Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

ગ્રાહકો પ્રાકૃતિક ખેત ઉત્પાદનો ખરીદવા જાગૃત બને: રક્ષિત શાહ

અદાણી ફાઉન્ડેશન દ્વારા ‘વર્લ્ડ સોઇલ ડે’ અંતર્ગત પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે ગ્રીન કાર્નિવલનું આયોજન, અદાણી પોર્ટ સેઝના ડાયરેકટર રક્ષિત શાહે પ્રાકૃતિક ખેતીની જાગૃતિ માટે ખેડૂતો અને ગ્રાહકોને કરી અપીલ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦ :  મુંદ્રામાં ‘વર્લ્ડ સોઇલ ડે’ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. અદાણી ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતીને આવકારતા ‘ખેતરથી ટેબલ સુધી’ મુહિમ અંતર્ગત ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેત ઉત્પાદનોનું ઉત્તમ વળતર મળી રહે તે હેતુસર આયોજીત કાર્યક્રમમાં ખેડૂતોએ પણ ગ્રીન કાર્નિવલ રચી હરિયાળા દિવસની ઉજવણી કરી હતી. અદાણી પરિવારના કર્મચારીઓ માટે ‘અદાણી કર્મચારી સ્વૈચ્છિક કાર્યક્રમ’ અંતર્ગત દરવર્ષે ‘વર્લ્ડ સોઇલ ડે’ ઉજવવામાં આવે છે.

પ્રાકૃતિક ખેતી એ કૃત્રિમ ખાતર અને કૃત્રિમ જંતુનાશકો રહિત ખેત ઉપાદન કરવાના સિધ્ધાંતને આધારિત છે. ખેડૂતોએ બનાવેલા ગ્રીન કાર્નિવલમાં 18 જાતના શાકભાજી, 7 જાતના ફળો, તલ, મગફળી જેવા તેલીબિયા, ધાણા જીરૂ જેવા મસાલા અને કાળા ઘઉં જેવા 15 જેટલા ટેબલ્સ રાખવામા આવ્યા હતા. ખેડૂતોને પોતાના ઉત્પાદનો ગ્રાહક સુધી પહોચડવાની તક આપવા બદલ સહભાગી મંડળીઓએ રાજીપો વ્યક્ત કર્યો હતો.

ખેતરથી ટેબલ સુધી પ્રદર્શન સહ વેચાણ વ્યવસ્થાને ખુલ્લી મૂકતાં APSEZના એક્ઝિક્યુટિવ ડાઇરેક્ટર રક્ષિતભાઈ શાહે જણાવ્યું કે “ખેડૂતોના ચહેરા પર ખુશી જોતા મને ખુબ જ આનંદ થાય છે, ખેડૂતો ગ્રાહકોને પ્રાકૃતિક ઉત્પાદનો સીધા વ્યાજબી ભાવે વેચી રહ્યા છે, તે જોતાં ગૌરવની અનુભૂતિ થાય છે. આ ખુશી ખેડૂતોના ચહેરા પર કાયમ જળવાઈ રહે તેવા પ્રયત્નો ગ્રાહકોએ સ્વયં કરવા પડશે. આજના યુગમાં પ્રાકૃતિક, સાત્વિક અને તાજું ભોજન એ સ્વસ્થ રહેવાનો શ્રેષ્ઠ ઉપાય છે. ” 

ઓર્ગેનિક ખાદ્ય ચીજોની ખરીદી સાથે ગ્રાહકોને ફૂડ કાર્નિવલનો આનંદ મળી રહે તે માટે સ્વસહાય જૂથોની મહિલાઓ દ્વારા શિયાળુ મિષ્ઠાન્ન, ગરમા-ગરમ નાસ્તાઓ, તાજા ફળોની ફ્રૂટડીશ તથા એનર્જી ડ્રીંક્સ પણ રાખવામાં આવ્યા હતા. એટલું જ નહી, બાળકોના મનોરંજન માટે રમત-ગમત સાથે ઇનામો પણ આપવામાં આવ્યા હતા. 

આ પ્રસંગે કંપની યુનિટના હોદ્દેદારોએ ખરીદી કરી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. જેમાં  રાકેશ મોહન (COO, અદાણી પોર્ટ) અરિંદમ ગોસ્વામી, અશોક કપૂર વગેરેનો સમાવેશ થાય છે. તો સ્થાનિક સંસ્થાઓ પૈકી શ્રી રાજશક્તિ પ્રાકૃતિક ખેતી સહકારી મંડળી લી., જય માતાજી પ્રાકૃતિક ફાર્મ -ભોરારા, મા શક્તિ સજીવખેતી ફાર્મ -રામાણીયા અને ધરીયા એસેન્શિયલ ઓઇલ -કચ્છ વગેરેએ ભાગ લઈ ખાદ્ય ઉત્પાદનોનું વેચાણ કર્યુ હતું.

અદાણી ફાઉન્ડેશનના યુનિટ CSR હેડ પંક્તિબેન શાહે ખેડૂતો પાસેથી ખરીદી કરતા જણાવ્યું હતું કે “જો ખેડૂતોને ઉત્પાદનોના સારા ભાવ મળતા થશે તો જ તેઓ સારું પકવશે અને સમાજને સાચું, તાજું,  ભયમુકત અને ઝેરમુક્ત ખોરાક મળી રહેશે. આ વ્યવસ્થા દ્વારા ખેડૂતો અને ગ્રાહકો બંને ખુશ દેખાયા તે મોટી સફળતા છે.” આ પ્રસંગે તેમણે તમામ સહભાગી ખેડૂતોને સન્માનપત્રોથી નવાજ્યા હતા.

આધુનિક યુગમાં પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખદ્યાન્નની માંગ કૂદકેને ભૂસકે વધી રહી છે. તેવામાં આવા આયોજનોથી ખેડૂતોને તેમના ઉત્પાદનોનું મહત્તમ વળતર અને ગ્રાહકોને શુદ્ધ ખાદ્યસામગ્રી હાથવગી મળી રહે છે. આપણે ધરતીને માતા કહીએ છીએ, માટીનું મહત્વ સમજાવવા વિશ્વ કક્ષાએ વર્લ્ડ સોઈલ-ડે એટલે કે વિશ્વ મૃદા દિવસ ઉજવવામાં આવે છે.

(10:20 am IST)