Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

મહિલા સશકિતકરણમાં ન્યાયતંત્રની અગ્રીમ ભૂમિકા : સર્વોચ્ચ અદાલતના અનેકવિધ ચુકાદાઓ

વિસાવદર : વિશ્વમાં મહિલા શકિતને સન્માન આપવાના આશયથી ૮મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી દરેક દેશમાં કરવામાં આવે છે. મહિલાઓની સુરક્ષાને ઘ્યાનમાં રાખીને જ સમગ્ર વિશ્વના દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય સંઘીઓ પણ કરવામાં આવી છે. આ સંઘીઓ દેશ–વિદેશની મહિલાઓને સવિશેષ હકકો–અધિકારો પ્રદાન કરે છે. સ્ત્રીઓના આવા હકકો–અધિકારોનું જતન કરવા માટે ભારત દેશમાં પણ અનેકવિધ કાયદાઓ–યોજનાઓ ઘડવામાં આવેલ છે તેમ છતાં પણ ઘણીવાર સ્ત્રીઓને કયાંકને કયાંક અન્યાય થતો જોવા મળે છે. આવા પ્રકારના અન્યાયની સામે લડત આપવા માટે સ્ત્રીઓ હંમેશા ન્યાયલયના વ્હારે ગઈ છે. લોકતંત્રના સૌથી વધુ સક્રિય સ્તંભ સમા ન્યાયાલયએ સમયાંતરે આપેલા શકવર્તી ચૂકાદાઓના કારણે જ વર્તમાન સમયની મહિલાઓ પોતાના વિશેષ અધિકારોથી સુસજજ બની છે. ન્યાયાલય બરા સમયાંતરે આપવામાં આવેલા સ્ત્રીઓને લગતા સિમાચિહનરૂપ ચૂકાદાઓનો વિશેષ અહેવાલ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જે વાંચકોની મદદરૂપ થશે.

વિશાખા વિરૂઘ્ધ  સ્ટેટ ઓફ રાજસ્થાન

સ્ત્રીઓ તરફના ન્યાયિક સક્રિયતાના સંદર્ભમાં સૌથી મહત્વપૂર્ણ નિર્ણય વિશાખા વિ. સ્ટેટ ઓફ રાજસ્થાનના કેસમાં જોવા મળી હતી. ખંડપીઠના ન્યાયમૂર્તિ વર્મા, સુજાતા મનોહર અને બી.એન.કૃપાલએ કામકાજના સ્થળો પર થતાં સ્ત્રીઓ પરના શારિરીક માનસિક અત્યાચાર બાબતે દિશાનિર્દેશ આપ્યા હતા જેમાં એક સમિતિની રચના દરેક કામકાજના સ્થળે રાખવા માટેનો આદેશ સરકારશ્રીને આપવામાં આવ્યો હતો. આ સમિતિ કામકાજના સ્થળો પર થતી શારિરીક–માનસિક સતામણી અંગેની તપાસ કરશે અને તેમાં કસુરવાર અપરાધીને જેલની સજા ઉપરાંત દંડ અને ભોગ બનનાર સ્ત્રીને વળતર આપવા માટેની ભલામણો કરવામાં આવી હતી.

મો.અહમદખાન વિરૂઘ્ધ શાહબાનો બેગમ

મુસ્લિમ મહિલાઓ માટે સુર્વણ યુગની શરૂઆત સમાન આ કેસ બહુ જ મહત્વપૂર્ણ સાબિત થયો હતો. મુસ્લિમ લો પ્રમાણે છુટાછુડા અપાયેલ મહિલાને ભરણપોષણ આપવામાં આવતુ ન હતુ. જેની સામે શાહબાનુ બેગમે સુપ્રિમ કોર્ટ સુધી લડત લડી હતી. જેમાં સુપ્રિમ કોર્ટે ઠરાવ્યુ હતુ કે, ક્રિમીનલ પ્રોસીઝર કોડ કલમ–૧રપ એ દરેક ભારતીય મહિલાઓને લાગુ પડે છે જેમાં મુસ્લિમ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. જેથી છુટાછેડા આપેલ મુસ્લિમ મહિલાને પણ ભરણપોષણ આપવુ એ તેના પતિની જવાબદારી છે. આ સાથે વડી અદાલતે મુસ્લિમ મહિલા અધિકાર–સરંક્ષણ માટે નવો કાયદો ઘડવા માટેની ભલામણ પણ સરકારને કરી હતી.

