Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરો તાપ યથાવત

રાજ્યમાં ચૈત્ર દનૈયામાં વરસાદ આવતા સારા વરસાદની આગાહી

રાજકોટ, તા. ૧૧ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં રવિવારથી મિશ્ર વાતાવરણનો માહોલ જામ્યો છે જે આજે પણ યથાવત છે. સવારના સમયે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઈ જાય છે અને આખો દિવસ ધોમધખતા તાપનો અનુભવ થાય છે.

સાંજના સમયે કયાંક-કયાંક ઝાપટા રૂપે વરસાદ પણ વરસી જાય છે. જેના કારણે વાતાવરણમાં મિશ્ર રૂતુ એટલે કે ઉનાળાનો અને ચોમાસા જેવો માહોલ છવાઈ જાય છે.

કાલે ગોંડલમાં ધુમ્મસ વર્ષા છવાઈ જતા ખુશનુમા વાતાવરણનો અનુભવ થતો હતો.

કાલે મંગળવારે અમરેલી-ધારી-બગસરા વચ્ચેના ગ્રામ્ય વિસ્તારમાં બપોર સુધી ભારે ગરમી અને ઉકળાટ બાદ બપોર પછી વાતાવરણમાં અચાનક બદલાવ આવતા વિસ્તારમાં વાદળછાંયા વાતાવરણમાં ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને રસ્તા ભીના થઈ ગયા હતા. અમરેલી જિલ્લાના હામાપુર, ભાયાવદર, સમઢીયાળા, કાગદડી, ડાંગાવદર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના પાકને નુકશાનની ભિતી સેવાય રહી છે, તો ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદ થતા નાના બાળકોએ ઘર બહાર નીકળી ઉનાળામાં વરસાદની મજા માણી હતી.

ભાવનગર

ભાવનગરઃ હવામન વિભાગે બે દિવસ પહેલા ૪૮ કલાકની વરસાદની આગાહી કર્યા બાદ આજે ફરી જાણકાર સૂત્રોના કહેવા પ્રમાણે આગામી ૪૮ કલાક દરમિયાન સૌરાષ્ટ્રના ભાવનગર, રાજકોટ, અમરેલી અને દીવ વિસ્તારમા વરસાદ સામાન્ય છૂટો છવાયો પડશે. ડોશી શાસ્ત્ર જાણતા લોકોના મંતવ્ય પ્રમાણે આજે છઠ્ઠુ દનૈયુ પૂર્ણ થયુ. છમાંથી ત્રણ દનૈયા તપીને દુઝયા છે. એટલે કે વરસાદ થયો છે જે સારી બાબત ગણાય. બીજી તરફ આઠેય દનૈયા બરાબર તપે તો જ વરસાદ પડવાના સંજોગો ઉજળા બને છે ! વરસાદ થશે તો સૌથી મોટી નુકશાની બાગાયતી પાક કેરીને જશે.

આજે બપોરના ૧૨ વાગ્યા બાદના હવામાનમાં થયેલ ફેરફારને લઈ મળી રહેલા અહેવાલો મુજબ વાતાવરણમાં અપર એર સરકયુલેશન બંધાયુ છે. જેના કારણે ભાવનગર, રાજકોટ, અમરેલી અને દીવ જીલ્લામાં છુટો છવાયો સામાન્ય વરસાદ આગામી ૪૮ કલાકમાં વરસી શકે છે.

ગોહિલવાડના તળાજા સહિત આસપાસના ગામોમાં સાંજ ઢળ્યે વાતાવરણમાં ઠંડક પણ મહદઅંશે અનુભવાઈ હતી.

ડોશી શાસ્ત્ર મુજબ તળાજા માર્કેટીંગ યાર્ડના પૂર્વ સેક્રેટરી અને ખેડૂત આગેવાન હરજીભાઈ ધાંપલ્યાના જણાવ્યા પ્રમાણે ચોમાસાના આઠ નક્ષત્ર હોય છે તેમ ચાર મહિના માટે ચૈત્ર માસમા આઠ દનૈયા તપે છે.

પાંચમથી બારસ સુધી દનૈયા (દિવસનું વાતાવરણ) કંઈ રીતે તપે છે. વાતાવરણમાંથી શું બદલાવ આવે છે તેના પરથી વરસાદનો વર્તારો બાંધવામાં આવે છે.

પ્રથમ બે દનૈયા તપ્યા હતા પરંતુ ત્રીજુ, ચોથુ, પાંચમુ ત્રણ દનૈયા તપ્યા અને રાજ્યમાં સાથે છૂટો છવાયો વરસાદ પણ થયો એ દનૈયા દુઝયા કહેવાય જે ડોશી શાસ્ત્ર પ્રમાણે સારૂ ગણવામાં આવે છે.

બીજી તરફ આઠેય દનૈયા બરાબર તપે તો જ દરીયાના પાણીથી વરસાદનું ગર્ભ બંધાય છે તેવી પણ માન્યતા છે.

 બે દિવસ વરસાદ પડશે તો અમરેલી અને ભાવનગર જીલ્લા તથા ઉના પંથકમા આવેલ આંબાના બગીચાઓના કારણે કેરીના પાકને મોટુ નુકશાન થવા પામશે.

જુનાગઢમાં સવારથી  ઉકળાટ સાથે અગનવર્ષા

જુનાગઢ : જુનાગઢમાં સવારથી જ ઉકળાટ સાથે અગનવર્ષા થઇ રહી છે.

સોમવારથી સવારના તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં લઘુતમ તાપમાન વધીને આજે ર૦.૯ ડીગ્રી નોંધાયું હતું.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા રહેતા લોકોને પરસેવે સ્નાન કરવું પડી રહ્યું છે.

જામનગર

જામનગર : શહેરનું તાપમાન ૩પ.૬ મહત્તમ, ર૪.૪ લઘુતમ, ૮૭ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૯.પ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

(11:47 am IST)