Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

ગેરકાયદે સિંહ દર્શન કરાવતા જૂનાગઢના સોહીલની ધરપકડઃ બે દિવસના રિમાન્ડ

જૂનાગઢઃ ગેરકાયદે સિંહ દર્શન કરાવતા જૂનાગઢના અેક શખ્સની વન વિભાગની ટીમે ધરપકડ કર્યા બાદ તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

10 દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં જંગલમાં ત્રણ સિંહણ ઝાડ સાથે બાંધેલા પશુનો શિકાર કરતી હોય છે અને આ પ્રકારે સિંહને ગેરકાયદે મારણ ધરીને કેટલાક લોકો વિકૃત આનંદ ઉઠાવતા હતા. આવો વીડિયો વાઇરલ થતા વનવિભાગે ગંભીરતા થી તાપસ શરુ કરી હતી અને તપાસના અંતે જૂનાગઢના એક યુવકની ધરપકડ કરીને વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ મુજબ ગુન્હો દાખલ કર્યો છે. 

આ વીડિયોમાં એક પશુને ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યું છે અને ત્રણ સિંહણો તેને મારી રહી છે. આ પ્રકારનો વિકૃત આનંદ લેવાની ટેવ ધરાવતા લોકોનું આ કારસ્તાન છે. પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં ગેરકાયદે ઘુસી આ પ્રકારે સિંહ દર્શન કરવાની અનેક ફરિયાદો પછી વન વિભાગ રાહ જોઈને બેઠું હતું ત્યાં આવો વીડિઓ વાઇરલ થતા તપાસ કરીને આજે વનવિભાગે સોહીલ નામના એક યુવકની ધરપકડ કરી છે. સોહીલને છ દિવસ પહેલા પૂછપરછ માટે બોલાવ્યો હતો ત્યારે તેની પાસેથી મોબાઈલ જપ્ત કરતા આખો ભાંડો ફૂટી ગયો હતો અને વનવિભાગ પાસે ગુનો કાર્યની કબૂલાત કરી હતી.

વનવિભાગ દ્વારા ધરપકડ કરાયેલ સોહીલ સામે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટની અલગ અલગ નવ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. કોર્ટે આરોપી સોહીલના બે દિવસના રિમાન્ડ પણ મંજુર કર્યા છે. વનવિભાગે વાઇરલ વીડિયોની તપાસ માટે પોલીસનો સહકાર લઈને વોટ્સએપ તેમજ ફેસબૂકનો પણ સહારો લીધો હતો. સોહીલના મોબાઈલમાં સિંહના અનેક વિડિયો વન વિભાગને મળી આવતા આ મામલે પૂછપરછ કરાશે. આ મામલામાં તેના સિવાય અન્ય ઇસમોની પણ સંડોવણી ખુલે તેવી વનવિભાગને શંકા હોવાથી એ દિશામાં પણ તપાસ કરાશે. 

(7:18 pm IST)