વિડેબેબોનીયા તુલાસમ્મા વિ. વડેબેબોનીયા શીશા રેડી

હિન્દુ મહિલાઓને સિમિત માલિકની જગ્યાએ પૂર્ણ માલિકીપણાના સિઘ્ધાંતને સ્થાપિત કરતાં આ કેસમાં ન્યાયધીશ પી.એન.ભગવતી, એ.સી.ગુપ્તા અને એસ.એમ.ફઝલે એ સ્પષ્ટ કર્યુ હતુ કે, હિન્દુ મહિલાઓનો ભરણ–પોષણનો અધિકાર પતિ–પત્નીના આઘ્યાત્મિક સંબંધથી વહે છે. હિન્દુ ઉતરાધિકાર અધિનિયમની કલમ–૧૪(એ) ઉદારતાપૂર્વક મહિલાઓના પક્ષામાં હોવી જોઈએ. અહી હિન્દુ મહિલાઓના પતિની સંપતિ પરના અધિકાર અંગે વધુ સ્પષ્ટ વલણ અદાલતે દર્શાવ્યુ હતુ.

શ્રીમતિ મેરી રોય વિરૂઘ્ધ  કેરળ રાજય અને સંગઠન

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ પી.એન.ભગવતી અને આર.એસ.પાઠકની વડપણ હેઠળ બનેલી બેંચે આ કેસમાં ખ્રિસ્તી મહિલાનો પિતાની સંપંતિમાં સમાન હકક અધિકાર રહેશે તેવી શકવર્તી ચુકાદો આપતા નવો ઈતિહાસ રચાયો હતો. આ અગાઉ ત્રાવણકોર–કોચ્ચી ખ્રિસ્તી ઉતરાધિકારી અધિનિયમ મુજબ સ્ત્રીઓ પિતાની સંપંતિના ચોથા ભાગની જ હકકદાર હતી. જેના સંદર્ભે આ ચુકાદો આવતા ખ્રિસ્તી મહિલાઓનો સમાન હકક પ્રાપ્ત થયો હતો.

શમીમ આરા વિરૂઘ્ધ  ઉતરપ્રદેશ રાજય

મુસ્લિમ કાયદા પ્રમાણે યોગ્ય છુટાછેડાની પઘ્ધતિ કઈ તે અંગેના પ્રશ્નનું નિરાકરણ લાવતા આ કેસમાં સુપ્રિમ કોર્ટે નોંઘ્યુ હતુ કે, છુટાછેડા માટે ઉચિત કારણ હોવુ અનિવાર્ય છે તેમજ છુટાછેડા અગાઉ બંને પતિ–પત્ની વચ્ચે સુલેહ સાધવા માટે પત્ની તરફથી એક મઘ્યસ્થી અને પતિ તરફથી એક મઘ્યસ્થીએ સુલેહ માટે પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રકારના પ્રયત્ન નિષ્ફળ જાય ત્યાર બાદ જ છુટાછેડા થવા જોઈએ. આમ આ કેસ મુસ્લિમ તલાક માટે એક મહત્વપૂર્ણ ચૂકાદો સાબીત થયો છે.

