Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

ઝાલાવડમાં માતૃભાષા ગુજરાતી ગૌરવને ઉજાગર કરતી શૈક્ષણિક 'જ્ઞાનગોષ્ઠી' સંપન્ન

સુરેન્દ્રનગર,તા.૧૧: આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં સમાજમાં વધતા જતા અંગ્રેજીના પ્રભાવની સામે માતૃભાષા ગુજરાતીનું ગૌરવ પ્રસ્થાપિત થાય અને કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય (કે.જી.બી.વી.) માં ધોરણ-૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સહઅભ્યાસની પ્રવૃત્ત્િ।ઓની સાથે માતૃભાષા ગુજરાતીનું મહત્વ સમજી શકે અને તેના થકી ગુજરાતી ભાષા-સાહિત્યની વિશેષ સમજ વિદ્યાર્થીનીઓમાં આવે તેવા બહુહેતુક ઉદ્દેશ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર મોડેલ સ્કુલ ખાતે પાંચ દિવસીય એક અનોખી જ્ઞાન શિબિર- શૈક્ષણિક શિબિર 'જ્ઞાનગોષ્ઠી' યોજાઈ હતી.

જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત જેન્ડર યુનિટ દ્વારા આયોજીત આ શ્નશ્નજ્ઞાન ગોષ્ઠીશ્નશ્ન શિબિરમાં જિલ્લામાં કાર્યરત ૨૦ પૈકી ૧૩ કે.જી.બી.વી.માં ધોરણ-૯માં અભ્યાસ કરતી ૨૫૦ થી વધુ વિદ્યાર્થીનીઓએ પાંચ દિવસ દરમિયાન યોજાયેલ વિવિધ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લઈ તેમનામાં પડેલી સુશુપ્ત શકિતના દર્શન કરાવ્યા હતા.

આ પાંચ દિવસીય કાર્યક્રમ પણ આવો જ એક સાચી દિશા દર્શન કરાવતો કાર્યક્રમ બની રહયો હતો, જેના પરિણામે જિલ્લાના વિવિધ વિસ્તારોની કે.જી.બી.વી.માં રહીને અભ્યાસ કરતી ગરીબ પરિવારોની દિકરીઓમાં પડેલી સુશુપ્ત શકિત વિવિધ રચના-કૃતિઓ તેમજ ચિત્રોના માધ્યમ દ્વારા બહાર આવી હતી.

લખતર સ્થિત મોડેલ ઙ્ગસ્કુલ ખાતે નવા વર્ષના પ્રારંભમાં યોજાયેલ આ જ્ઞાન ગોષ્ઠીમાં માતૃભાષા ગુજરાતી પ્રત્યે વિદ્યાર્થીનીઓનો લગાવ વધે તે માટે ગુજરાતી ભાષાના છંદ, અલંકાર તેમજ સાહિત્યના પ્રકારો વિશે દરરોજ આ ક્ષેત્રના નિષ્ણાંતો – તજજ્ઞો દ્વારા માર્ગદર્શક વકતવ્ય આપી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરી તેમનામાં પડેલી પ્રતિભાને બહાર લાવવાના સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત શિબિરના સ્થળે વિવિધ સ્ટોલ ઉભા કરી તેમાં ગુજરાતી ભાષા-સાહિત્યના શ્રેષ્ઠ લેખકોના ઉત્ત્।મ પુસ્તકોની સાથે વિવિધ કેટેગરીના પુસ્તકો-સાહિત્ય વાંચન માટે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. જેની ફળશ્રુતિ રૂપે જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આ શિબિરમાં ભાગ લેવા આવેલ વિદ્યાર્થીનીઓ ગુજરાતી ભાષા સાહિત્યના વિવિધ પ્રકારો, કાવ્યો, લેખો-વ્યાકરણની બહોળી સમજ પ્રાપ્ત કરી શકી અને પોતાના મૌલીક વિચારો અભિવ્યકત કરતી થઈ. એટલું જ નહી, પરંતુ આના કારણે અધ્યયનની વિવિધ નિષ્પતીઓ ૫૦ ટકા કરતાં વધારે સિધ્ધ થઈ શકી છે.

આ જ્ઞાનગોષ્ઠીમાં ભાગ લેવા આવેલ મૂળી તાલુકાના ગઢાદ કે.જી.બી.વી.ની વિદ્યાર્થીની જયા સાંબળએ તેની લાગણી વ્યકત કરતાં ઉત્સાહભેર જણાવ્યું હતું કે, આ પાંચ દિવસ દરમિયાન અમે દ્યણું શિખ્યા. શિબિરમાં દરરોજ અલગ-અલગ કાર્યક્રમોની સાથે માતૃભાષાના ગૌરવને સમજાવતા માર્ગદર્શક વકતવ્યોના કારણે અમને ગુજરાતી ભાષા-વ્યાકરણનું જ્ઞાન મળ્યું છે. સાથો-સાથ ગુજરાતી ભાષા-સાહિત્યના કવિ-લેખકો અને તેમની કૃતિઓ પણ અમને જાણવા-સમજવા મળી. આવી શિબિરોનું સમયાંતરે આયોજન થાય તો અમારા જેવી અનેક બહેનોને ગુજરાતી ભાષાની વિસ્તૃત સમજણ મળી શકે. આવો જ વિચાર ચોટીલા તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા ચિરોડા કે.જી.બી.વી.ની શિબિરાર્થી એવી મનીષાએ વ્યકત કર્યો હતો. આ શિબિરમાં વૈચારિક ભોજનની સાથે અપાતા સ્વાદિષ્ટ ભોજન અને નિવાસની વ્યવસ્થાથી સંતોષ વ્યકત કરી મનિષાએ શિબિરના માધ્યમથી સમુહ જીવનના પાઠ શિખવા મળ્યા હોવાનું વધુમાં જણાવ્યું હતું.

આ શૈક્ષણિક શિબિરનો ઉદ્દેશ સમજાવતા જિલ્લા કો. ઓર્ડીનેટરશ્રી જાગૃતિ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, કે.જી.બી.વી.માં રહીને અભ્યાસ કરતી ધોરણ-૯ની વિદ્યાર્થીનીઓ માતૃભાષાનું મહત્વ સમજે, ગુજરાતી સાહિત્યનો પરિચય મેળવે અને ધોરણ-૯ની અધ્યયન નિષ્પતી સિધ્ધ થાય તેવા અનેકવિધ ઉદ્દેશ સાથે જ્ઞાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાંચ દિવસ દરમિયાન અલગ-અલગ તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીનીઓને ગુજરાતી ભાષાનું વ્યાકરણ, સાહિત્ય, લેખક પરિચય અંગે સારૂ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

(11:45 am IST)