Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

જામનગરનાં હાપામાં જલારામ મંદિરે ૨૫ વર્ષથી અન્નક્ષેત્રના માધ્યમથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૦: જામનગર નજીક હાપામાં આવેલા જલારામ મંદિરે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ, શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નકક્ષેત્ર હોલ, તથા શ્રી જલારામ મંદિર હાપા દ્વારા છેલ્લા ૨૪ વર્ષથી અન્નક્ષેત્ર ચલાવવામાં આવી રહ્યું છે, અને વિવિધ સેવાકીય -કલ્પો પણ ચલાવાઈ રહ્યા છે. અન્નક્ષેત્રના રપ વર્ષપૂર્ણ થવાના વિશેષરૂપે ઉજવણીના ભાગરૂપે શહેરના ૩૬થી પણ વધારે સ્થળો પર મહાપ્રસાદ વિતરણના વિશિષ્ટ કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે. અહીં ચલાવાતા અન્નક્ષેત્રમાં -તિદિન જલારામ બાપાના -સાદ એવા ખીચડી-કઢી, રોટલો, રોટલી, દાળ, ભાત, શાક સહિતની પ્રસાદીનું બન્ને ટાઈમ વિતરણ કરવામાં આવે છે, અને -તિદિન ૫૦૦થી વધુ જલારામભકતો પ્રસાદનો લાભ લે છે. જેમાં ખાસ કરીને દર ગુરૂવારે તેમજ રવિવારના દિવસે બુંદી-ગાંઠિયાની પ્રસાદી પણ આપવામાં આવે છે. જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી કોઈપણ ના પરિવાર માં આવેલી દુઃખદ પરિસ્થિતિ સમયે પણ જલારામબાપાનો પ્રસાદ પહોંચાડવાની સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં કોઈપણ પરિવારના મૃત્યુ સમયે પરિવારજનોને જલારામબાપાનો પ્રસાદ મળી રહે, તે માટે ખીચડી-કઢી, રોટલા, રોટલી, સહિતની પ્રસાદની સામગ્રી આપવામાં આવી રહી છે, આ અમૂલ્ય સેવા પ્રતિદિન પાંચ થી છ પરિવારોના ૨૦૦ થી ૨૫૦ જેટલા સભ્યો માટેની પ્રસાદની નિશુલ્ક સેવા હાપા જલારામ મંદિર અને ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહી છે. ઉપરાંત જામનગર શહેરમાં વસવાટ કરતા વયોવૃદ્ધ દર્દીઓ સહિતનાને પ્રતિદિન બંને ટાઈમ ૨૦૦ જેટલા ભોજન પ્રસાદના ટિફિન પણ પહોંચાડવાની વ્યવસ્થા ઘણા લાંબા સમયથી ચલાવવામાં આવી રહી છે.

કોરોના કાળ દરમિયાન જલારામ સેવા સંસ્થા હાપા અને લોહાણા મહાજન દ્વારા જામનગર શહેરમાં કોરોન્ટાઈન થયેલા દર્દીઓ અને તેમના પરિવારજનોને વિના મૂલ્યે ટિફિન સેવા પૂરી પાડવામાં આવી હતી, અને જલારામ બાપાના પ્રસાદીરૂપે પ્રતિદિન ૮૦૦થી વધુ ટિફિનની વ્યવસ્થા કરાઇ હતી. જે સેવા પાંચ મહિનાથી પણ વધુ સમય માટે ચલાવવામાં આવી હતી.

