Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

ACB કઇ રીતે કામગીરી કરે છે? ઇન્ટરનેશનલ ACB દિ'એ માહિતી અપાઇ

અમરેલીમાં લાંચની દેવાની પ્રધ્ધતિ વર્ણવાઇ

અમરેલી, તા.૧૦: અમરેલીની ખાતે જે.એન. મહેતા પોલીટેકનિક ખાતે ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડેની ઉજવણીના ભાગરૂપે જિલ્લાના લાંચરુશવત વિરોધી બ્યુરો અને જે. એન. મહેતા પોલીટેકનિકના સંયુકત ઉપક્રમે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં જિલ્લાના લાંચરુશવત વિરોધી બ્યુરો પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર. એન. દવે, સરકારી વકીલ શ્રીમતી મમતાબેન ત્રિવેદી અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલે પ્રાસંગિક ઉદબોધન કરી કેવી રીતે લાંચની લેવડ દેવડ થાય છે તેમજ બ્યુરોની કાર્ય કરવાની પ્રણાલીને વિસ્તૃતમાં સમજ આપી હતી. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓને લાંચ-રૂશ્વત વિરોધી બ્યુરોની કેટલીક ડોકયુમેન્ટરી ફિલ્મો દેખાડીને માહિતગાર કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે એસીબીએ પોલીસ વિભાગનો જ એક ભાગ છે. પરંતુ તેની કાર્યપ્રણાલિ અલગ છે. એસીબીએ ટ્રેપ અંગે પુરાવા, સાક્ષીઓ મેળવીને સરકારી ક્ષેત્રના પદાધિકારી સામે ચોકસાઇપૂર્વકની કાર્યવાહી કરવાની હોય છે. જેથી કોઇને અન્યાય ન થાય અને ભ્રષ્ટાચારીનો પર્દાફાશ થાય તેની ખાસ કાળજી રાખવામાં આવે છે. જો કે મોટાભાગે ચોકકસ સરકારી વિભાગોમાં થતા ભ્રષ્ટાચારના કારણે સમાજમાં તેની ગંભીર અસર ફેલાય છે. આવા ભ્રષ્ટ કર્મચારી, અધિકારી સામે લાંચ લેવાની ફરિયાદ થાય અથવા ગુપ્તરાહે બાતમી મળે તો તે માટે એસીબી દ્વારા છટકું (ટ્રેપ) કે ડીકોય (રનિંગ ટ્રેપ) ગોઠવવામાં આવે છે. અપ્રમાણસર સંપતિના કેસમાં પણ આ જ નિયમ લાગુ પડે છે. જેમાં લાંબી તપાસ બાદ ભ્રષ્ટાચારની વિગતો ખુલ્લી પડે છે. આ ઉપરાંત કોઈ પણ વ્યકિત એસીબીના ટોલ ફ્રી નં ૧૦૬૪ ઉપર ફરિયાદ નોંધાવી શકે છે અને જો ઈચ્છે તો પોતાની ઓળખ પણ આપવાની જરૂર રહેતી નથી. આ સેમીનારમા જિલ્લાના લાંચ-રૂશ્વત વિરોધી બ્યુરો પોલીસ સ્ટેશનના અધિકારીઓ-કર્મચારીઓ તથા જે. એન. મહેતા પોલીટેકનીકના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(11:48 am IST)