Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

પડધરીમાં સોની વણિક વૃધ્ધ પર મૈયા રજપૂતે બોલેરો ચડાવી દીધીઃ વાહનોનો પણ કડૂસલો

બાયપાસ પર ફાર્મ ધરાવતાં જીતેન્દ્રભાઇ ભાલારાએ બાજુના ખાખરાના કારખાના વાળા સાથે હલણ બાબતે ઝઘડો થતાં તેણે રજપૂત શખ્સને સોપારી આપ્યાનો આક્ષેપ

બોલેરો ચડાવી દેવાતાં ઘાયલ થયેલા વણિક સોની વૃધ્ધ જીતેન્દ્રભાઇ ભાલારા તથા ઠોકરે ચડેલા બાઇક અને જેનાથી ઠોકર મારવામાં આવી તે બોલેરો જોઇ શકાય છે. આ તસ્વીરો જીતેન્દ્રભાઇએ મોકલાવી હતી

રાજકોટ તા. ૧૧: પડધરીમાં રહેતાં વણિક સોની વૃધ્ધ પર ગત સાંજે પોતે ગામના બાયપાસ પર આવેલા પોતાના ફાર્મ હાઉસ ખાતે હતાં ત્યારે ગામના જ રજપૂત શખ્સે બોલેરો લઇને ધસી આવી આ વૃધ્ધને ઠોકરે લઇ પછાડી દઇ તેના પગ પર બોલેરો ફરેવી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. આ શખ્સે વાહનોને પણ બોલેરોની ઠોકરે ચડાવ્યા હતાં. વણિક સોની વૃધ્ધે એવો આક્ષેપ કર્યો છે કે ફાર્મની બાજુમાં ખાખરાનું કારખાનુ આવેલુ છે તેના માલિક સાથે હલણ બાબતે મનદુઃખ થયું હોઇ તેણે સોપારી આપતાં રજપૂત શખ્સે આ કૃત્યુ કર્યુ છે.

જાણવા મળ્યા મુજબ પડધરી ચોરા પાસે રહેતાં અને નિવૃત જીવન જીવતાં જીતેન્દ્રભાઇ તુલસીદાસ ભાલારા (વણિક સોની) (ઉ.૬૫) નામના વૃધ્ધ રાત્રે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. તેમણે હોસ્પિટલ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં પોતાને ગામના મૈયાભાઇ કરસનભાઇ રજપૂતે બોલેરોની ઠોકરે લઇ પગ પર બોલેરો ફેરવી દીધાની અને બે-ત્રણ બાઇકને પણ ઉલાળી દીધાની વાત જણાવતાં આ મુજબની એન્ટ્રી નોંધી પડધરી પોલીસને જાણ કરાઇ હતી.

જીતેન્દ્રભાઇને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. આ વૃધ્ધે જણાવ્યું હતું કે હું હાલ નિવૃત જીવન જીવુ છું. પડધરી બાયપાસ પાસે મારે ફાર્મ હાઉસ છે તેની બાજુમાં જ મનોજભાઇ સોલંકી ખાખરાનું કારખાનુ ધરાવે છે. તેના વાહનો મારા કારખાનાની જગ્યામાંથી ચાલે છે. આ વાહનોમાંથી અવાર-નવાર ખાખરાના લોટ સહિતની ચીજવસ્તુઓ ઢોળાતી હોઇ જેના કારણે ગંદકી ફેલાતી હોઇ મનોજભાઇને આ રીતે લોટ ઢોળાય નહિ તેનું ધ્યાન રાખવા કહેતાં તે ઉશ્કેરાઇ ગયા હતાં અને ઝઘડો થયો હતો. બાદમાં તેણે ગામના જ મૈયા રજપૂતને મારી સોપારી આપી હુમલો કરવા કહેતાં આ શખ્સ બોલેરો લઇ ધસી આવ્યો હતો અને ફાર્મના ડેલાને તોડી મારા પર બોલેરો ચડાવી દેતાં બંને પગમાં ઇજા થઇ હતી. આગળ બીજા ત્રણ બાઇક પડ્યા હોઇ તેને પણ ઉલાળી દીધા હતાં.

પડધરી પોલીસે આ મામલે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. ખાખરાના કારખાનાવાળા સાથે હલણ મામલે અગાઉ પણ માથાકુટ થયાનું જીતેન્દ્રભાઇ વણિકે જણાવ્યું હતું. જો કે સવાર સુધી આ મામલે પડધરી પોલીસમાં ગુનો નોંધાયો નથી.

(11:37 am IST)
  • ભયંકર દુર્ઘટના - મૃતાંક ૨૫૭ એ પહોચ્યો... હાહાકાર... : અલ્જેરીયાની રાજધાની આલ્જિયર્સના બુફારિક એરપોર્ટ નજીક બુધવારે અલ્જેરિયાનું એક લશ્કરી વિમાન ક્રેશ થયું છે. આ વિમાનમાં ૨૦૦ થી વધુ લશ્કરી કર્મચારીઓ હતા. દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૨૫૭ લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં પશ્ચિમ સહારાના 26 લોકો હતા તેમ સ્થાનિક સમાચાર એજન્સીના હવાલાથી જાણવા મળે છે. મૃતાંક હજુ પણ વધુ હોય શકવાની શંકા સેવાય રહી છે. access_time 3:39 pm IST

  • બ્રાઝીલમાં જેલ તોડીને ભાગી રહેલા ૧૯ કેદીઓને ફૂંકી માયાઃ બ્રાઝીલમાં જેલ તોડીને ભાગી રહેલા કેદીઓ પર ગોળીબારઃ ૧૯ મોતઃ એક સુરક્ષા કર્મચારીનું પણ મોતઃ જેલમાં રમખાણ જેવા દ્રશ્યો access_time 11:32 am IST

  • અફઘાનિસ્તાનમાં મસ્જીદ પાસે બોંબ બ્લાસ્ટઃ ૬ના મોત :અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં થયેલ બોંબ વિસ્ફોટમાં ૪ બાળકો સહીત ૬ના મોતઃ શિંદાદ જીલ્લામા મસ્જીદ પાસે થયેલ બ્લાસ્ટમાં ૯ બાળકો ઘાયલઃ વિસ્ફોટકને બાઈક સાથે બાંધીને મસ્જીદની બાહર ઉડાવી દેવાઈ access_time 4:31 pm IST