Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

જુનાગઢમાં માતા - પિતાને ઘેનની દવા ખવડાવી ગુમ થયેલ યુવતિની શોધખોળ

ક્રેડીટ કાર્ડથી યુવતિએ રૂા. ર.પ૦ લાખનું ટ્રાન્‍જેકશન કર્યું

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૦: જુનાગઢમાં માતા-પિતાને ઘેનની દવા ખવડાવી ગુમ થયેલ યુવતિની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

શહેરનાં ટીંબાવાડી વિસ્‍તારમાં રહેતા એક નોકરીયાત પરિવારની શિક્ષીત ૧૭ વર્ષીય દિકરી ગત તા. ૭નાં રોજ માતા-પિતાને ભોજનમાં ઘેની પદાર્થ ખવડાવી તેઓને ઉંઘતા મુકી ઘરમાંથી સાત પ્રકારનાં એટીએમ તેમજ ક્રેડીટ કાર્ડ ઉપરાંત ઘરનાં બધા મોબાઇલ લઇને ગુમ થયેલ.

રાત્રે માતા-પિતા ઉઠતા તેમને તેમની દિકરી નાસી ગઇ હોવાનું જણાતા પોલીસને જાણ કરી હતી.

તપાસનીસ સી ડીવીઝનનાં પી.એસ.આઇ. જે. એમ. વાળાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે યુવતિનાં માતા-પિતાની અરજીનાં આધારે લાપતા યુવતિની શોધખોળ ચાલી રહી છે. યુવતિનાં મોબાઇલ ટ્રેસ કરતાં તેણીનું પ્રથમ લોકેશન રાજકોટનું અને બાદમાં ઉત્તર પ્રદેશનાં રાયબરેલીનું આવેલ જેનાં આધારે લાપતા યુવતિની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. દરમ્‍યાન વધુમાં જાણવા મળ્‍યા મુજબ લાપતા યુવતિએ ડિજીટલ વોલેટ મારફત રૂા. ર.પ૦ લાખનું ટ્રાન્‍જેકશન કર્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

હાલતો યુવતિ ગુમ હોય જેથી તેના માતા-પિતા વગેરે ચિંતીત બન્‍યા છે જયાં સુધી યુવતિનો પતો નહિં લાગે ત્‍યા઼ સુધી આ મામલો શેનો છે તે અંગે કંઇપણ કહેવું મુશ્‍કેલ છે.

(11:48 am IST)