Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

વિસાવદર નજીક બસ દુર્ઘટના થઇ : ૬ મુસાફરોના મોત થયા

ઇજાગ્રસ્તોને તરત સારવાર અર્થે ખસેડાયા : ડ્રાઇવર નશામાં બસ ચલાવતો હોવાનો મુસાફરોનો આક્ષેપ સાવરકુંડલા-જૂનાગઢ રૂટની લક્ઝરી બસને નડેલી દુર્ઘટના

અમદાવાદ,તા. ૧૧ : ગુજરાતમાં આજે શનિવારના દિવસે અનેક અકસ્માતો સર્જાયા હતા જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા અને મોટી સંખ્યામાં જ લોકો ઘાયલ પણ થયા હતા. એકબાજુ વડોદરા નજીક પાદરામાં ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટમાં છના મોત થયા હતા જ્યારે અન્ય એક અકસ્માતમાં ત્રણ ભાઈઓના મોત દાહોદ હાઈવે પર થયા હતા જ્યારે જૂનાગઢ જિલ્લાના વિસાવદર નજીક લાલપુર નજીક ખાનગી ટ્રાવેલ્સની બસને અકસ્માત થતાં છ મુસાફરોના કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે ૨૦ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતમાં ઘટના સ્થળે જ ચાર મુસાફરોના મોત થયા હતા. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સ સ્થળ પર દોડી ગઇ હતી અને અકસ્માતમાં ૨૦ જેટલા ઇજાગ્રસ્તોને તાત્કાલિક જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન બે મહિલાના મોત થતાં મૃત્યુઆંક છ થયો હતો.

બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, સ્થાનિક પોલીસે આ અકસ્માત મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઇજાગ્રસ્તોની મદદે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયા સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોના ખબરઅંતર પૂછયા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે, અકસ્માત બાદ બસની ઉપરનું છાપરું તૂટીને અલગ થઇ ગયું હતું અને ઉડી ગયુ હતુ. બીજીબાજુ, બસનો ડ્રાઇવર નશામાં બસ ચલાવતો હોવાનો આક્ષેપ બસમાં મુસાફરી કરતાં પેસેન્જરોએ લગાવ્યો હતો. એટલું જ નહી, બસમાં કેપેસિટી કરતા વધુ મુસાફરો બેસાડવામાં આવ્યા હતા. બસમાં લગભગ ૫૦ જેટલા મુસાફરો બેઠેલા હતા.

દુર્ઘટનામાં મૃતકના નામ

૧. વાલજીભાઈ પ્રેમજીભાઈ કોળી

૨. ભીખાભાઇ નાથાભાઇ રામનીવાસ(બીલખા રોડ, જુનાગઢ)

૩. સલીમભાઈ વલી મહમદ મકરાણી(બસ ચાલક )

૪. શામજીભાઈ કાનજીભાઈ મકવાણા

(9:32 pm IST)