Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

મોરબી એસટીને દિવાળી ફળી : ૮ દિવસમાં રૂ. ૩૫.૨૫ લાખની આવક

દર વખત કરતા આ વખતે ધરખમ આવક

 

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૦ : મોરબી એસટી ડેપોને આ વખતે દિવાળી ફળીભૂત થઈ છે. જેમાં રાજકોટ ડિવિઝને ૫ લાખના ટાર્ગેટ આપ્યો હતો એની સામે મોરબી એસટી ડેપોએ સુચારુ સંચાલન કરી એકસ્ટ્રા બસ થકી રૂ. ૮ લાખનો વકરો કર્યો છે. જયારે દિવાળીના સમગ્ર તહેવારોમાં મોરબી એસટી ડેપોએ આઠ દિવસમાં જ દિવસમાં રૂ.૩૫.૨૫ લાખની આવક કરીને સરકારી તિજોરી છલકાવી છે. આ ઉપરાંત એડવાન્સ બુકીંગની યોજના પણ ફળીભૂત થઈ હતી. જો કે, દર વખત કરતા આ વખતે ધરખમ આવક થઈ છે.

મોરબીમાં દિવાળી નિમિતે મોટાભાગના લોકો બહારગામ પોતાના સગા સ્નેહીઓના ઘરે કે ધાર્મિક સ્થળ કે.પર્યટન સ્થળ તેમજ દાહોદ, ગોધરા અને પંચમહાલ તરફના ખેતમજૂરો મોરબીથી ખાસ દિવાળી નિમિતે વતન જતા હોય આ બધા ટ્રાફિકના વધુ ઘસરાને પહોંચી વળવા મોરબી એસટી ડેપોએ દાહોદ, ગોધરા અને પંચમહાલ, અમદાવાદ, રાજકોટ, સુરત, જામનગર સહિતના રૂટ ઉપર એકસ્ટ્રા બસો દોડાવી હતી. જેથી મોટાભાગની બસો ભરચકક જોવા મળી હતી. આ દિવાળીના તહેવારો દરમિયાન મોટાભાગની એસટી બસો હાઉસફુલ રહેતા એસટી તંત્રને ૮ દિવસમાં રૂ.૩૫,૨૫,૧૨૩ની આવક થઈ છે. આ વખતે એસટી તંત્ર દ્વારા એડવાન્સ બુકીંગની યોજના અમલમાં મુકવામાં આવી હતી. જેમાં જે સ્થળે બુકીંગ કરાઈ ત્યાંથી બસ પિકઅપ કરીને ઉપડતી હતી.જેમાં ૫૨ ટ્રીપનું એડવાન્સ બુકીંગ થઈ ગયું હતું. એસટી ડેપો મેનેજર દિલીપ શામળા, એસટી ડ્રાઇવર, કંડકટર, વહીવટી સ્ટાફ સહિત સમગ્ર એસટી સ્ટાફ અને ભારતીય મજદૂર સંઘના પ્રમુખ સહિતના સતત સેવા માટે ખડેપગ રહ્યા હતા. તેથી આ વખતે મોરબીના ઇતિહાસમાં દિવાળી દરમિયાન એસટી ડેપોને સારી એવી આવક થઈ છે.

મોરબી એસટી ડેપોએ આ વખતે દિવાળી નિમિતે મુસાફરોને કોઈપણ જાતની અગવડતા ન પડે તેની ખાસ તકેદારી રાખી સુચારુ આયોજન કર્યું હતું. જરૂર જણાય ત્યાં છેલ્લી ઘડીએ પણ એકસ્ટ્રા બસો દોડાવો હતી.ખાસ દાહોદ, ગોધરા, પંચમહાલ, અમદાવાદ, રાજકોટના રૂટ ઉપર દિવાળી નિમિતે ૮૬ જેટલી ટ્રીપ વધારાની દોડાવી હતી. જો કે રાજકોટ ડિવિજને રૂ. ૫ લાખનો ટાર્ગેટ આપ્યો હતો.પણ મોરબી એસટી ડેપોએ એ લક્ષ્યાંકને વટાવી એકસ્ટ્રા બસ થકી રૂ. ૮ લાખનો એસટીને નફો કરાવી દીધો હતો.

(12:32 pm IST)