પાણીની મુશ્કેલી ન પડે તે જોવા કલેકટર રેમ્યા મોહનનો નિર્દેશ

ચુંટણી કામગીરીની વ્યસ્તતા વચ્ચે પણ અછત-પાણી પ્રશ્નો ચર્ચાયા

ભુજ, તા.૧૧: લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ની કામગીરીની સતત વ્યસ્તતા વચ્ચે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અછત રાહત સમિતિ અને પાણી સમિતિની બેઠકો યોજી કચ્છમાં અછત અને પાણીની મુશ્કેલી નિવારવા જિલ્લા  કલેકટર શ્રીમતી રેમ્યા મોહન દ્વારા દ્યાસ-પાણી સમિતિના સલગ્ન અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી.જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનની ઉપસ્થિતિમાં ગઇકાલે સાંજે યોજાયેલી જિલ્લા અછત રાહત સમિતિની અને જિલ્લા દ્યાસ-પાણી સમિતિની બેઠકમાં ચૂંટણીની સાથે કચ્છની હાલની અછતની પરિસ્થિતિને નજર સમક્ષ રાખી બેઠકમાં પાણીની સમસ્યાઓ નિવારવા અંગે પણ વિગતવાર સમીક્ષા હાથ ધરી હતી.

બેઠકમાં ખાસ કરીને પાણીની સમસ્યાને પહોંચી વળવા વહીવટી તંત્રને મળેલી વિવિધ પાણી અંગેની સમસ્યાની લેખિત ફરિયાદો અંગે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને આવી લેખિત ફરિયાદો અને રજૂઆતોનો ત્વરિત નિકાલ કરવા નિર્દેશ આપ્યો હતો.

તાલુકા કક્ષાએ સંબંધિત પ્રાંત અધિકારીઓની અધ્યક્ષતામાં દર અઠવાડિયે યોજાતી  તાલુકા અછત સમિતિની બેઠકમાં લેવાયેલાં મુદ્દાઓની પણ બેઠકમાં ચર્ચા કરાઇ હતી અને તમામ અધિકારીઓને પાણીને લગતી કોઇપણ રજૂઆતો આવ્યેથી તાત્કાલિક ધ્યાને લઇ કોઇપણ નાગરિકને પાણી બાબતે સમસ્યા કે અગવડ ઊભી ન થાય તે મુજબની નકકર વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી હતી.

જિલ્લા સમાહર્તાશ્રી દ્વારા દ્યાસ વિતરણ ઉપરાંત ઢોરવાડાની તપાસણી અંગેની સમીક્ષા પણ કરવામાં આવી હતી. જિલ્લાકક્ષાએ હાલે બે ફલાઇંગ સ્કોડ દ્વારા ઉપરાંત પ્રાંતકક્ષાએથી પણ ઢોરવાડાની નિયમિત તપાસણી હાથ ધરવા અને ઢોરવાડાને લગતી સમસ્યાઓનો ત્વરિત નિકાલ થાય તે બાબત સુનિશ્યિત કરવા પ્રાંત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી કે.એસ.ઝાલા, પાણી પુરવઠાના અધિક્ષક ઇજનેરશ્રી એલ.જે.ફુફલ, અછતના નાયબ કલેકટરશ્રી એન.યુ.પઢાણ, ભુજ પ્રાંતશ્રી આર.જે.જાડેજા, પાણી પુરવડા વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી પી.એ.સોલંકી, અછત મામલતદારશ્રી બી.એચ.ઝાલા સહિત જિલ્લા અછત રાહત સમિતિ અને જિલ્લા ઘાસ-પાણી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

(11:46 am IST)