Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

દ્વારકા જિલ્લાના ૧૪૪૦ દિવ્યાંગ મતદારો માટે ૩૮ વ્હિલચેર તથા ૪૭ સહાયકોની વ્યવસ્થા

દેવભૂમિ દ્વારકા, તા.૧૦: દેવભૂમિ દ્વારકા તા.૧૦, આગામી લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૯નું મતદાન આગામી તા.૨૩ના રોજ યોજાનાર છે આ મતદાનમાં દિવ્યાંગ મતદારો મતદાનથી વંચિત ન રહી જાય અને મતદાન કરવામાં મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવેલ છે.  દ્વારકા જિલ્લાના એકસેબલ ઓબ્ઝર્વર નલીન ઠાકરના અધ્યક્ષ સ્થાને આ અંગે બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી મોરીએ  જણાવ્યું હતું કે ૧૨ જામનગર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ૮૧ ખંભાળીયા અને ૮૨ દ્વારકા વિધાનસભા મત વિસ્તારમાં કુલ ૧૪૪૦ દિવ્યાંગ મતદારો આઇડેંટીફાઇ કરવામાં આવેલા છે. દિવ્યાંગ મતદારો નોંધાયા હોય તેવા ૫૫૧ બુથો છે. તેમજ ૬૨ જરૂરીયાત વાળા બુથ છે. દિવ્યાંગ મતદારો માટે ૪૭ જેટલા સહાયકોની તથા ૩૮ વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં બહેરા મુંગા મતદારો માટે મતદાન જાગૃતિ અંગેની સાંકેતિક ભાષામાં તાલમ આપવામાં આવેલ છે.

ઓબ્ઝર્વરશ્રી નલીન ઠાકરે જણાવ્યું હતું કે ઇલેકશન કમિશનનો આશય વધુમાં વધુ મતદારો મતદાન મથક સુધી આવે અને લોકશાહીને મજબુત બનાવવામાં પોતાનો ફાળો આપેને વધુમાં વધુ મતદાન કરે. રાજયમાં ૨ થી ૫ ટકા જેવા દિવ્યાંગ મતદારો છે. આ દિવ્યાંગ મતદારો પણ બાકાત ન રહી જાય તેવા પ્રવાસો કરવામાં આવે છે.

આ બેઠકમાં કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારી મનીષકુમાર બંસલ, નાયબ જિલ્લા ચુંટણી અધિકારી ઉંઘાડ, પ્રાંત અધિકારી જોશી, વિઠલાણી, સમાજ કલ્યાણ અધિકારી ચાવડા, પ્રાથમિક શિક્ષણાધિકારી વાઢેર તેમજ લગત કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

(11:38 am IST)