Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

મહંતશ્રી ગિરિજાદત્ત ગીરીજી અને મહામંડલેશ્વર કલ્યાણગીરીજીની આત્મીયતા હૃદય સ્પર્શી બની રહીઃ પૂ.પારસમુનિ

પૂ.ગુરૂદેવની કચ્છની ભૂમિની સ્પર્શનાઃ નારાયણ સરોવર ખાતે પધરામણી કરશે

રાજકોટ,તા.૧૧: ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ.શ્રી જગદીશમુનિ મ.સા.ના સુશિષ્ય સદ્દગુરૂદેવ પૂ.શ્રી પારસમુનિ મ.સા. તા.૧૦ના કચ્છની ધરા પર પાવન પગલા કરતા સત્સંગ અને અહિંસાધર્મનો પ્રચાર- પ્રસાર કરતા દુર્ગાપુર- નવાવાસ મહેન્દ્રભાઈ દામજી ગાલા (સૂક્ષ્મ), ભરતભાઈ વીરા, નૌતમભાઈ, કમલેશભાઈ ગજરાજ પરિવાર, અજીતસિંહ સોઢા વગેરે તેમજ સંઘ પ્રમુખ વિજયભાઈને ત્યાં પાવન પગલા કરી ગોધરા પ્રેરણાધામ પધાર્યા હતા.

પ્રેરણાધામ સર્વધર્મ સમન્વયની ભાવનાથી એક જૈન પરિવારે નિર્માણ કર્યુ છે. જયાં અંબિકાદેવીનું મંદિર હોવાથી અંબે  ધામ તરીકે પ્રખ્યાત થયુ છે. ગોધરાથી ડોણ પધાર્યા જયાં ૪૦૦ વર્ષ જુનુ દેરાસર અને સંસ્કૃતિની ભવ્યતાનું દર્શન કરાવતી કલાકૃતિ   છે. કલાકૃતિ સંસ્કૃતિને હજારો વર્ષો સુધી જાળવી રાખે છે.

ડોણથી નાના રતાડિયાની પાસે આવેલ શ્રી પીઠ આશાપુરા મંદિર પર પધાર્યા. ત્યાં ભૂતપૂર્વ સભાપતી યુગ પુરૂષ શ્રી મહંત ગિરીજાદત્તગીરીજી મહારાજ જેઓ ૧૦૯ વર્ષના છે. ૯ વર્ષની વયે ઘરનો ત્યાગ કરેલ. ૧૬ વર્ષની વયે શ્રી દેવગીરી મહારાજ નાગપુર પાસે કમાઠી આશ્રમ પર સંન્યાસ દીક્ષા પ્રદાન કરેલ. જેઓ સર્વધર્મ સદ્દભાવની ભાવનાથી કાર્ય કરી રહ્યા છે. તેમના સુશિષ્યા શ્રી મહા મંડલેશ્વર કલ્યાણગીરીજી મહારાજ તેમજ મહંત શ્રી શંભુગિરીજી મહારાજ સાથે સત્સંગ મિલન થયું. શ્રીમહંત અને મહામંડલેશ્વરની સરલતા, સહૃદયતા, આત્મીયતા હૃદય સ્પર્શી રહી.

મંત્ર- તંત્ર- યંત્ર સાધનાના અનેક રહસ્યો તેમજ અનેક રહસ્યમય જ્ઞાનની અને ૧૦૯ વર્ષના અનુભવોનો ખજાનો પૂ.ગુરૂદેવ સમીપે જાણે પૂ.ગીરીજાદત્તગીરી બાપુએ આપ્યો હોય તેમ તેણે અનુભવોનો નીચોડરૂપ વાત કરી કે જીવનમાં સાત્વિક સાધના કરવી જોઈએ. તામસિક કે તાંત્રિક સાધનાથી સાધકે દૂર રહેવું જોઈએ. સાધકે સ્વાર્થવૃતિનો ત્યાગ કરી પરમાર્થવૃતિ અપનાવવી જોઈએ. જે સાધક રૂપકે રૂપિયા પાછળ દોડે છે તે કદાચ પ્રારંભમાં મેળવીલે છે. પરંતુ અંતે જીવન કષ્ટદાયક અને નિષ્ફળ બને છે. મંત્ર સાધના પણ નિષ્કામભાવથી થાય તો તારક બને છે.

ખારી નદીના કિનારે આશાપુરા દેવીનું પ્રાગટય થયું. નાગરેચાના જૈન પરિવારને પત્રી (પાન) લેવાનો હકક અહીં કાયમ છે. શ્રી પીઠ આશાપુરાથી રાજડા ટેકરી પૂ.ગુરૂદેવ પધારતા ત્યાં શ્રી અર્જુનનાથજીએ પૂ.ગુરૂદેવનું સ્વાગત કર્યું. પૂજય મિશ્રિનાથની જગ્યા જયાં તેઓએ જીવંત સમાધિ લીધેલ અર્જુનનાથજી નાથ સંપ્રદાયના સંત છે.

રાજડા ટેકરીથી ભુજોઈ, ડુમરૂ થઈ નલિયા પધારશે. નલિયા સમગ્ર ગુજરાતનું ઠડું શહેર છે. નલિયાથી કોઠારા થઈને કોટેશ્વર અને નારાયણ સરોવર પધારશે. નારાયણ સરોવર પધારનાર દ્વિતિય જૈન સંત તરીકે પૂ.ગુરૂદેવ પારસમુનિ મ.સા. છે.

ઈ.સ.૧૯૮૫ના ડિસેમ્બર મહિનામાં કચ્છ આઠ કોટિ મોટી પક્ષ સંપ્રદાયના આચાર્યદેવ પૂ.છોટાલાલજી સ્વામી નારાયણ સરોવર સંતશિરોમણી પૂ.મધુસુદનજી ૧૦૫ વર્ષના બિરાજમાન હતા. ત્યારે ત્યાં પધારેલ અને પાંચ દિવસ ત્યાં સ્થિરતા કરેલ ત્યારબાદ ૩૪ વર્ષે ગોંડલ સંપ્રદાયના સદ્દગુરૂદેવ પૂ.શ્રી પારસમુનિ મ.સા.નારાયણ સરોવર પધારશે. કચ્છની ભૂમિની આટલી સ્પર્શના ગોંડલ સંપ્રદાયના સંતે પ્રથમવાર કરી છે.

 કચ્છની પુણ્યધરા પર અનેક સંતો, મહંતો, મહંતો, સિધ્ધ પુરૂષો અને મહાન સાધક આત્માઓ થઈ ગયા. જેમની આ પુણ્યધરા પર પધરામણી થઈ.

છાયા ચંદ્રગ્રહણની સાધના પૂ.ગુરૂદેવે શ્રી પીઠ આશાપુરાની જગ્યા પર કરી. આ ચંદ્રગ્રહણનું સૂતક લાગેલ નથી છાયા ગ્રહણ હતું. ખગ્રાસ કે ખંડગ્રાસ ગ્રહણ ન હતું. જે સર્વને વિદિત રહે.

(3:20 pm IST)