Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

જામનગર : દરિયાકિનારે શીપ બિલ્ડીંગ પાર્ક વિકસાવવા મુદ્દે વિધાનસભામાં પ્રશ્નો ઉઠાવ્યા

વિક્રમભાઇ માડમ દ્વારા જૂદા-જૂદા મુદ્દા અન્વયે પ્રશ્નો પૂછયા

જામનગર તા. ૧૧ : રાજયના દરિયાકિનારે શીપ બિલ્ડીંગ પાર્ક વિકસાવવા માટે બે દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી તે હકીકત સાચી છે ? ઉકત શીપ બિલ્ડીંગ પાર્ક કઇ જગ્યાએ વિકસાવવામાં આવેલ છે અને આ શીપ બિલ્ડીંગ પાર્ક વિકસાવવાની કામગીરી કયાં સુધીમાં પુર્ણ કરવામાં આવશે. ઉપરોકત વિગતે ધારાસભ્ય વિક્રમભાઇ માડમના પ્રશ્નોના જવાબમાં મુખ્યમંત્રી (બંદરો) દ્વારા જવાબમાં જણાવવામાં આવેલ છે કે દહેજ ખાતે બે હૈયાત શીપયાર્ડ છે અને ત્રણ સુચિત શીપ યાર્ડ માટે જમીન ફાળવવામાં આવેલ છે. તેમજ જૂના બંદર ભાવનગર ખાતે શીપ બિલ્ડીંગ પાર્ક વિકસાવવાની કામગીરી પ્રગતિમાં છે. દહેજ ખાતેના શીપ બિલ્ડીંગ પાર્કમાં સ્થપાનારા પ્રત્યેક સુચિત શીપયાર્ડ માટે પર્યાવરણ - સી.આર.ઝેડની મંજૂરી મેળવવાની રહે છે. જેથી દહેજ ખાતેના શીપ બિલ્ડીંગ પાર્ક વિકસાવવાની કામગીરી તબકકાવાર પુર્ણ કરવામાં આવશે. તેમજ જૂના બંદર ભાવનગર ખાતે શીપ બિલ્ડીંગ પાર્ક માટે પર્યાવરણ - સી.આર.ઝેડની મંજૂરી મળ્યા બાદ વિકાસકાર નકકી કરી તબકકાવાર પુર્ણ કરવામાં આવશે.

વિક્રમભાઇ માડમે જણાવ્યું કે શીપ બિલ્ડીંગ પાર્ક વિકસાવવા માટે તા. ૧૯-૧૧-૨૦૦૯ના રોજ બે દરખાસ્તોને મંજુરી આપવામાં આવેલ હતી. આજે આ મંજૂરીને આઠ વર્ષ જેટલો સમયગાળો પસાર થઇ જવામાં છે. છતા આ બે દરખાસ્ત મંજૂરીના શીપ બિલ્ડીંગ પાર્કમાં સ્થપાનાર પ્રત્યેક સુચીત શીપયાર્ડ માટે સરકાર હજુ સુધી પર્યાવરણ કે સી.આર.ઝેડ હેઠળની મંજૂરી કેવા કારણોસર મેળવી શકેલ નથી. જો સરકારને પર્યાવરણ - સી.આર.ઝેડની મંજૂરીમાં એક દાયકા જેટલો સમય લાગી જતો હોય તો આ કામ કરતી સરકાર કેવી રીતે કહી શકાય ? તેવો વેધક પ્રશ્ન વિધાનસભામાં ધારાસભ્યશ્રી વિક્રમભાઇ માડમ દ્વારા ઉઠાવવામાં આવેલ છે.

વિક્રમભાઇ માડમે જણાવ્યુ કે, છેલ્લા બે વર્ષમાં રાજયમાં કયા કયા નવા બંદરો જાહેર કરવામાં આવ્યા છે તેમજ આ પૈકી કયા કયા બંદરો ખાનગી એકમો દ્વારા કયા કયા હેતુ માટે વિકસાવવાનું આયોજન છે અને ઉકત સ્થિતિએ કયા કયા બંદર વિકસાવવાની યોજના પડતી મુકવામાં આવી છે ?

મુખ્યમંત્રીશ્રી (બંદરો)એ જણાવ્યુ કે તા. ૩૧-૧૨-૨૦૧૭ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજયમાં કોઇ નવા બંદર જાહેર કરવામાં આવ્યા  નથી પરંતુ હૈયાત બંદરોમાં બંદરીય સુવિધાઓ વિકસાવવા માટે મંજૂરી આપેલ છે. ઉપરોકત મુદ્દાને વિસ્તારપુર્વક જણાવતા દર્શાવવામાં આવેલ હતુ કે હૈયાત બંદરોમાં ખાનગી એકમો દ્વારા કેપ્ટીવ કાર્ગો વગેરે માટે નીચે દર્શાવ્યા મુજબની બંદરીય સુવિધાઓ વિકસાવવાનું આયોજન કરેલ છે.

જેમાં મે.અદાણી પોર્ટ એસ.ઇ.ઝેડ લિમિટેડ દ્વારા મુંદ્રા ખાતે નવા કન્ટેનર ટર્મિનલ બર્થ અને એલ.એન.જી ટર્મિનલ બર્થ વિકસાવવાનું આયોજન છે. મે.અદાણી હજીરા પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હજીરા ખાતે ૩૦૦ મી. લંબાઇના મલ્ટીપર્પઝ બર્થ વિકસાવવાનું આયોજન છે. છારા બંદર ખાતે મે.એચ.એસ.પી.એલ ને સબ કન્સેશનમાં એચ.એન.જી ટર્મીનલ બાંધવાનું આયોજન છે. ધારાસભ્ય વિક્રમભાએ જણાવ્યુ કે ઉકત સ્થિતિએ કયા કયા બંદરો વિકસાવવાની યોજના પડતી મુકવામાં આવી છે. આ બાબતના પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ કે ઉકત સ્થિતિએ કોઇપણ બંદર વિકસાવવાની યોજના પડતી મુકવામાં આવી નથી.

(11:41 am IST)