Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

વાંકાનેર અને વઘાસીયા ટોલનાકા પાસે ૪૮ હજારની લૂંટ

અજાણ્યા બાઈકસવારે પોલીસની ઓળખ આપી વાહન ચેકીંગના બહાને શાકભાજીની હેરાફેરી કરતા બોલેરો ચાલકની પાસેથીઃ ૨૦૬૦૦ તથા છોટાહાથી ચાલક પાસેથી ૧૮૦૦૦ની રોકડ લૂંટી લીધીઃ એક જ રાતમાં લૂંટના બે બનાવથી પોલીસ તંત્રમાં દોડધામ

રાજકોટ, તા. ૧૧ :. વાંકાનેર પંથકમાં ગત રાત્રે બે સ્થળે પોલીસની ઓળખ આપી વાહન ચેકીંગના બહાને બે વાહન ચાલકોને રોકી ૪૮૦૦૦ની રોકડ રકમ લૂંટી અજાણ્યા બાઈકસવાર છૂ થઈ જતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના પ્રતાપચોકમાં ગત રાત્રે શાકભાજી ભરી નીકળેલ બોલેરો નં. જીજે ૧૩ એટી ૧૩૭૪ને અજાણ્યા બાઈકસવારે પોતે પોલીસમાં હોવાની ઓળખ આપી અને વાહન ચેકીંગ ચાલુ હોવાનું જણાવી બોલેરો ચાલક પ્રવીણ જેમાભાઈ દેકાવડીયા રહે. ખેતરડી, તા. હળવદના ખીસ્સામાં રહેલ ૨૦,૬૦૦ની રોકડ રકમ લૂંટી લઈ બાઈકસવાર ગાયબ થઈ ગયો હતો. બોલેરો ચાલક પાસે તેના ખીસ્સા ખર્ચીના ૩૦૦૦ તથા શાકભાજી વેચાણના ૧૯૬૦૦ મળી કુલ ૨૦૬૦૦ની રોકડ રકમ હતી તે લૂંટી લેવાઈ હતી.

ત્યાર બાદ અજાણ્યા બાઈકસવારે વાંકાનેર-મોરબી હાઈવે પર આવેલ વઘાસીયા ટોલનાકા પાસે મેલડીમાંના મંદિર પાસે ઉભા રહી મોરબી શાકભાજી ખાલી કરીને પરત આવતા છોટાહાથી નં. જીજે ૧૩ એ ડબલ્યુ ૨૨૯૫ને રોકી પોલીસ તરીકેની ઓળખ આપી વાહન ચેકીંગ ચાલુ હોવાનું કહી છોટાહાથીના ચાલક ગણેશ દેવાભાઈ કોળી રહે. કાળાસર, તા. ચોટીલાના ખીસ્સામાંથી ૧૮૦૦૦ની રોકડ રકમ લૂંટી લીધી હતી. છોટાહાથીના ચાલક પાસે ૧૮૦૦૦ની રોકડ રકમ ખેડૂતોના શાકભાજીના વેચાણની હતી.

ઉકત બન્ને લૂંટના બનાવ અંગે બોલેરો ચાલક પ્રવીણ દેકાવડીયા તથા છોટાહાથીના ચાલક ગણેશભાઈ કોળીએ અજાણ્યા બાઈકસવાર સામે ફરીયાદ નોંધાવતા વાંકાનેર પોેલીસે ગુન્હો દાખલ કરી અજાણ્યા બાઈકસવારની શોધખોળ હાથ ધરી છે. વાંકાનેર પંથકમાં એક જ રાતમાં બે સ્થળે લૂંટ થતા પ્રજા અને વેપારીઓમાં ભયની લાગણી ફેલાય છે.

(11:44 am IST)