Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

પોરબંદરમાં ચોપાટી અને બ્રહ્માકુમારીઝ પાસેના નવા બગીચાઓ કે ઉકરડાં?

પોરબંદર,તા.૧૦: નગરપાલિકાના તંત્ર દ્વારા નવા  બગીચા બનાવવામાં આવ્‍યા હતા જેમાં ચોપાટી ઉપર અને બ્રહ્માકુમારી પાસે બનાવાયેલા બગીચાઓ ઉકરડામાં ફેરવાઇ ગયા છે. આ બગીચાઓની જાળવણી કરવામાં આવે તેવી માંગણી સાથે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરાઇ છે.

કોંગ્રેસના રામદેવભાઇ મોઢવાડીયાએ વહીવટી તંત્રને રજૂઆતમાં જણાવ્‍યું છે કે નગરપાલિકાના તંત્ર દ્વારા શહેરમાં જયાં જયાં સાર્વજનિક પ્‍લોટ  અથવા ફરવાલાયક જગ્‍યા હોય ત્‍યાં બાગબગીચા બનાવવાની કામગીરી હાથ ધરાઇ હતી તે અંતર્ગત શહેરની રમણીય ચોપાટી ઉપર તેમજ બ્રહ્માકુમારી સેન્‍ટર પાસે પેરેડાઇઝ રોડ ઉપર પડતર જગ્‍યામાં બગીચા બનાવવામાં આવ્‍યા હતા જેમાં બાળમનોરંજનના સાધનો ફીટ કરવા સહિત વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્‍યું હતું.

 શહેરમા નવા બનેલા બગીચાની હાલત દયનીય જોવા મળી રહી છે. ચોપાટીની અંદર આવેલ બગીચાના ગેટ રેલીંગ જોવા મળતા નથી તેમજ વૃક્ષોને પાણી તેમજ બાળકોના સાધનોની  જાળવણીના અભાવે ઉજ્જડ જોવા મળી રહ્યાં છે. તેમજ પેરેડાઇઝ નજીક નવો બનેલ બગીચાના દ્વાર નહીં ખૂલતા સ્‍થાનિકોમાં નિરાશા જોવા મળી રહી છે. તેમજ આ બગીચાની આસપાસ ગંદકી પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. જેથી તંત્ર દ્વારા બગીચાની યોગ્‍ય જાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. જાળવણીના અભાવે બગીચાના ગેટ, રેલીંગ ગાયબ થઇ જાય છે  બાળકોને રમવાના સાધનો પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યાં છે. શહેરના પેરેડાઇઝ નજીક બગીચો બનાવવામાં આવ્‍યો છે. પરંતુ તેના ગેટ હજુ ખુલ્‍યા નથી, આસપાસ ગંદકી જોવા મળી રહી છે. તેમ રજુઆતમાં જણાવેલ છે.

(11:02 am IST)