Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

વિદેશી પ્રજાતિના પક્ષીઓ કોડીનારના મહેમાન બન્યા

કોડીનાર, તા. ૧૦ : આ શિયાળાની સીઝનમાં વિદેશી પંખીઓની પેટર્ન બદલાઇ હોય તેમ વિદેશી પક્ષીઓ નળસરોવરના બદલે કોડીનારના મહેમાન બનતા કોડીનાર તાલુકાના બંધારા અત્યારે વિદેશી પક્ષીઓના કલરવના કારણે મનોરમ્ય બન્યા છે. કોડીનાર સહિત ગીર સોમનાથ જીલ્લામાં દેશ વિદેશથી ૭૦ જેટલા પ્રજાતિના પંખીઓ મહેમાન બનીને આવ્યા છે, પરંતુ આ મહેમાન પંખીઓને માછીમારી અને શિકારીઓથી ખતરો સર્જાવાની ભીતિ સર્જાતા પક્ષીપ્રેમીઓએ પંખીઓને શિકારીઓથી બચાવવા પગલા ભરવા માંગ કરી છે.

દર વર્ષની સરખામણીએ આ વર્ષે ગિરસોમનાથ અને કોડીનાર તાલુકાના કેટલાક જળાશયો પાણીથી છલોછલ ભરેલા હોય અને અહીંયા સાઇબીરીયા સહિતના દેશોના વિદેશી પંખીઓને પૂરતા પ્રમાણમાં માછલીઓ, મગફળી, શનખલા સહિતનો જોઇતો ખોરાક અને હવામાન મળી રહેતો હોય જેના કારણે સોડમ બંધારા, નાનાવડા બંધારા, બરડા બંધારા, ઝાલાના વડોદરા બંધારાઓમાં વિક્રમી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવી પહોંચ્યા છે.

જેમાં કુંજ, ફલેમીગો, પેલીકન, ચમચા, બતક, કાળકોંકણ સહિતના ૭૦થી વધુ જાતના અવનવા રૂપકડા પક્ષીઓ આવતા ભારે આકર્ષણ જામ્યું છે, પરંતુ આ જળાશયોમાં માછીમારીની છૂટ આપવામાં આવેલ હોવાથી મહેમાન પક્ષીઓના જીવ પર મોટો ખતરો સર્જાયો હોય આ મહામુલા મહેમાનોને બચાવવા માટે સંબંધિત તંત્રો સાબદા બને તેવી પક્ષીપ્રેમીઓમાં માંગણી ઉઠવા પામી છે.

વિશ્વમાં સૌથી વધુ ઠંડી સાઇબીરીયામાં પડે છે, આ ઠંડીમાં પક્ષીઓ જીવી શકે તેમ ના હોય આ વિસ્તારના પક્ષીઓ પોતાનું અસ્તિત્વ ટકાવવા એમના વ્હાલા વિસ્તારને છોડીને સમૂહમાં હિજરત કરી ભારત આવી જાય છે અને ભારતમાં તેમને પૂરતો ખોરાક પાણી અને હવામાન મળી રહેવા વિસ્તારો ખાસ કરીને ગુજરાતના વિસ્તારો પસંદ કરી પડાવ નાખે છે, જેમાં કોડીનારના આસપાસના વિસ્તારો પક્ષીઓ માટે અનુકુળ હોય તેમને અહીં ખોરાક પાણની સમસ્યા રહેતી ન હોય વિદેશી પક્ષીઓ અહીંના મહેમાન બન્યા છે. આ પક્ષીઓ માટે અનુકુળ હોય તેમને અહીં ખોરાક પાણની સમ્યા રહેતી ન હોય વિદેશી પક્ષીઓ અહીંના મહેમાન બન્યા છે. આ પક્ષીઓ ઠંડીથી બચવા ર મહિના પહેલા તેમના દેશમાંથી રવાના થઇ જાય છે અને ફરી ઠંડી પૂરી થતા પરત ફરી જાય છે.

દેશ-વિદેશથી જયારે પક્ષીઓ ગુજરાતના મહેમાન બનીને આવે છે ત્યારે તેમની મહેમાનનવાજી માટે અને એમના અસ્તિત્વ માટે ચાર મહિના સુધી આવા જળાશયોમાં માછીમારીના ઇજરા રદ કરી માછીમારી બંધ કરવી જોઇએ જેથી પક્ષીઓને ખોરાક મળી શકે, અને શકિારીઓ કાબુમાં રહી શકે. આ વખતે સંબધિત તંત્ર દ્વારા કોડીનાર તાલુકામાં જુદા જુદા બંધારાઓમાં માછીમારીનો ઇજારો અપાયો છે જે તમામ ઇજરાઓ ચાર માસ માટે બંધ કરી સ્થગિત કરી પક્ષીઓને બચાવવા પગલા ભરવા પક્ષીપ્રેમીઓમાં માંગણી ઉઠી છે.

જેમાં કુંજ પક્ષી શિકારીઓના સૌથી સોફટ ટારગેટ બની જાય છે. મૂળ દ્વારકા, વેલણ, છારા, ધામલેજ સહિતના દરિયાઇ અને જંગલ વિસ્તારોમાં પતંગ અને જાલ જેવા સાધનોથી ભારે માત્રમાં કુંજના શિકાર થાય છે, જેમાં અનેક શિકારીઓ ભૂતકાળમાં પકડાયા પણ છે, ત્યારે વનવિભાગ રાત્રી પેટ્રોલીંગ કરીને આવા શિકારી તત્વોને પકડી પાડી કુંજનો શિકાર અટકાવે તેવી પણ માંગ ઉઠી છે.

(12:12 pm IST)