Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

વંથલી પાસે રૂ. ૨૬.૫૪ લાખના દારૂ સાથે આઇસર ઝડપાયુ

દારૂની હેરાફેરી થાય તે પહેલા પોલીસનું સફળ ઓપરેશનઃ રૂ. ૩૭.૨૪ લાખનો મુદ્દામાલ કબ્જે

જૂનાગઢ તા. ૧૧ : વંથલી પાસેથી પોલીસે દારૂની હેરાફેરી થાય તે પહેલા ઓપરેશન પાર પાડીને રૂ. ૨૬.૫૪ લાખના વિદેશી દારૂ સાથેનો આઇસર મેટાડોર પકડી પાડી કુલ રૂ. ૩૭.૨૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરતા દારૂના ધંધાર્થીઓમાં હલચલ મચી ગઇ છે.

વંથલી તાલુકાના નવાગામ - મહોબતપરાની સીમમાં વિદેશી દારૂની હેરાફેરી થવાની હોવાની બાતમી મળતા આઇજીપી ડો. રાજકુમાર પાંડીયન અને એસ.પી.નિલેશ જાજડીયાની સુચનાથી ક્રાઇમ બ્રાંચ અને વંથલી પોલીસ વ્હેલી સવારે ધસી ગઇ હતી.

એલસીબીના પીઆઇ એ.બી.સીસોદીયા, એએસઆઇ એસ.એમ.દેવરે, જમાદાર એસ.એ.બેલીમ, બી.જી.અખેડ, રોહિત ધાધલ, ઇન્દ્રજીતસિંહ ઝાલા, મજીદખાન હુશેનખાન ભારાઇ ઉપરાંત વંથલીના પીએસઆઇ જાડેજા સહિતના પોલીસ સ્ટાફને જોતાની સાથે જ ત્રણ શખ્સો નાસી ગયા હતા.

પોલીસે સ્થળ પરથી રૂ. ૨૬,૫૪,૪૦૦ની કિંમતના વિદેશી દારૂની ૫૫૨ પેટી સાથેનું યુપી પાસીંગનું આઇસર મેટાડોર પકડી પાડયું હતું. આ કાર્યવાહી દરમિયાન દારૂ, મેટાડોર તેમજ બે મોટરસાયકલ સહિત કુલ રૂ. ૩૭.૨૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે આઇસર મેટાડોરના માલિકનું નામ મેળવવાની અને આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

(12:53 pm IST)