Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

કુંવરજીભાઇ બાવળીયાના બંગલે મળેલ મીટીંગ ભાવનગર જિલ્લા ડેમેજ કંટ્રોલનું કારણ બની

માઇનીંગનો વિરોધ કરતા ખેડૂતો માટે કેબીનેટ મંત્રીએ ફોન ધણધણાવી સક્રિયતા દાખવીઃ કોળી સમાજમાં કુંવરજીભાઇ 'બાહુબલી' તરીકે ઉપસ્યા : એક પંથ દો કાજ

ભાવનગર તા. ૧૧ : ગઇકાલે ગાંધીનગર ખાતે કુંવરજીભાઇ બાવળીયાના બંગલે મળેલી બેઠકમાં ભાજપ અને બાવળીયાએ એક કાંકરે કેટલા પક્ષીને આંટી દીધાની હવા ફેલાઇછે. કોળી સમાજની એકતા ભાજપની વોટ બેંક અંકે કરવા, સોલંકી બંધુ પર અંકુશ, માઇનીંગ વિરોધનો બળવો શાંત કરવા તથા કોળી ઠાકોર સમાજમાં બાહુબળી તરીકે પ્રસ્થાપિત થવા માટે આ બેઠકને ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્રના કોળી સમાજના આગેવનોની કુંવરજીભાઇ બાવળિયાના ગાંધીનગર નિવાસ સ્થાને આજ બેઠક મળી હતી. બે કલાક થી વધુ આ બેઠક બંધ બારણે ચાલી હતી. બેઠકમાં સમાજ હિતની વાત અને ભાજપ માં ભળ્યા બાદ બાવળિયા ના વધેલા રાજકીય કદ અને કેબિનેટ પ્રધાન બનાવ્યા હોય શુભેચ્છા મુલાકાત તરીકે ગણાવવા માં આવી રહી છે.

આ બેઠકમાં તળાજા શહેર તાલુકા કોળી સમાજ ના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. માઇનિંગનો વિરોધ કરી રહેલ લોકોમોટા ભાગે કોળી સમાજના હોય તે બાબતે પણ ચર્ચા કરી હોવાનું બેઠકમાં હાજરી આપનાર આગેવાનો એ સમર્થન આપેલ હતું.

'સમય સમય બલવાન હે,નહિ આદમી બલવાન'. આ શબ્દોને ચરિતાર્થ કરતી ઘટના કોળી સમાજના સૌરાષ્ટ્ર પ્રાંતના આગેવાનોની રાજયના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાના નિવાસસ્થાને મળેલી બેઠકને લઈ જોવા મળી. ભાજપને રાજયના બહુમત કોળી સમાજનો એક ચહેરો જોઈતો હતો. જે છેલ્લા દોઢ દાયકાથી પરસોત્તમ સોલંકીના રૂપમાં હતો. પરસોત્તમ સોલંકીનું કદ ઘટાડવા માટે ભાજપ એ કુંવરજી બાવળિયાને પક્ષમાં લાવી સીધાંજ રાજયના કેબિનેટ મંત્રી બનાવી જસદણની ચૂંટણી જીત્યા બાદ બાવળિયાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથેની વાયરલ તસવીરો એ બાવળિયા નું કદ વધારી દીધું.

કુંવરજી બાવળિયા અખિલ ભારત કોળી સમાજના હાલ પ્રમુખ છે. આજ ગાંધીનગર સ્થિત બાવળિયાના નિવસસ્થાને સૌરાષ્ટ્રના કોળી સમાજની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં તળાજા તાલુકા શહેર પ્રમુખ કરશભાઈ ગુજરીયા,ભરતભાઇ સરવૈયા, રણછોડભાઈ ચાવડા,ધરમશીભાઈ માસ્તર, મન્ગાભાઈ ગોહિલ, મથુરભાઈ સહિતના એ બેઠકમાં ભાગ લીધો હતો.

તળાજા વિસ્તારના આગેવાનો એ જણાવ્યૂ હતું કે બે કલાક જેટલી બેઠક ચાલી હતી. આમ તો આ શુભેચ્છા મુલાકાત હતી. પરંતુ તળાજા મહુવા તાલુકા ના દસ ગામડાના લોકો જે માઇનિંગ નો વિરોધ કરી રહ્યા હતા. તેને લઈ પોલીસ સાથે થયેલ ઘર્ષણ અને પોલિસ એ અમાનુષી માર મારેલ હોય તે બાબતે કુંવરજી બાવળિયા ને કરેલી રજુઆતને લઈ તેમણે મોબાઈલ પર આગેવાનોની હાજરીમાં જ મુખ્યમંત્રી સાથે વાત કરી હોવાનું આગેવાનોએ ખાસ ઉમેર્યૂ હતું.

આ બેઠકનો હેતુ કુંવરજી બાવળિયા ની શુભેચ્છા અને સમાજ ને મજબુત કરવાનો હેતુ માત્ર જણાવવામાં આવે છે. પરંતુ રાજકીય વિશ્લેષકો ભાવનગર જિલ્લામાં બહુમત કોળી સમાજ હોય આથી નિરમાં આંદોલન, માઇનિંગ પ્રકરણે કોળી સમાજ પર દમન સરકારના ઈશારે ગુજારવામાં આવેલ હોવાની લાગણી અને બાડી પડવા વિસ્તારના ખેડૂતોનું આંદોલનમાં કોળી સમાજ જે અન્યાય અને દમનની લાગણી અનુભવી રહ્યો છે અને તેના કારણે આગામી લોકસભા પર ભાજપને નુકશાન ન જાય તે માટે ડેમેજ કન્ટ્રોલનો એક ભાગ પણ આ બેઠક ગણવામાં આવે છે.(

સોલંકી બંધુના સમાજ પરના દબદબા સામે ઉભા થયા પ્રશ્નાર્થ

સમય કોઈ એક વ્યકિત નો કાયમ રહેતો નથી. કોળી સમાજના મસીહા તરીકે જેમની છાપ હતી તેવા પરસોત્તમ સોલંકીની હવે જોવા નથી મળતી. ભાજપ ને હવે કુંવરજીભાઇ મળી ગયાનું કહેવામાં આવે છે. આથી પરસોત્તમ સોલંકી પરિવાર એ ભાવનગર જિલ્લા માં પોતાનો દબદબો જાળવવો હોય તો જિલ્લા માં સક્રિય થવું જરૂરિ છે. વર્તમાન સમયે મહુવા અને તળાજા વિસ્તારના કોળી સમાજ સહિત ખેડૂત વર્ગની લાગણી જીતવા માટે માઇનિંગના મુદ્દે પોલીસ એ કરેલા બળ પ્રયોગ નો મુદ્દો ગરમ છે તેમ રાજકીય લોબીમાં ચર્ચાનો વિષય છે.(૨૧.૧૪)

(11:48 am IST)