Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

અમરેલી તોલમાપ વિભાગના જુનીયર તોલમાપ નિરીક્ષકે ૪ હજારની લાંચ માંગી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૧ :. અમરેલીના નજીક લીલીયા રોડ પર લાલાવદર ગામે આવેલા નાગનાથ પેટ્રોલ પંપ સંચાલક પાસેથી અમરેલીના બહુમાળી ભવનમાં તોલમાપ વિભાગની કચેરીના જૂનીયર તોેલમાપ નિરીક્ષક ગૌરાંગ પ્રેમજીભાઈ જાંબુકીયાએ રૃા. ૪ હજારની લાંચ માંગી હતી. તોલમાપ વિભાગની કચેરી દ્વારા પેટ્રોલ પંપની વાર્ષિક આવક ચકાસણીમાં લીટરના માપ મુજબ વેંચાણ બરાબર છે કે નહીં ? તેનુ ચકાસણી પત્ર આપવા માટે એક નોઝલના રૃા. ૧ હજાર લેખે ૪ નોઝલના રૃા. ૪ હજાર લાંચ માંગવામાં આવી હતી.

પેટ્રોલ પંપના સંચાલકને તે મંજુર ન હોવાથી તેના દ્વારા અમરેલી એસીબી દ્વારા ફરીયાદ કરવામાં આવી હતી જેને પગલે એસીબી દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જૂનીયર તોલમાપ નિરીક્ષક પેટ્રોલ પંપના સંચાલક પાસેથી માંગેલી રૃા. ૪ હજારની રકમ સ્વીકારતો હતો તે સમયે જ અમરેલી એસીબીની ટીમ દ્વારા તમે રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમરેલીના તોલમાપ વિભાગના કર્મચારી દ્વારા શહેરમાં વેપારી પાસે મોટી રકમમાં હપ્તા લેવામાં આવતા હોવાની ઘણા સમયથી ફરીયાદો ઉઠવા પામી હતી

(1:06 pm IST)