Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ચોટીલા તળેટીની ટ્રાફીક માટે વેપારીઓને નોટીસ

વાહનો માટે વનવે કરવા પોલીસે હાથ ધરી કવાયત

ચોટીલા, તા. ૧૧ : ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઇ તરીકે કે.ડી. નકુમે હાજર થઇને ચાર્જ સંભાળી પ્રથમ ચામુંડા તળેટી પંથકની ટ્રાફીક સમસ્યા નિવારવા પગલ લેવા તળેટી વિસ્તારમાં ખળભળાટ મચેલ છે.

તળેટીના વેપારીઓ સાથે પોલીસે મીટીંગ યોજી ટ્રાફીક મુશ્કેલી નિવારણ માટે અલગ નવી વ્યવસ્થા ઉભી કરવાનો પ્રયાસ કરવા માટે વેપારીઓના સહકારની અપેક્ષા રાખી છે.

પોલીસના ધ્યાને આવેલ છે કે તમામ વેપારીઓને ધંધાર્થે ફાળવેલ જગ્યા કરતા વિશેષ પ્રમાણમાં જગ્યા રોકવામાં આવેલ છે અને મોટાભાગનો રસ્તો દબાવી દેવામાં આવ્યો છે જે અયોગ્ય છે. વેપારીઓને દબાણ ખુલ્લા કરી ભાવિકો માટે જગ્યા ખુલ્લી કરી રસ્તો ખુલ્લો કરવા સહકાર આપવા વિનંતી કરેલ છે. તેમજ સરકારી વિભાગને સહયોગ આપવામાં નહીં આવે તો અન્ય કડક પગલા લેવાની ફરજ બનશે તેમ તાકીદ કરેલ છે.

ચોટીલા પોલીસે રવિવારના દિવસથી ચામુંડા ડુંગર તરફ જતા રસ્તાની આવક-જાવક અલગ કરવાની બેરીગેટ ગોઠવી શરૂઆત કરેલ છે. વાહનોની એન્ટ્રી પાળીયાદ રોડ પાર્કીંગથી મંદિર તરફ જવાનું રહેશે, તળેટી મેઇન બજારમાં ફકત ચાલીને આવવા જવા માટે રહેશે અને વાહનોને હાઇવે નિકળવા માટે કોળી સમાજની ધર્મશાળા પાસેથી ચાર રસ્તે જતા રોડથી નિકળવાનું રહેશે. આ નવી વ્યવસ્થા માટે પોલીસ એકશનમાં આવેલ છે જેના માટે જરૂરી બેરીગેટ ગોઠવીને પૂરતા ટ્રાફીક માટે નવા પોઇન્ટ ગોઠવી અમલ શરૂ કરાયેલ છે. (૮.૯)

 

(11:45 am IST)