Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

ગોંડલ બાલાશ્રમની સાત બાળાઓને કરિયાવરમાં રાજકોટના બિલ્ડરે ૧૦૦ વારના પ્લોટ આપ્યા

બાળાઓના લગ્નને લઇ સમગ્ર ગોંડલ શહેર તેમજ પંથક માંડવીયા અને મામેરિયાત બની લગ્નની તૈયારી

ગોંડલતા.૧૧: ગોંડલ નગરપાલિકા સંચાલિત બાલાશ્રમમાં પનાહ લઈ રહેલ સાત બાળાઓના લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી છે બાળાઓને કરિયાવરમાં કોઈપણ જાતની ક્ષતિ ન રહે તે માટે શહેર તેમજ પંથકના લોકો માંડવીયા અને મામેરીયાત બની કામ કરી રહ્યા છે ત્યારે રાજકોટના બિલ્ડર દ્વારા બાળાઓને ૧૦૦ વારના પ્લોટ આપવાની જાહેરાત કરાતા સોનામાં સુગંધ ભળી જવા પામી છે.

બાલાશ્રમની સાત બાળાઓના લગ્ન પ્રસંગને લઈ શહેરમાં હરખની હેલી પ્રસરી છે ત્યારે ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, નાગરિક બેન્કના ચેરમેન જયંતિભાઇ ઢોલ, પાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા ઉપ પ્રમુખ અપઁણા બેન આચાર્ય બાલાશ્રમ નાં ચેરમેન અનિતાબેન રાજયગુરુ ની આગેવાનીમાં લગ્નોત્સવ ને ઉજવવા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે રાજકોટ ના બિલ્ડર એન કે લુણાગરિયા, પ્રકાશભાઈ જૈન દ્વારા કુવાડવા પાસે હીરાસર નજીક નવા બની રહેલ એરપોર્ટ પાસે સાતેય દીકરીઓ ને ૧૦૦ વાર ના પ્લોટ આપવાની જાહેરાત કરાતા સોનામાં સુગંધ ભળી જવા પામી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકાના દેરડીકુંભાજી ગામે રહેતા અને સામાજિક કાર્યોમાં અગ્રેસર રહેતા યુવાન ચિરાગ ગોળ દ્વારા થોડા દિવસ પહેલા બલાશ્રમની દીકરીઓના લગ્ન પ્રસંગને લઈ વોટ્સઅપમાં મેસેજ કરવામાં આવ્યો હતો જેના થકી રાજકોટ ના બિલ્ડરોએ સંપર્ક કર્યો હતો અને સાતેય બાળાઓને કરિયાવરમાં ૧૦૦ વાર ના પ્લોટ ની ભેટ મળવા પામી હતી. એક પ્લોટ ની આશરે કિંમત હાલ ત્રણ લાખ જેવી ગણાય છે તેવું સૂત્રો એ જણાવ્યું હતું.

(11:43 am IST)