Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

ઘોઘા-દહેજ વચ્ચેની રો પેકસ ફેરી હવે બે મુદ્દતી બંધ

ભાવનગર તા.૧૦: ભાવનગરના ઘોઘાથી દહેજ વચ્ચે રો પેકસ ફેરી સર્વિસનો વડાપ્રધાન મોદીએ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રોજેકટ અનેક વિટંબણાનો વચ્ચે ડચકા ખાતો ચાલી રહ્યો છે અને હવે કદાચ કાયમી ધોરણે શટર પડી જાય તો પણ નવાઇ નહીં કહેવાય ! છેલ્લા અઢી માસથી ફેરી સર્વિસ બંધ કરાઇ છે જેને પુનઃ શરૂ કરવા ફેરી સર્વિસનું સંચાલન કરતી કંપની ઇન્ડી. સીવેઝે પર મુદ્દતો આપી પરંતુ ફેરીનો આજદિન સુધી પુનઃ પ્રારંભ થયો નથી. આખરે કંપની પણ કંટાળી હોય અને વિશ્વાસ ગુમાવી દેતા હવે ફેરી સર્વિસ અનિશ્ચિત સમય સુધી બંધ રહેશે તેવી જાહેરાત કરી દેવાઇ છે. આ સંજોગોમાં ફેરી સર્વિસ કાયમી ધોરણએ શરૂ રહેવા અંગે લોક માનસમાં ઉભી થયેલી શંકાઓ વધુ દ્રઢ બની છે!

ઘોઘા અને દહેજના અખાતમાં રો પેકસ ફેરી સર્વિસનું સ્વપ્ન તત્કાલિન મુખ્યમંત્રી મોદીએ સેવેલુ અને આ સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સરકારે  રૂ.૬૦૦ કરોડથી વધુનો ખર્ચ કરી પીપીપી ધોરણે પ્રોજેકટ હાથ ધર્યો હતો. જેમાં ૨૦૧૭માં ૨૨ ઓકટોબરે પ્રારંભકિ તબક્કામાં પેસેન્જર સર્વિસને વડાપ્રધાન મોદીએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવેલ. ત્યારબાદ ૨૦૧૮ માં ૨૭ ઓકટોબરથી મુસાફરો ઉપરાંત વાહનોની હેરાફેરી માટેની અસલ સ્વરૂપની રો પેકસ ફેરી સર્વિસનો પ્રારંભ થયો હતો. ફેરી સર્વિસના પ્રારંભથી સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાત સાથે દરિયાઇ માર્ગે જોડવાનું સ્વપ્ન સાકાર થયુ હતુ. આ સાથે ભાવનગર સૌરાષ્ટ્રનું વિકાસદ્વાર બનશે તેવી આશાઓ ઉભી થઇ હતી. પરંતુ જીએમબી તંત્રની બેદરકારીના કારણે પુરતો ડ્રાફટ નહીં મળવાથી ફેરી સર્વિસ અનેકવાર ખોડંગાઇ છે.

(11:43 am IST)