Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

બ્રહ્મયજ્ઞ, પિતૃયજ્ઞ, દેવયજ્ઞ માનવનું કર્તવ્‍ય : પૂ. મોરારીબાપુ

ભાવનગરમાં આયોજીત ‘માનસ કેવટ' શ્રીરામ કથામાં શ્રીરામ ભગવાનના જન્‍મોત્‍સવની ઉજવણી : કાલે કથા વિરામ લેશે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૦ : ભાવનગરમાં મારૂતિધામ' ખાતેમાનસ કેવટ' રામકથામાં શ્રી મોરારિબાપુએ ગઇકાલે રામ જન્‍મોત્‍સવ વર્ણન કરતાં વસુંધરાવંશજ તરીકે માનવસેવા માટે બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, ભૂતયજ્ઞ તથા મનુષ્‍યયજ્ઞ એ આપણું કર્તવ્‍ય હોવાનું જણાવ્‍યું. શ્રી નાનાલાલ ભવાનભાઈ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા નિમિત્ત માત્ર આયોજન દ્વારા શ્રી રામકથાનું રસપાન શ્રી મોરારિબાપુ કરાવી રહ્યા છે.

માનસ કેવટ' રામકથામાં આપણે સૂર્યવંશી કે ચંદ્રવંશી? એ પ્રશ્ન સંદર્ભે શ્રી મોરારિબાપુએ કહ્યું કે આપણે વિશેષ તો આ ધરતીના સંતાન વંશજ છીએ, વસુંધરાવંશજ તરીકે માનવસેવા માટે બ્રહ્મ યજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, ભૂતયજ્ઞ તથા મનુષ્‍યયજ્ઞ એ આપણું કર્તવ્‍ય હોવાનું જણાવ્‍યું. આ સાથે જ આ યજ્ઞ દ્વારા સમાજ જીવન જીવવાના પાઠ સમજાવ્‍યા. ભારતનું દર્શન તો પૂરી વસુધા એક પરિવારની વિભાવના આપે છે.

કથામાં રામજન્‍મોત્‍સવ પ્રસંગ વર્ણન કરાયું હતું. આ વેળાએ ચોપાઈગાન ઉપરાંત શ્રી મોરારિબાપુએ સંતાન તરીકે રામને જન્‍માવવા માટે પતિ પત્‍ની વચ્‍ચેના સંસ્‍કારી સુમેળ આવશ્‍યક ગણાવેલ. રામ અવતરે કે નહિ, રામ જેવા સંતાન તો જ જનમ લેશે.

શ્રી મોરારિબાપુએ વિનમ્રભાવે કહ્યું કે, અહીંયા આદેશ કે ઉપદેશ નહિ કેવળ સંદેશ અપાઈ રહ્યો છે. કથામાં અલગ અલગ દૃષ્ટાંત સંદેશા સાથે ગાયનો મહિમા રજૂ થયો, યુવાનોને પણ રાષ્ટ્રીયતા અને સમાજના આદર્શ માટે સક્રિય રહેવા શીખ અપાઈ. જાણિતા વક્‍તા શ્રી નેહલ ગઢવી દ્વારા સંચાલન સાથે પ્રારંભે શ્રી જયંતભાઈ વનાણીએ પોતાની પ્રવૃત્તિ સાથે જોડાયેલ સંસ્‍થાઓનો ઉલ્લેખ કરી તન, મન અને ધનથી સેવા કાર્યની અભિલાષા વ્‍યક્‍ત કરી.

ગઇકાલે મારૂતિ ધામ' ખાતે વિવિધ ક્ષેત્રના મહાનુભાવોમાં શ્રી ભારતીબેન શિયાળ તથા શ્રી જીતુભાઈ વાઘાણીનું વ્‍યાસપીઠ પર અભિવાદન થયું. શ્રી વિશ્વાનંદ માતાજી સાથે શ્રી તુષાર શુક્‍લ, શ્રી જય વસાવડા, શ્રી મેરાણભાઈ ગઢવી, શ્રી વિનોદ જોષી, શ્રી નીતિનભાઈ વડગામા, શ્રી સુભાષભાઈ ભટ્ટ, શ્રી હરૂભાઈ ગોંડલિયા, શ્રી જીવરાજભાઈ પટેલ સાથે સંતો, ઉદ્યોગપતિ, અગ્રણીઓએ લાભ લીધો હતો. કાલે કથા વિરામ લેશે

(11:50 am IST)