Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

કોટડા સાંગાણીના નાયબ મામલતદારને મારકુટ કરી ફરજમાં રૂકાવટ કરવા અંગે ઉપસરપંચ સહિત ૪ ને ૩ વર્ષની સજા

ગોંડલ, તા. ૧૧ : કોટડાસાંગાણીમાં નવ વર્ષ પહેલા મામલતદારની ફરજમાં રૂકાવટ કરવાના ગુન્હામાં ઉપસરપંચ તેમજ અન્ય ચાર શખ્સો વિરુદ્ઘ નોંધાયો હતો જે અંગેનો કેસ અત્રેની સેસન્સ અદાલતમાં ચાલી જતા અદાલતે પાંચેય શખ્સોને ૩ વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ નવ વર્ષ પહેલા કોટડાસાંગાણી માં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં જેઠાલાલ વશરામભાઈ ચાવડાની ફરજમાં હાલ કોટડાસાંગાણીના ઉપસરપંચ અશોક ગોરધનભાઈ ઠુંમર, રમણીક બાબુભાઈ વદ્યાસિયા, સંજય ભીમજીભાઇ સોરઠીયા, અશોક ગાંડુભાઈ સોરઠીયા તેમજ ભરત લવજીભાઈ સોજીત્રા સહિતનાઓએ ગેરકાયદેસર મંડળી રચી એકસંપ થઇ ખેડૂતના દાખલા તમે કેમ કાઢી આપતા નથી તેમ કહી નાયબ મામલતદારને ફડાકો મારી ફરજમાં રૂકાવટ કરી હતી અને તે અંગે પોલીસ માં ગુન્હો નોંધાયો હતો જે અંગેનો કેસ અત્રેની સેશન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયમૂર્તિએ સરકારી વકીલ દ્યનશ્યામભાઈ ડોબરીયા ની દલીલો, દસ્તાવેજી પુરાવા, સાહેદોની જુબાની ને ધ્યાને લઇ IPC કલમ ૩૩૨ માં ઉપરોકત શખ્સોને કસૂરવાર ઠેરવી ૩ વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

(11:39 am IST)