Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

છબીલ પટેલના અમેરિકા પ્રવાસ અંગે પુત્ર સિધ્ધાર્થની પૂછતાછ

સીટ દ્વારા ભૂજના એક રાજકારણી, વકિલ અને ગાંધીધામના એક વ્યકિતની પૂછપરછ કરાઇ : હત્યા અંગે ચકચારઃ જેન્તી ભાનુશાળી કેસમાં બિનવારસુ પ્લસર કબ્જે : ટ્રેનમાં ગાંધીધામ સ્ટેશને કોણ મળવા આવેલ

ભુજ તા. ૧૧ : જેન્તી ભાનુશાળીની હત્યા બાદ તેમના પરિવારજનો દ્વારા સતત જાહેરમાં મુખ્ય તહોમતદાર તરીકે પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ ઉપર હત્યાનો આરોપ લગાવાઇ રહ્યો છે.  આઙ્ગ પહેલા પણ બળાત્કારની એકબીજા સામે થયેલી બે પોલીસ ફરિયાદો બાદ જેન્તી ભાનુશાલી અને છબીલ પટેલની રાજકીય દુશ્મનાવટ ચર્ચા અને વિવાદમાં રહી હતી. જેન્તીભાઈની હત્યાના ગુનામાં છબીલ પટેલની સાથે સિદ્ઘાર્થ પટેલનું પણ નામ છે. જોકે,હત્યા સમયે છબીલ પટેલ અમેરિકા ગયા છે એવું જણાવાઈ રહ્યું હતું. સીટની પોલીસ ટીમે છબીલ પટેલને ટ્રેસ કરવા માટે તેમના પુત્ર સિદ્ઘાર્થની પૂછપરછ કરીને તેમના અમેરિકા પ્રવાસની વિગતો મેળવવાની ગતિવિધિ હાથ ધરી છે.

જેન્તી ભાનુશાળી હત્યા કેસનો ભેદ ઉકેલવા સીટની પોલીસ ટીમે કવાયત શરૂ કરી દીધી છે. બે દિવસ થયા સીટની વિવિધ પોલીસ ટીમની તપાસનો કચ્છમાં ધમધમાટ અનુભવાઈ રહ્યો છે.

દરમિયાન સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે પોલીસ ટીમે જેન્તીભાઈના ભત્રીજા સુનિલ ભાનુશાળીએ કરેલી એફઆઈઆરમાં જે બે નામ છે તેમની પૂછપરછ કરી છે. ભુજના એક વકીલ કે જે હમણાં અમદાવાદ રહે છે, તે એસ.ટી. પટેલ ની પૂછપરછ કરાઈ છે. મૃતક જેન્તી ભાનુશાલી સામે જે તે સમયે થયેલી બળાત્કાર ની ફરિયાદ બાદ વકીલ એસ. ટી. પટેલ અને આ સમગ્ર કેસ બાદ ચર્ચામાં આવેલા પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ ની ઓડિયો ટેપ વાયરલ થઈ હતી.

જેમાં છબીલ પટેલે જેન્તી ભાનુશાળી વિશે વાત કરી હતી. સીટની ટીમે ભુજમાં જેન્તીલાલ જેઠાલાલ ઠક્કરની પણ પૂછપરછ કરી હતી. અબડાસાના ડુમરા ગામના અને હાલે ભુજ માં રહેતા જેન્તીલાલ જેઠાલાલ ઠક્કર નું નામ એફઆઈઆર ઉપરાંત પોલીસે નોંધેલા ગુનામાં પણ છે. સતત ત્રણથી ચાર કલાક તેમની કરાયેલી આ પૂછપરછ વિશે પોલીસ સૂત્રો દ્વારા કંઈપણ સતાવાર માહિતી અપાઈ નથી. અન્ય એક શખ્સની પૂછપરછ કરાઈ તેનું નામ કમલ ભાટિયા છે અને તે ગાંધીધામ રહે છે. જોકે, તેનું નામ એફઆઇઆરમાં કે પોલીસે નોંધેલા ગુનામાં નથી.

જેન્તીભાઈએ ટ્રેનમાં બેસતા પહેલા કોઈ વ્યકિતને ફોન પર એમ કહ્યું હતું કે આપણે ગાંધીધામ સ્ટેશને મળીએ. પોલીસે ગાંધીધામ સ્ટેશને સીસી ટીવી ફૂટેજ મેળવીને એસી ફર્સ્ટ કલાસ કોચમાં કોણ આવ્યું હતું તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. આ સિવાય ગાંધીધામ રેલવે સ્ટેશનેથી એક પલ્સર બાઇક બિનવારસુ મળી છે તેની પણ છાનબીન કરાઈ રહી છે.(૨૧.૧૦)

(10:28 am IST)