Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ભાવનગરમાં ભરવાડ સમાજ દ્વારા

પૂ. જીજ્ઞેશ દાદાના વ્યાસાસને ભાગવત સપ્તાહનો પ્રારંભઃ રંગેચંગે પોથીયાત્રા નિકળી

ભાવનગરમાં સમસ્ત ભરવાડ (નાનભાઇ) સમાજ આયોજીત પૂ. જીજ્ઞેશદાદાની શ્રીમદ્દ ભાગવત સપ્તાહના પ્રારંભ પૂર્વે વિશાળ પોથીયાત્રા યોજાયેલ તે પ્રસંગની તસ્વીર(તસ્વીરઃ વિપુલ હિરાણી)

ભાવનગર તા.૧૧: અહિના જવાહર મેદાન ખાતે સમસ્ત ભરવાડ (નાનાભાઇ) સમાજ આયોજીત સમસ્ત લોક કલ્યાણ અને સર્વ પિતૃ મોક્ષાર્થે પૂ. જીજ્ઞેશ દાદાની શ્રીમદ્દ ભાગવત સપ્તાહ અને મહા વિષ્ણુયાગનો ભવ્ય પ્રારંભ થયો છે. કથાના પ્રારંભ પૂર્વે યોજાયેલી પોથીયાત્રાએ શહેરના જાહેરમાર્ગો પર અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું.

પૂ. રામચંદ્રદાસજી બાપુના સહયોગથી તપસીબાપુની વાડી ગુલીસ્તા મેદાન ખાતેથી ભવ્ય પોથીયાત્રાનો પ્રારંભ થયો હતો. પે પૂર્વે પૂ. જીજ્ઞેશદાદાની ઉપસ્થિતિમાં ચોહલા પરિવારના સંતોષભાઇ ચોહલા અને ભરતભાઇ ચોહલા તથા શૈલેષદાદા પંડિત પરિવાર દ્વારા રાધેકૃષ્ણ ભગવાનની અને રામ દરબારની પૂજાવિધિ કરવામાં આવી હતી.

ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતેથી ભરવાડ સમાજના બાવન ઠાકર દુવારાના ગાદીપતિઓ અને સાધુ-સંતોની ઉપસ્થિતિમાં ધાર્મિકતાભર્યા વાતાવરણ વચ્ચે પોથીયાત્રાનો પાવન પ્રારંભ થયો હતો. મહારાષ્ટ્ર વસઇના સુપ્રખ્યાત આવિષ્કાર ઢોલ, તાશા, પથકના તાલે દ્વારીકાધીશનો જય જયકાર થયો હતો.

મયુર રથ, હાથી, ઘોડા, પાલખી, બગી સાથે વિવિધ ફલોટ પણ પોથીયાત્રામાં જોડાયા હતા. શહેરના વાઘાવાડી રોડ, વડોદરીયા પાર્ક, સંસ્કાર મંડળ, ખોડીયાર મંદિર, રૂપાણી સર્કલ થઇ જવાહર મેદાન ખાતે વૃંદાવન ધામ ખાતે પોથીયાત્રા રાધે રાધેના નાદ સાથે પહોંચી હતી.

પોથીયાત્રામાં આકાશમાંથી પુષ્પવર્ષા અને તોપના અવાજ સાથે પુષ્પ ઉડાડાયા હતા.

ભાવનગર શહેરમાં સૌ પ્રથમવાર આટલી મોટી અદ્દભુત, આકર્ષક પોથીયાત્રા યોજાઇ હતી કે જેમાં હજારો લોકો જોડાયા હતા.

દીપ પ્રાગટય સાથે કથાનો પ્રારંભ

કથાના પ્રારંભે આયોજક સંતોષભાઇ ચોહલાના માતુશ્રી મણીબેન સોંડાભાઇ ચોહલા, ભરતભાઇ ચોહલાના માતુશ્રી કંકુબેન પાંચાભાઇ ચોહલા, પૂજય જીજ્ઞેશદાદા, બાવળીયા ધામના રામબાપુ, શૈલેષદાદા પંડિત, રામચન્દ્રદાસજી મહારાજ તથા સમાજના અગ્રણીઓની હાજરીમાં દીપ પ્રાગટય થયું હતું.

આ પછી વ્યાસપીઠ પર ભાગવત કથા ગ્રંથનું ફુલહાર વડે સ્વાગત સંતોષભાઇ ચોહલાએ કર્યું હતું. જાણીતા લોકગાયક પાચાભાઇ આહીરે પણ જીજ્ઞેશદાદાને વંદન કર્યા હતા.

શહીદોને શ્રધ્ધાંજલિક

પૂ. જીજ્ઞેશદાદાએ આજે પુલવામામાં શહીદોને શ્રધ્ધાંજલિ અર્પી હતી. એમણે કહ્યું કે શહીદોના પરિવારને આ દુઃખ સહન કરવાની શકિત આપે અને સામે મોત હોય તો પણ આપણી રક્ષા કરવા દોડી જનારા સૈનિકોની હિંમતને બિરદાવીએ. કહી 'ઓમ'ના નાદ સાથે તમામ શ્રોતાઓએ ઊભા થઇ એક મિનિટ મોૈન પાળી શ્રધ્ધાંજલિ અર્પિ હતી.

(9:21 am IST)