Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

જુનાગઢમાં કારની ઠોકરે વૃધ્ધનું મોતઃ ટોળાએ કાર ફુંકી મારી

બેકાબુ કારના ચાલકે અનેક વાહનો અને બાઇક ચાલકને ઉલાળ્યોઃ ડસ્ટર કાર ચાલની શોધખોળ

જુનાગઢ : તસ્વીરમાં કારને લોકોએ નિશાન બનાવીને સળગાવી નાખી હતી. (તસ્વીર :- મુકેશ વાઘેલા -જુનાગઢ)

જૂનાગઢ તા. ૧૧ :.. જુનાગઢમાં રાત્રે બેકાબુ બનેલી ડસ્ટર કારનાં ચાલકે અનેક વાહનોને ઉડાવી બે વ્યકિતને ઠોકર મારી હતી. જેમાં સારવાર દરમ્યાન એક વૃધ્ધનું મૃત્યુ નિપજયું હતું.

આ અકસ્માતથી ઉશ્કેરાયેલા લોકોનાં ટોળાએ કાર ફંુકી મારી હતી.

શહેરના ખલીલપુર રોડ પર ગત રાત્રે ૯ વાગ્યાના અરસામાં એક સફેદ કલરની ડસ્ટર કારનાં ચાલકે પોતાની કારને બેફામ હંકારી કાબુ ગુમાવતાં તેણે મોટર સાયકલ સહિતના વાહનોને ઉડાવ્યા હતાં.

તેમજ જોશીપરાનાં દિનેશભાઇ સુંદરજીભાઇ પંચારા (ઉ.૬૦) નામનાં વૃધ્ધ અને એક મોટર સાયકલ સવારને હડફેટમાં લઇ બંનેને ગંભીર ઇજા પહોંચાડી હતી.

આ અકસ્માત બાદ કારનો ચાલક નાસી ગયો હતો અને અકસ્માતથી રોષે ભરાયેલા લોકોનં ટોળાએ કારને આગ ચાંપીને ફુંકી મારી હતી.

આ અંગેની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો અને બર્નીંગ કારની આગ બુઝાવી દીધી હતી પોલીસે લોકોનાં ટોળાને વિખેરી આગળની કાર્યવાહી હતી.

આ અકસ્માતમાં દિનેશભાઇ પંચારા નામનાં વૃધ્ધને જૂનાગઢ ખાતે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા જયાં તેનું મૃત્યુ થયુ હોવાનું જાણવા મળેલ છે.

આ અકસ્માત અંગે પ્રતાપભાઇ ભીખાભાઇ ડોડીયાએ ડસ્ટર કારનાં ચાલક સામે ફરીયાદ કરતા બી. ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

લોકોએ ડસ્ટર કારને આગ ચાંપી દેતા રૂ. ૧ લાખનું નુકશાન થયુ હતું. વિશેષ તપાસ પીએસઆઇ એ. કે. પરમાર ચલાવી રહ્યા છે.

ગુર્જર સુથાર વૃધ્ધ વોકિંગ માટે નીકળ્યા ને કાળ ભેટ્યોઃ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૧: બેકાબૂ ડસ્ટર કારના ચાલકે અકસ્માતની  હારમાળા સર્જ્યાની ઘટનામાં જુનાગઢ જોષીપુરા સિધ્ધી વિનાયકનગર ગેઇટ નં. ૨માં રહેતાં દિનેશભાઇ સુંદરજીભાઇ પંચાસરા (ઉ.વ.૬૫) નામના ગુર્જર સુથાર વૃધ્ધને ગંભીર ઇજા થઇ હોઇ તેમને જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોડી રાત્રે તેમણે દમ તોડી દેતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

મૃત્યુ પામનાર દિનેશભાઇ પંચાસરા મિસ્ત્રી કામ કરતાં હતાં. તેઓ છ ભાઇમાં ચોથા હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. રાત્રે નવેક વાગ્યે તેઓ ઘરેથી વોકીંગ કરવા નીકળ્યા હતાં ત્યારે બેકાબૂ ડસ્ટર કારની ઠોકરે ચડી ગયા હતાં. રાજકોટ હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રાથમિક કાગળો કરી જુનાગઢ પોલીસને જાણ કરી હતી.

(11:14 am IST)