Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

ગાંધીધામના EVM મશીનમાં ગરબડ કરાઈ હોવાનો કોંગ્રેસના ઉમેદવારનો આક્ષેપ

આર.ઓ. દ્વારા ગેરવર્તન, વોકઆઉટ અને રજૂઆત પછી કલેકટરએ પગલા ન ભર્યા, હવે કાયદેસર કાર્યવાહીની ચીમકી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦

 ગાંધીધામના કોંગ્રેસના ઉમેદવાર ભરત સોલંકીએ ગઈ કાલે ભુજના કોંગ્રેસ ભવનમાં પત્રકાર પરિષદ યોજી ચુંટણી પરિણામ સામે નારાજગી વ્યક્ત કરી તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. જિલ્લા મહામંત્રી રામદેવસિંહ જાડેજા, પ્રવકતા ગની કુંભાર, ગાંધીધામ શહેર કોંગ્રેસ પ્રમુખ સંજય ગાંધી, પ્રેમકુમાર ડાંગર અને અન્ય આગેવાનોએ પત્રકાર પરિષદમાં મત ગણતરી દરમ્યાન EVM મશીનમાં ગરબડી હોવાનો અને સ્થાનિકે આર.ઓ. સમક્ષ રજૂઆત કરાયા બાદ પણ દાદ ન આપી ગેરવર્તન કરાયું હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉમેદવાર ભરત સોલંકીએ જણાવ્યું હતું કે, હાર જીત મંજૂર છે પણ છળ કપટ મંજૂર નથી. હું ગાંધીધામમાં સેવા ટ્રસ્ટ ચલાવું છું, ધાર્મિક સંસ્થા સાથે સંકળાયેલ છું. ગાંધીધામ અને ભચાઉ બન્ને શહેરોમાં કાર્યાલય શરૂ કરી લોકસેવા કરીશ. પણ, મત ગણતરી અંગે અમે લીધેલા વાંધા પછી પણ તંત્રએ દાદ આપી નથી. ગાંધીધામ EVM મશીનમાં ત્રીજા રાઉન્ડમાં સીલ ખુલેલા હોવાનો અને ૮ મા રાઉન્ડ સુધી અન્ય સીલ વિનાના મશીન દેખાતાં સ્થળ ઉપર જ વિરોધ દર્શાવી અને આર.ઓ. સમક્ષ લેખિત ફરિયાદ કરાઈ હતી. જે તે સમયે મત ગણતરી દરમ્યાન તંત્ર દ્વારા દાદ આપવાને બદલે ગેર વર્તન કરાયું હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસના આગેવાનોએ કર્યો હતો. મત ગણતરી પૂર્ણ થતાં આંકડાઓની સ્લીપ માં ઉમેદવારોની લેવાતી સહી બાબતે કોંગ્રેસના ઉમેદવારની સહી ન કરાઈ હોવાનું જણાવ્યું હતું. એક તબક્કે કોંગ્રેસના ઉમેદવાર ભરત સોલંકીએ નારાજગી સાથે ગળે ટુંપો ખાવાનો પ્રયાસ કરતા તંત્ર દોડતું થયું હતું. તંત્રના નકારત્મક વલણથી મત ગણતરી દરમ્યાન ગાંધીધામ કોંગ્રેસના આગેવાનોએ વોક આઉટ કર્યું હતું. બાદમાં જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરાઈ હોવાનું ઉમેદવાર ભરત સોલંકી અને આગેવાનો સંજય ગાંધી, પ્રેમકુમાર ડાંગરે જણાવ્યું હતું. જોકે, કલેકટર દ્વારા દાદ ન મળી હોઈ ચુંટણી કમિશનરને ઈ મેઈલ કર્યો હતો. મતદાનની ટકાવારી અને મત ગણતરી એ બન્ને સામે અસંતોષ વ્યક્ત કરતાં કોંગ્રેસના આગેવાનોએ કાયદાકીય કાર્યવાહી ની ચીમકી આપી છે. વ્યવસ્થા ગની કુંભાર અને ધીરજ રૂપાણીએ સંભાળી હતી.

 

(10:08 am IST)