Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ભુજ : બે માસુમ સંતાનોની હત્યાના કેસમાં પિતા અને સાવકી માતાને જનમટીપ

૧૨ વર્ષની દીકરી અને ૮ વર્ષના દિકરાની ગળુ ઘોંટીને આરોપી માતા-પિતાએ હત્યા કરી હતી : હત્યા બાદ મૃતકની લાશોને વેરાન વગડામાં છોડી દીધી હતી : કોર્ટે આરોપીઓના ગુનાને જધન્ય અપરાધ ગણાવ્યો

ભુજ તા. ૧૧ : ભુજ કોર્ટના બીજા અધિક સેશન્સ જજ નેહલ રાજેશ જોશીએ બે માસૂમ સંતાનોની હત્યાના પોણા ત્રણ વર્ષ જુના બેવડી હત્યાના કેસમાં પતિ અને પત્નીને જનમટીપની સજા ફટકારતો હુકમ કર્યો હતો. ગત ૧૧ જુલાઈ ૨૦૧૭ના બનેલ બેવડી હત્યાનો આ કેસ સમગ્ર કચ્છમાં સનસનીખેજ બન્યો હતો. તેનું કારણ, ખુદ બાપ અને મા એ જલ્લાદ બનીને પોતાની ૧૨ વર્ષીય પુત્રી અને ૮ વર્ષીય પુત્રનું ગળું ઘોટીને તેમની લાશને વેરાન વગડામાં છોડી દીધી હતી. કચ્છના જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ આ કેસનો ભેદ ઉકેલવામાં DNA ટેસ્ટ અને ગ્રામજનોની જાગૃતિ વિશે 'અકિલા'ને વધુ જાણકારી આપી હતી. ગત જુલાઈ ૨૦૧૬ ના હબાય ગામના સીમ વિસ્તારમાં પોતાની ટ્રકમાં પથ્થર ભરવા ગયેલ સુલેમાન ત્રાયા અને તેની સાથે રહેલા શ્રમજીવીઓએ નાના બાળકના વેરવિખેર કપડાં સાથે ખોપડી અને કંકાલ જોયા હતા. એટલે તેણે આ અંગે  પોલીસનું ધ્યાન દોર્યું હતું.

પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. તો, હબાય અને આસપાસના ગામોમાં પણ નાના બાળકની હત્યાના સમાચારે ચકચાર સર્જી હોઈ ગામલોકોએ પણ પોતાની રીતે કોઈ બાળકો ગુમ થયા છે કે કેમ? એ વિશે તપાસ શરૂ કરી હતી. તે દરમ્યાન નાડાપા ગામમાં રહેતા શામજી ભીખા વાઘેલાના બે બાળકો ૧૨ વર્ષની આરતી તેમ જ ૮ વર્ષનો મુકેશ ગુમ હોવાનું જાણવા મળ્યું હતું.

આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે પૂછપરછ કરતા શામજી અને તેની પત્ની જયોતિએ પહેલા તો બાળકો બહારગામ ભણતા હોવાની વાત કરી હતી. પણ, અંતે પોલીસની પૂછપરછમાં એ કબૂલી લીધું હતું કે, પોતે અને પત્ની જયોતિએ બન્ને બાળકોની હત્યા કરી છે. જયોતિ પોતાની બીજી પત્ની હોવાનું અને જયોતિને બન્ને સાવકા બાળકો તરફ નફરત હોઈ તેની રોજરોજ ની કટકટ થી કંટાળીને અંતે બન્ને બાળકોને કાયમ માટે પોતાના રસ્તામાં થી હટાવી દીધા હતા.

૧૨ વર્ષની આરતીની હત્યા બન્ને પતિ પત્ની જયારે કોલકત્તાથી કચ્છ આવી રહ્યા હતા ત્યારે પાલનપુર ઉતરી ગયા હતા. પાલનપુર રેલવે સ્ટેશન પાસે ઝાડીઓમાં આરતીની હત્યા કરી લાશ રઝળતી મૂકી દીધી હતી. તેના દસેક દિવસ બાદ ૮ વર્ષના મુકેશને હબાય ગામની સીમમાં લઈ જઈ તેની હત્યા નિપજાવી હતી. જોકે, આ આખાયે કેસને સાબિત કરવામાં મહત્વની બાબત ઉપર પ્રકાશ પાડતા જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, મળી આવેલ ખોપડી તેમ જ શામજીના DNA ટેસ્ટ કરાયા હતા. જે મહત્વનો પુરાવો બન્યા હતા. પ્રથમ પત્ની લક્ષમીના સંતાનોને પોતાની બીજી પત્ની જયોતિની ચડામણીના કારણે મોતને ઘાટ ઉતારનાર શામજી હવે તેની બીજી પત્ની જયોતિ સાથે આજીવન જેલના સળીયા પાછળ ધકેલાઈ ગયો છે.

આ સમગ્ર કેસમાં જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીની સાથે રહી મદદનીશ સરકારી વકીલ સુરેશ મહેશ્વરીએ પણ ધારદાર દલીલો કરી હતી. ૩૦ દસ્તાવેજી પુરાવાઓ, ૨૬ સાક્ષીઓની જુબાની તપાસ્યા બાદ ૫૮ પાનાનો ચુકાદો આપતા ન્યાયમૂર્તિ નેહલ રાજેશ જોશીએ બબ્બે માસૂમ સંતાનોની હત્યાને જઘન્ય અપરાધ ગણાવતાં બાપ અને સાવકી માતાને જનમટીપની સજા સાથે ૫/૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

(10:16 am IST)