ડેનિયમ લતીફ  વિરૂઘ્ધ ભારત સંઘ

મુસ્લિમ કાયદા પ્રમાણે ઈદતના સમય સુધી જ ભરણપોષણ આપવા માટેનું પ્રોવિઝન આપવામાં આવ્યુ હતુ જેને આ કેસથી પડકારવામાં આવ્યો હતો. ન્યાયમૂર્તિ જી.બી.પટનાયક, એસ. રાજેન્દ્રબાબુ, ડી.પી.મહાપાત્રા, ડી.રાજુ તથા ન્યાયધીશ શિવરાજ પાટીલની બેંચે આ કેસના ચુકાદામાં જણાવ્યુ હતુ કે, મુસ્લિમ પતિ જ તેની પત્નીની છુટાછેડા બાદના સમયમાં ભરણપોષણ માટે જવાબદાર છે. પતિની અવેજીમાં તેના પરિવારની જવાબદારી ઉત્પન્ન થાય છે. જે પત્ની છુટાછેડા કે ઈદતના સમય બાદ પણ અન્ય લગ્ન નથી કરતી તેના માટે જો પરિવાર ભરણપોષણ કરી શકતો નથી ત્યારે વકફ બોર્ડે તેની જવાબદારી વહન કરવી જોઈએ. આ ઉપરાંત પતિની સંપતિમાં પણ ઉતરાધિકારી તરીકે પત્નીનો હકક અને અધિકાર સમાયેલો છે.

લતાસિંહ વિરૂઘ્ધ ઉતરપ્રદેશ

સ્ત્રીઓના આંતરજ્ઞાતિય લગ્ન કરવાના સંબંધે પ્રસિઘ્ધ થયેલા આ કેસમાં ન્યાયધીશ અશોક ભાન અને માર્કડેય કાત્ઝુએ સ્વતંત્રતાના અધિકારની રૂએ પ્રસ્થાપિત નિર્ણય આપ્યો હતો કે, દેશનો કોઈપણ વ્યકિત કોઈપણ સાથે લગ્ન કરી શકે છે. કોઈપણને પસંદ કરી શકે છે, તેની સાથે રહી શકે છે. દેશના વિવિધ પોલીસ સ્ટેશનો અને અધિકારીઓને દિશાનિર્દેશ પણ આપ્યો કે, દેશના કોઈપણ ખુણે આંતર જ્ઞાતિય લગ્ન કરનારા યુવક–યુવતીઓને રક્ષણ આપવું તથા આવા લોકો પર અત્યાચાર, હિંસા કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરવી.આમ, આ ચુકાદો પણ દેશમાં મહત્વપૂર્ણ સાબીત થયો હતો.

ડી.વેલુસેમી  વિરૂઘ્ધ પચ્ચીમાલ

લગ્ન કર્યા વગર સાથે રહેતા યુવક–યુવતિઓ કે જેને લીવ ઈન રીલેશનશીપ કહેવામાં આવે છે તેને ઘરેલુ હિંસા ધારામાં સમાવિષ્ટ કરતો આ ચુકાદો અતિ મહત્વપૂર્ણ કહી શકાય તેમ છે. આ બાબતમાં કોર્ટે સ્પષ્ટતા પણ કરી હતી કે, આવા પ્રકારના કિસ્સાઓમાં ઘરેલુ હિંસામાં લેવા માટે અમુક શરતોમાં સંબંધ હોવો જરૂરી છે જેમાં દર્શાવવામાં આવ્યુ હતુ કે, લગ્નની આશયથી કરવામાં આવેલ લીવ ઈન યોગ્ય કહેવાય પરંતુ તેમાં માત્ર યૌન સંબંધ કે નાણાકીય બાબતોનો મુખ્ય હેતુ ન હોવો જોઈએ આવા પ્રકારના મુદા જે કિસ્સામાં હશે તે આ અધિનિયમમાં સમાવિષ્ટ થઈ શકશે નહી.

રોકસૈન શર્માવિરૂઘ્ધ અરૂણ શર્મા

       ન્યાયમૂર્તિ વિક્રમાજીત સેન અને સી. નાગપ્પનની ખંડપીડ દ્વારા આપવામાં આવેલ આ ચુકાદાનો સંબંધ પાંચ વર્ષની નીચેની ઉંમરના  બાળક ના કબ્જા સંદર્ભે હતો. જેમાં ન્યાયધીશે સ્પષ્ટ કર્યુ હતુ કે, બાળક સાથે કોઈપણ જાતની ગમ્મત જેવુ કાર્ય કરી ન શકાય. તેનો પાંચ વર્ષ સુધીનો કબ્જો તેની માતા પાસે જ રહેવો  જોઈએ.

