Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં અધિકારીઓની AC ચેમ્બરના મુદ્દે ગરમાગરમી, પરીપત્રના વિરોધમાં ઠરાવ થયો

પરીપત્રમાં ખર્ચ જે તે અધિકારી પાસે વસુલવા જણાવાયું હોવાથી મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો

વઢવાણ, તા.૧૧: રાજય સરકારે જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા કલાસ-૧ અને કલાસ-૨ અધિકારીઓ જેમને એસીની સગવડતા નથી મળતી તેમના એસીનું બિલ તેમની પાસેથી વસુલ કરવા પરીપત્ર જાહેર કર્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની યોજાયેલી કારોબારી બેઠકમાં આ મુદ્દો ગાજયો હતો. જેમાં આ ખર્ચો જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી ચૂકવાતો હોવાનું જણાવી પરીપત્રના વિરોધમાં ઠરાવ કરાયો હતો.

ગુજરાત રાજયના વિકાસ કમીશ્નરે તા. ૪ જાન્યુઆરીના રોજ પરિપત્ર બહાર પાડી સરકારના વર્ગ-૧ અને વર્ગ-રના અધિકારીઓને નીયમોનુસાર મળતી ન હોય તેવી એસી ચેમ્બર અને એસી વાહનની સગવડો કચેરીમાં ધરાવતા હોવાનું કહ્યુ છે. જેમાં અધિકારીઓએ આ સગવડો પોતાના ખર્ચે ઉભી કરી હોય છતાં તેનું બિલ કે વાહનના ડીઝલનો ખર્ચ સરકાર પર આવતો હોવાથી આવી સગવડતાઓ દૂર કરવા આદેશ થયો છે. જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી રાજેશ રાજયગુરૂએ તપાસના આદેશો પણ આપી દીધા છે. આ પરીપત્રના પગલે જિલ્લા પંચાયતના કલાસ-૧ અને કલાસ-ર અધિકારીઓમાં એસી દૂર કરવા દોડધામ મચી છે.

આ પરીપત્રમાં એસીના લાઇટ બિલનો ખર્ચ પણ જે તે અધિકારી પાસે વસૂલવા જણાવાયુ હોવાથી જિલ્લા પંચાયત સંકુલમાં આ પરીપત્ર ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની શુક્રવારે યોજાયેલી કારોબારી બેઠકમાં આ મુદ્દો ગાજયો હતો. જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ભગવતીબેન સુનીલભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કારોબારી બેઠકમાં જિલ્લા પંચાયતના સભ્ય ભૂપતસિંહ રાણાએ આ મુદ્દે વિરોધ વ્યકત કર્યો હતો.

ભૂપતસિંહના જણાવ્યા મુજબ ગાંધીનગર સચીવાલયમાં દરેક ઓફિસોમાં એસી હોય જ છે. જેનો ખર્ચ પ્રજાના પૈસામાંથી જ ચૂકવાય છે. જયારે જિલ્લા પંચાયતમાં એસીના લાઇટ બિલનો ખર્ચ જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી ચૂકવવામાં આવે છે. આ અંગેનો ઠરાવ જિલ્લા પંચાયતની કારોબારી બેઠકમાં સર્વાનુમતે પસાર કરી તેને રાજય સરકારમાં પણ મોકલવામાં આવનાર છે.

(1:04 pm IST)