Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

જામનગરમાં મોડી રાત્રીના માઇક વગાડવા ઉપર પ્રતિબંધ જાહેરનામાનો અમલ કરાવવા રજૂઆત : પરીક્ષાર્થીઓ હેરાન

જામનગર તા.૧૧ : જનજાગૃતિ અભિયાન સમિતિના ભરતભાઇ કાનાબારે જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆતમાં રાત્રીના માઇક વગાડવાના જાહેરનામાનો ચુસ્ત રીતે અમલવારી કરવા જણાવ્યુ છે.

ઘણા સમયથી રાત્રેના ૧૦ વાગ્યા પછી કોઇપણ જાહેર સ્થળ પર કે ખાનગી જગ્યા પર માઇક વગાડવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ અંગે જાહેરનામા તેમજ નામદાર કોર્ટના ચુકાદાઓ રેકર્ડ પર છે. રાજયમાં ધો.૧૦ - ૧૨ની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. વિદ્યાર્થીના શૈક્ષણિક કારકિર્દીના મહત્વના વર્ષો છે અને આ બંને પરીક્ષાના પરિણામો ઉપર વિદ્યાર્થીનું શૈક્ષણિક ભવિષ્યનું ઘડતર થાય છે તે સંજોગોમાં રાત્રીના ૧૦ વાગ્યા પછી માઇક વગાડવાના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ પહોચે છે. તાજેતરમાં બહોળા પ્રમાણમાં લગ્નની સીઝન ચાલી રહી છે તમામ સમાજની વાડીઓ, પાર્ટી પ્લોટો, જાહેર સ્થળો પર મોડી રાત્રી સુધી લગ્નપ્રસંગો, દાંડીયારાસ, પ્રોશેસન, રીસેપ્શન ચાલુ રહે છે અને તે કારણે ઘોંઘાટમાં આજુબાજુમાં રહેતા નાગરીકો પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહેલ છે અને વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ પહોચી રહી છે તેવા સંજોગોમાં રાત્રે ૧૦ વાગ્યા પછી માઇક વગાડવા પર મનાઇ છે તે જાહેરનામાનો ચુસ્તક રીતે અમલ કરાવવા માંગણી ઉઠી છે.(૪૫.૭)

(11:47 am IST)