હાપા જલારામ મંદિરમાં ભકતજનોના પ્રસાદને અને નિઃશુલ્ક ટિફિન સેવાને પહોંચી વળવા માટે રોટલી બનાવવા માટેના ઓટોમેટીક મશીન પણ વસાવાયું છે, અને માત્ર ૩ કલાકમાં જ ચાર હજારથી વધુ રોટલી બનાવવામાં આવી રહી છે. અને સમગ્ર અન્નક્ષેત્ર ચલાવવા માટે સર્વે જ્ઞાતિ અને ધર્મના આશરે ૧૦૦થી વધુ કાર્યકરો આ અનેરા સેવા કાર્યમાં જોડાયા છે. જેમાં મુસ્લિમ જ્ઞાતિના રોશનબેન નામના મહિલા કે જે બે વખત હજ પઢીને આવ્યા છે, પરંતુ જલારામની પ્રસાદી બનાવવાની સેવામાં અવિરત પણે ૨૦ વર્ષથી જોડાયેલા છે. સાથોસાથ પુર અથવા આફતના સમયે જરૂરિયાતમંદોને ભોજન-સાદ મળી રહે, તે માટે અનેક વખત આયોજન કરવામાં આવેલ છે. અને વહીવટી તંત્રના માધ્યમથી અથવા તો ખાનગી સેવાભાવી સંસ્થાઓને મદદરૂપ થવાના ભાગરૂપે અનેક જરૂરિયાતમંદ લોકોને તેમજ પૂરગ્રસ્ત અથવા તો આપત્તિગ્રસ્ત લોકોને ભોજન-પ્રસાદ પહોંચાડવા માટેની પણ વ્યવસ્થા હર હંમેશ કરવામાં આવતી રહે છે. જેનો પણ હજારો લોકોએ લાભ લીધો છે.

હાપા જલારામ મંદિર પરિસરમાં મંગળા વિઠલેશ ગૌશાળા પણ બનાવાઇ છે. જેમાં ૩૫ જેટલી દેશી નસલની ગાયોનો નિભાવ કરવામાં આવે છે. અષાઢીબીજના દિવશે ગૌશાળામાં સૌ પ્રથમ વખત ઘાસચારા અન્નકોટ સહિતના વિવિધ કાર્યક્રમના આયોજન કરવામાં આવી રહ્યા છે.

જલારામ મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા જલારામ બાપાના મહાપ્રસાદ એવા ૭ ફૂટ બાય ૭ ફૂટના રોટલો બનાવીને ગિનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. તીવ્ર ઠંડીના સમયે અથવા તો અન્ય આપત્તિ સમયે જલારામ અન્નક્ષેત્ર હોલ ખાતે લોકોને રાતવાસો કરવા તેમજ ભોજન પ્રસાદ સહિતની સુવિધા પૂરી પાડીને આશરો આપવાની વ્યવસ્થા પણ કોઈ પણ નતજાતના ભેદભાવ વગર ગોઠવવામાં આવતી રહે છે.

જલારામ અન્નક્ષેત્ર હાપા તેમજ રોટરી કલબ જામનગરના સહયોગથી સમર્પણ ઓવરબ્રીજ નજીક આવેલા રોટરી કલબ હોલના પરિસરમાં વિજયા દશમીથી ભોજન પ્રસાદ વિતરણની વ્યવસ્થા પણ ચલાવવામાં આવી રહી છે, અને દરરોજ ૨૦૦ થી ૨૫૦ ભકતોને બપોરનો સમયે ભોજન પ્રસાદનો લાભ આપવામાં આવે છે.

આ ઉપરાંત જામનગર શહેરમાં વડીલ વંદના રથનું વિશિષ્ટ કાર્ય પણ છેલ્લા પાંચ વર્ષથી કરવામાં આવે છે, જેમાં જામનગર શહેરના વૃદ્ધ અને અશકત વડીલોને આધુનિક રથ મારફતે શહેરના વિવિધ મંદિરોના દર્શન કરાવવા માટેની વિશિષ્ટ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ હતી. કોવિડની ગાઈડલાઈન અનુસાર છેલ્લા બે વર્ષથી બંધ કરાયેલ આ સેવાને આગામી ૧૭ મી જાન્યુઆરીથી પૂનઃ શરૂ કરવાનો પણ ટ્રસ્ટ દ્વારા નિર્ધાર કરવામાં આવ્યો છે.

(1:10 pm IST)