સીમા વિરૂઘ્ધ અશ્વિનીકુમાર

લગ્નની ફરજીયાત નોંધણી બાબતનો આ કેસ દેશમાં આમુલ પરિવર્તન લાવનારો કેસ કહી શકાય છે, કારણ કે, આ કેસમાં આપવામાં આવેલા દિશાનિર્દેશ દેશની સરકાર અને રાજય સરકારોએ તાકીદે પાલન કરવાની ભલામણ કરવામાં આવી હતી. આ કેસના ચુકાદાથી દેશના કોઈપણ ખુણે લગ્ન કરવામાં આવે તે કોઈપણ ધર્મ, જાતનો હોય તેની નોંધણી ફરજીયાત કરવામાં આવી છે. આ કેસની અરસ અન્યથી અન્ય કાયદાઓ જેવા કે બાળ લગ્ન પ્રતિબંધ ધારો જેવા કાયદાઓ પણ મજબુત બન્યા છે.

ડો.ઉપેન્દ્ર બક્ષી  વિરૂઘ્ધ ઉતર પ્રદેશ

બાળકીઓ માટે તૈયાર કરવામાં આવેલા સુરક્ષા ગૃહોમાં અપાતી સુવિધાઓ સંદર્ભમાં ડો.ઉપેન્દ્ર બક્ષીએ સુપ્રિમ કોર્ટમાં એક પત્ર લખ્યો હતો જેને ન્યાયધીશ પી.એન.ભગવતી, જી.ઓઝા, વી.ખાલીદ દ્રારા જાહેર હિતની અરજી સ્વરૂપે સ્વીકારીને કેસ સાંભળવામાં આવ્યા હતા. આ કેસમાં આવેલ ચુકાદાથી દેશના જુદા–જુદા સુધારણા ગૃહમાં અપાતી સુવિધાઓમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. બાળકીઓને સારૂ ભોજન આપવા, સારી દેખભાળ રાખવા, મચ્છરદાની, ગેસ પ્રાવધાન સહિતની ભૌતિક સગવડતાઓ આપવા માટેની ભલામણ સરકારશ્રીને વડી અદાલત દ્વારા કરવામાં આવી હતી. ઉપરાંત આ સુવિધાઓ મળે છે કે નહી તેની તપાસ અર્થે બે વકીલોની સંભાળગૃહની પેનલમાં સમાવવા જણાવવામાં આવ્યુ હતુ.

સાક્ષી વિરૂઘ્ધ ભારત સંઘ

       ભારતમાં બાળકીઓ પર થતાં બળાત્કારના કિસ્સાઓને ગંભીરતાથી લઈને સુપ્રિમ કોર્ટે આ કેસમાં જુદી જુદી ભલામણો કરી હતી. મુખ્ય ન્યાયધીશ રાજેન્દ્ર બાબુ, જે.પી.માથુર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, બાળકીઓ પર થતાં બળાત્કાર દુષ્પ્રેરણના કિસ્સાઓની કોર્ટ કાર્યવાહીમાં બાળકી સામે અપરાધી આવવો જોઈએ નહી તેમજ આ બાળકીને પુછવાના થતા સવાલો પ્રોટેકશન ઓફીસરને આપવા ફરજીયાત કરવા જણાવવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ તેને સરળ ભાષામાં પુછવાની માર્ગદર્શિકા આપવામાં આવી હતી. અહી દુષ્પ્રેરણની વ્યાખ્યામાં પણ ફેરફાર માટે આદેશ આપવામાં આવ્યો હતો.

