Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

મુળીના સરલાના બે મિત્રોના અકસ્માતમાં મોત

ટ્રકે બાઇકને હડફેટે લીધું: ખેડા પાસે ગંભીર અકસ્માતઃ વડોદરા ઇન્ટરવ્યુ આપવા જતા 'તા

વઢવાણ, તા.૧૦: મૂળી તાલુકાના સરલા ગામે સચિનભાઇ હસમુખભાઇ દેલવાડીયા (ઉ.વ. રર) પરીવાર સાથે રહે છે. સચિનભાઇ સુરેન્દ્રનગર ખાતે આવેલ પટેલ ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતા હતા. તેમની સાથે મહારાષ્ટ્રના નંદગાંવ જિલ્લાના હદગાંવના વિકાંત નાગોર હિંગોલી (ઉ.વ.રર) પણ નોકરી કરતો હતો. સચિન તથા વિકાંત એક જ કંપનીમાં નોકરી કરતા હોય બંને વચ્ચે મિત્રતા બંધાઇ હતી. દરમિયાન વડોદરા ખાતે એક કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા માટે સચિન તથા વિક્રાંત શનિવારે સવારે પોતાની બાઇક લઇ સુરેન્દ્રનગરથી વડોદરા જવા નીકળ્યા હતા. સચિન તથા વિક્રાંત બાઇક પર ખેડા ધોળકા રોડ પર આવેલ રસિકપુરા પાટીયા પાસે થી પસાર થતા હતા તે વખતે પાછળથી પૂરપાટ ઝડપે આવતી એક ટ્રક ચાલક બેફિકરાઈ રીતે પૂર ઝડપે ટ્રક હંકારી આગળ જતી સચિનની બાઈકને અડફેટમાં લેતાં બંને મિત્રો રોડ પર પટકાયા હતા. રોડ પર પટકાયેલી બંને યુવકોને શરીરે ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખસેડાયા હતા. જયાં સચિન દેલવાડિયાનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. જયારે વિકાંત હીંગોલેનું રવિવારે બપોરના સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

આ બનાવની જાણ મૃતક સચિનના પરિવારજનો ને થતા તે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ બનાવ અંગે ખેડા શહેર, પોલીસે ટ્રક ચાલકો વિરુદ્ઘ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:13 pm IST)