Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ભાવનગરના આંગણે પૂ. નિત્યસ્વરૂપદાસજી સ્વામીના વ્યાસાસને ભાગવત કથાનો પ્રારંભ

ભાવનગર, તા. ૧૧ :. કૃષ્ણકુમારસિંહજી ગોહીલ રાજની ભાતીગળ ભૂમિ જેને કલાનગરી કે ભાવેણા તરીકે લોકો જાણે છે. તેના આંગણે શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયના ગઢપુર તાબાના નૂતન શિખરબદ્ધ શ્રી સ્વામીનારાયણ મંદિરનું નિર્માણ કાર્ય વેગવંતુ ચાલી રહ્યુ છે. સમગ્ર સૌરાષ્ટ્રનું સૌથી વિશાળ મંદિર આકાર લઈ રહ્યુ છે ત્યારે સંત નિવાસના ઉદઘાટન મહોત્સવ સાથે શ્રીમદ્દ ભાગવત કથાનો પણ મહામહોત્સવ ઉજવાઈ રહ્યો છે.

પંચ નિષ્ઠ અને ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તનારા સંતો પૈકીના શિરમોર કથાકાર સમગ્ર ભારત અને દેશ-વિદેશમાં કથા રસપાન કરાવે છે. એવા હરીભકતોમાં જેની સૌથી વધુ આસ્થા અને વિશ્વાસ છે તેવા પ.પૂ.સં.ગુ. નિત્યસ્વરૂપદાસજી સ્વામીના સ્વમુખે ભાવેણા વાસીઓને હરીભકતોને પ્રથમ વખત ભાગવત કથાના માધ્યમથી મર્યાદા પુરૂષોતમ શ્રી રામ અને લીલા પુરૂષોતમ શ્રી કૃષ્ણ ભગવાનના જીવન ચારીત્ર્યની કથા-ગાથા-સંગીતના સથવારે રજુ થવાની છે.

કથા પ્રારંભ મંગળવારથી પોથી યાત્રાથી કરવામાં આવ્યો છે. સ્વામીનારાયણનગરના મંદિરેથી રાત્રીના ૮.૦૦ કલાકે ભવ્ય પોથીયાત્રાનો પ્રારંભ ભગવાન શ્રી કૃષ્ણ અને સ્વામીનારાયણના જયનાદ સાથે રાસ ગરબાની રમઝટ અને ડી.જે. ગીતા સંગીત કિર્તનોની રમઝટ વચ્ચે કરવામાં આવ્યો છે. પોથીયાત્રા કથા મંડપે પહોંચતા જ ગઢપુરના સંત શ્રી એસ.પી. સ્વામી તેમજ ઘનશ્યામ વલ્લભદાસજી સ્વામીના સાનિધ્યમાં અને દેશને સૌ પ્રથમ અખંડ ભારતના નિર્માણ કાજે પોતાનું ૧૮૦૦ પાદરનું રજવાડુ ભેટ આપનારા મહારાજ કૃષ્ણકુમારસિંહજીના ઉતરોત્તર વારસ યુવરાજ જયવિજયરાજસિંહજી હસ્તે દીપ પ્રાગટયના માધ્યમે મહામહોત્સવનો પ્રારંભ થયો છે.

યુવરાજશ્રીના પ્રેરક પ્રવચનોએ ભાવેણાવાસીઓને ઘેલા કર્યા છે અને એક નવો વિશ્વાસ જગાવ્યો છે. કથા દરમ્યાન ભાવનગર સ્ટેટના અનેક યાદગાર પ્રસંગો પણ વકતા મહોદયના સ્વમુખેથી રજુ થવાના છે. હવે કથા પ્રારંભ થઈ ચૂકયો છે. ભાવેણાવાસીઓ, સત્સંગ સમાજ, હરીભકતો અને અઢારે આલમને કથા પાન કરવા આયોજક સમિતિએ આમંત્રણ પાઠવ્યુ છે.

(11:18 am IST)