આર.ડી. ઉપાઘ્યાય વિરૂઘ્ધ આંધ્ર પ્રદેશ

       જેલમાં જન્મતા બાળકોના સંદર્ભે થયેલ કેસમાં સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ પી.કે.બાલાસુબ્રમણિયમ, વાય.કે.સભરવાલ, સી.કે.ઠકકરની ખંડપીઠે જણાવ્યુ હતુ કે, જેલમાં માતાની સાથે રહેતા બાળકોના વિકાસ સંદર્ભે યોગ્ય ફેરફાર કરવા આવશ્યક છે. મહિલાઓની ધરપડક ફકત સ્ત્રી અમલદારના હસ્તે થવી જોઈએ, કેદી મહિલાઓ કે જે ગર્ભસ્થ છે તેના માટે અલગ જ વ્યવસ્થા ઉભી કરવા જણાવ્યુ હતુ. જેલોમાં જન્મતા બાળકો માટે પોષ્ટિક ભોજન, કપડા, આરોગ્ય સહિતની વ્યવસ્થા ઉભી કરવા જણાવાવમાં આવ્યુ હતુ. આ માટે જેલ મેન્યુલમાં પણ સુધારો કરવામાં આવ્યો હતો.

આરોગ્ય અને સંદિગ્ધ વિષયોના કેન્દ્ર વિરૂઘ્ધ ભારત સંઘ

ન્યાયમૂર્તિ એમ.બી.શાહ અને અશોક ભાનની ખંડપીઠે સ્ત્રીભૃણ હત્યા અટકાવવા બાબતના આ કેસમાં સરકારને દિશા નિર્દેશ આપ્યો હતો કે, લોકોમાં જાગૃતતા લાવવા માટે ટી.વી., જાહેરાતો સહિતના પ્રચાર માઘ્યમોનો ઉપયોગ કરીને કન્યઓની ગર્ભમાં થતી હત્યાઓ અટકાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ બાબતની રાષ્ટ્રીય અને આંતરરાજય સ્તરે સમિતિની નિમણુંક કરવા ભલામણ કરવામાં આવી હતી.

સબરીમાલા કેસ

મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રા, આર.એફ.નરીમન, એ.એમ.ખાનવીલકર, વાય.ચંદ્રચુડ અને ઈંદુ મલ્હોત્રાની બનેલી ખંડપીઠે આ કેસમાં વર્ષોથી ચાલી આવતી સબરીમાલા મંદિરમાં દરેક વયની મહિલાઓને મંદિરમાં પ્રવેશનો શકવર્તી ચુકાદો આપ્યો હતો. જેમાં જણાવ્યુ હતુ કે, મહિલાઓ પુરૂષ સમોવડી છે. ધર્મના પક્ષપાતમાં આસ્થાને આઘાત પહોંચાડી શકાય નહી.

લક્ષ્મી વિરૂઘ્ધ ભારત સંઘ

સ્ત્રીઓ પર થતાં એસિડ એટેકના સંદર્ભે આવેલા આ ચુકાદામાં ભારતીય દંડ સંહિતાની કલમ–૩ર૬માં પેટા કલમ સમાવવા દર્શાવવામાં આવ્યુ હતુ અને એસિડ એટેકથી પિડીત મહિલાને વળતર આપવા માટે પણ આદેશ આપવામાં આવ્યો હતો. ઉપરાંત એવા દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા કે દેશની કોઈપણ દુકાન કે

સ્થળે એસિડ કે તેને લગતી વસ્તુઓ ગેરકાયદેસર વહેચી શકાશે નહી. જે દુકાનદારો વહેચે છે તેને જાણ કરવાની રહેશે. તદપરાંત જે કોઈપણ વ્યકિત એસિડ ખરીદવા આવે છે તે ૧૮ વર્ષથી ઉપરનો હોવો જોઈએ તેની પાસે એસિડ લેતી વખતે આઈડેન્ટી કાર્ડ હોવુ અનિવાર્ય છે.

આલેખન

ડો. પરવેઝ વાય. બ્લોચ

આસિ. પ્રોફેસર

લો કોલેજ - જુનાગઢ

મો. ૯૯૭૯૫ ૫૩૯૯૫

(10:15 am IST)